IPL 2024: આઈપીએલમાં વેસ્ટ ઈન્ડિઝના ખુંખાર બોલરની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા સામે મચાવી હતી ધમાલ

Indian Premier League: વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શમર જોસેફને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એન્ટ્રી મળી ગઈ છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં દમદાર પ્રદર્શન કરી જોસેફ ચર્ચામાં આવ્યો હતો. 
 

IPL 2024: આઈપીએલમાં વેસ્ટ ઈન્ડિઝના ખુંખાર બોલરની એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા સામે મચાવી હતી ધમાલ

Shamar Joseph IPL 2024: છેલ્લા કેટલાક દિવસથી વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરની ક્રિકેટ જગતમાં ખુબ ચર્ચા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગાબા ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને શાનદાર જીત અપાવનાર 24 વર્ષીય શમર જોસેફને IPL 2024 માટે સાઇન કરી લેવામાં આવ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સે આ ખુંખાર ફાસ્ટ બોલરને આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન માટે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ઈંગ્લેન્ડના માર્ક વુડની જગ્યાએ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ગાબામાં કર્યો હતો કમાલ
પાછલા મહિને જોસેફે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝને ગાબા ટેસ્ટ મેચમાં જીત અપાવી હતી. આ 24 વર્ષીય ફાસ્ટ બોલરે બ્રિસબેનના ગાબામાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઈનઅપને ધ્વસ્ત કરતા બીજી ઈનિંગમાં 68 રન આપી 7 વિકેટ ઝડપી હતી. આ જીત બાદ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડીઓ કાર્લ હૂપર અને બ્રાયન લારા પણ ભાવુક થઈ ગયા હતા.

આટલા કરોડમાં રમશે શમર
લખનઉ ટીમે તેને 3 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ તેની પ્રથમ આઈપીએલ સિઝન હશે. IPLએ એક નિવેદનમાં કહ્યું, 'લખનઉ સુપર જાયન્ટ્સે ટાટા IPL 2024ની આગામી સિઝન માટે ફાસ્ટ બોલર માર્ક વુડના સ્થાને શમર જોસેફનો સમાવેશ કર્યો છે. જોસેફ 3 કરોડ રૂપિયામાં LSGમાં જોડાશે. તાજેતરમાં, આ ઝડપી બોલરે ગાબા ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ જીત દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બીજી ઈનિંગમાં સાત વિકેટ ઝડપી, જેના કારણે વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત નોંધાવી.

એલએસજીએ આ ખેલાડીઓને હરાજીમાં ખરીદ્યા હતા
શિવમ માવી (રૂ. 6.40 કરોડ), અર્શિન કુલકર્ણી (રૂ. 20 લાખ), એમ. સિદ્ધાર્થ (રૂ. 2.40 કરોડ), એશ્ટન ટર્નર (રૂ. 1 કરોડ), ડેવિડ વિલી (રૂ. 2 કરોડ), મોહમ્મદ. અરશદ ખાન (રૂ. 20 લાખ). તમને જણાવી દઈએ કે વુડે હૈદરાબાદમાં ભારત શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી અને વિઝાગમાં બીજી મેચ માટે તેને આરામ આપવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news