Virat Kohli Test Captaincy: દ્રવિડ સાથે વાત કરી, પછી જય શાહને ફોન, જાણો કોહલીએ આ રીતે છોડી દીધી કેપ્ટનશિપ
સૂત્રોનું માનીએ તો દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર કેપટાઉન ટેસ્ટમાં શુક્રવારે (14 જાન્યુઆરી) ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય થયો હતો. મેચ બાદ કોહલી દ્રવિડને મળ્યો અને બંને વચ્ચે લાંબી વાતચીત થઈ.
Trending Photos
Virat Kohli Test Captaincy: ભારતીય ટીમના સ્ટાર ખેલાડી અને સફળ કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે (15 જાન્યુઆરી) સાંજે ટ્વિટ કરીને અચાનક ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું છે. કોહલીનો અચાનક આ નિર્ણય ચાહકો અને રમત જગતના લોકો માટે ચોંકાવનારો છે. હજુ તેના પ્રશંસકો તેના પર વિશ્વાસ કરી રહ્યા નથી, જ્યારે વાસ્તવમાં વાત કંઈક બીજી જ છે. અમે તમને જણાવી દઈએ કે કોહલીએ આ નિર્ણય માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી.
વાસ્તવમાં કોહલીએ આ નિર્ણય સૌથી પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડને જણાવ્યો હતો. ત્યારબાદ, તેણે આ નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહને જણાવ્યો. આ બધા પછી કોહલીએ ટ્વિટર દ્વારા ચાહકોને જાહેરમાં આ માહિતી શેર કરીને રાજીનામા તરીકેનો મોટો બોમ્બ ફોડ્યો હતો.
કોહલીએ સૌથી પહેલા દ્રવિડને નિર્ણય સંભળાવ્યો
સૂત્રોનું માનીએ તો દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર કેપટાઉન ટેસ્ટમાં શુક્રવારે (14 જાન્યુઆરી) ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય થયો હતો. મેચ બાદ કોહલી દ્રવિડને મળ્યો અને બંને વચ્ચે લાંબી વાતચીત થઈ. આ દરમિયાન બંને વચ્ચે ટેસ્ટ સિરીઝમાં હારને લઈને કોઈ વાત થઈ ન હતી. કોહલીએ દ્રવિડને જણાવ્યું કે તેણે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. કોહલીએ આ અંગે સાથી ખેલાડીઓ સાથે વાત કરી ન હતી.
પછી BCCI સેક્રેટરી જય શાહને ફોન કર્યો
દ્રવિડ સાથે વાત કર્યા બાદ કોહલીએ શનિવારે બપોરે BCCI સેક્રેટરી જય શાહને ફોન કર્યો હતો. આ દરમિયાન કોહલીએ જય શાહને પોતાના નિર્ણય વિશે પણ જણાવ્યું હતું. ફોન પર વાત કરતી વખતે જય શાહે કોહલીના નિર્ણયનો સ્વીકાર કર્યો હતો. આ પછી કોહલીએ સાંજે ટ્વીટ કરીને કેપ્ટનશિપ છોડવાની વાત કરી હતી.
કોષાધ્યક્ષ અરુણ ધુમલે પણ આપી હતી માહિતી
બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે જણાવ્યું હતું કે વિરાટ કોહલીએ સચિવ જય શાહને આ અંગે જાણકારી આપી. બોર્ડ તેમના નિર્ણયનું સન્માન કરે છે. જ્યારે તેણે ટી20ની કેપ્ટનશીપ છોડી ત્યારે બોર્ડે વર્લ્ડકપ સુધી રહેવાનું કહ્યું હતું, પરંતુ તેમણે પોતાનો નિર્ણય લઈ લીધો હતો. અરુણ ધૂમલે કહ્યું કે કોહલી ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન રહ્યો છે, તેથી અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ.
કોહલી છે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન
કોહલી ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. તેમની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે 68માંથી 40 ટેસ્ટ જીતી છે. તેના પછી ધોનીનું નામ આવે છે, જેણે કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 60માંથી 27 ટેસ્ટ જીતી હતી. હાલમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ઈજાના કારણે કોહલી શ્રેણીની બીજી ટેસ્ટ રમી શક્યો નહોતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે