વોર્નર-મિચેલ માર્શની ધમાલ, ઓસ્ટ્રેલિયા બન્યું ચેમ્પિયન

T20 WC 2021, Match 45, NZ vs AUS: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની પાસે પ્રથમવાર ટી20 વિશ્વકપ જીતવાની શાનદાર તક છે. આ મેચ ખુબ રોમાંચક થવાની આશા છે. 

વોર્નર-મિચેલ માર્શની ધમાલ, ઓસ્ટ્રેલિયા બન્યું ચેમ્પિયન

દુબઈઃ આઈસીસી ટી20 વિશ્વકપ-2021 (ICC T20 World cup 2021)ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે પરાજય આપી ટ્રોફી કબજે કરી લીધી છે. આ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમવાર આઈસીસી ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન બન્યું છે. ટી20 વિશ્વકપમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી ન્યૂઝીલેન્ડ ટીમનું ટ્રોફી જીતવાનું સપનું રોળાય ગયું છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 173 રન કરી મેચ પોતાના નામે કરી લીધી હતી. 
ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર (53) અને મિચેલ માર્શ () એ શાનદાર અડધી સદી ફટકારી હતી.  ન્યૂઝીલેન્ડ તરફથી કેન વિલિયમસને સૌથી વધુ 85 રન બનાવ્યા હતા. 

બોલ્ટે ન્યૂઝીલેન્ડને અપાવી બીજી સફળતા
ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો લાગ્યો છે. ડેવિડ વોર્નર 38 બોલમાં 4 ફોર અને 3 સિક્સ સાથે 53 રન બનાવી બોલ્ટની ઓવરમાં બોલ્ડ થયો છે. ન્યૂઝીલેન્ડને બીજી સફળતા મળી છે. 

વોર્નરની અડધી સદી
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે ફાઇનલમાં દમદાર ઈનિંગ રમી છે. વોર્નરે 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. આ વિશ્વકપમાં તેણે ત્રીજી અડધી સદી ફટકારી છે. 
10 ઓવરમાં ઓસ્ટ્રેલિયા 82/1
10 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટે 82 રન બનાવી લીધા છે. ડેવિડ વોર્નર 45 અને મિશેલ માર્શ 30 રન બનાવી ક્રિઝ પર છે. બંનેએ બીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી છે. 

ઓસ્ટ્રેલિયાને લાગ્યો ઝટકો
ઓસ્ટ્રેલિયાની શરૂઆત ફરી ખરાબ રહી છે. ટીમને ત્રીજી ઓવરમાં કેપ્ટન આરોન ફિન્ચના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો છે. ફિન્ચ માત્ર 5 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો છે. 

ઓસ્ટ્રેલિયાને જીતવા માટે મળ્યો 173 રનનો ટાર્ગેટ
ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવ્યા છે અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ મળ્યો છે. ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમસને સૌથી વધુ 85 રન બનાવ્યા છે તો ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 16 રન આપી ત્રણ વિકેટ ઝડપી છે. 

હેઝલવુડની શાનદાર બોલિંગ
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ફાઇનલમાં દમદાર બોલિંગ કરી છે. તેણે 4 ઓવરમાં 16 રન આપી ત્રણ સફળતા મેળવી છે. 

વિલિયમસન 85 રન બનાવી આઉટ
ઓસ્ટ્રેલિયાને આખરે મોટી સફળતા મળી છે. કેન વિલિયમસન 85 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો છે. વિલિયમસને 48 બોલનો સામનો કરતા 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા છે. 

ગ્લેન ફિલિપ્સ આઉટ
ન્યૂઝીલેન્ડને 144 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો છે. ગ્લેન ફિલિપ્સ 17 બોલમાં 18 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો છે. 

કેન વિલિયમસનની અડધી સદી
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને આ વિશ્વકપની પ્રથમ અડધી સદી ફટકારી છે. ટીમને જ્યારે જરૂર હતી ત્યારે કેને 32 બોલમાં 5 ફોર અને બે સિક્સ સાથે પોતાની અડધી સદી પૂરી કરી છે. 

માર્ટિન ગુપ્ટિલ સેટ થયા બાદ આઉટ
ન્યૂઝીલેન્ડનો વિસ્ફોટક ઓપનર માર્ટિન ગુપ્ટિલે આજે ખુબ ધીમી ઈનિંગ રમી છે. ગુપ્ટિલ સેટ થયા બાદ આઉટ પણ થઈ ગયો છે. ગુપ્ટિલે 35 બોલમાં માત્ર 28 રન બનાવ્યા છે. ગુપ્ટિલ એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો. 

ન્યૂઝીલેન્ડની ખુબ ધીમી શરૂઆત
ફાઇનલ જેવી મહત્વની મેચમાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ધીમી રહી છે. ટીમ પ્રથમ 10 ઓવરમાં 1 વિકેટે માત્ર 57 રન બનાવી શકી છે. માર્ટિન ગુપ્ટિલ 27 અને વિલિયમસન 18 રન બનાવી ક્રીઝ પર છે. 

પાવરપ્લેમાં ન્યૂઝીલેન્ડ 32/1
ફાઇનલમાં પ્રથમ છ ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમ પાવરપ્લેમાં 1 વિકેટે માત્ર 32 રન બનાવી શકી છે. માર્ટિન ગુપ્ટિલ ટીમને આક્રમક શરૂઆત અપાવી શક્યો નહીં. તો સેમીફાઇનલનો હીરો મિચેલ માત્ર 11 રન બનાવી આઉટ થયો છે. 

ન્યૂઝીલેન્ડને લાગ્યો પ્રથમ ઝટકો
ઓસ્ટ્રેલિયાને ચોથી ઓવરમાં પ્રથમ સફળતા મળી છે. સેમીફાઇનલનો હીરો મિચેલ 11 રન બનાવી જોશ હેઝલવુડનો શિકાર બન્યો છે. ન્યૂઝીલેન્ડે 28 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી છે. 

પ્લેઇંગ ઇલેવન
ઓસ્ટ્રેલિયાઃ ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોયનિસ, મેથ્યૂ વેડ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.

ન્યૂઝીલેન્ડ
માર્ટિન ગુપ્ટિલ, ડેરિલ મિચેલ, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ટીમ સિફર્ડ, જિમી નીશામ, મિશેલ સેન્ટનર, ટીમ સાઉદી, ટ્રેન્ટ બોલ્ટ, ઈશ સોઢી, એડન મિલ્ને. 

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો
ફાઇનલ જેવા મહત્વના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. 

બંને ટીમો ફોર્મમાં
ટી20 વિશ્વકપની ટ્રોફી બંને ટીમો અત્યાર સુધી જીતી શકી નથી, તો એટલું તો નક્કી છે કે દુનિયાને ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં નવો ચેમ્પિયન મળશે. બંને ટીમોએ પોતાનો સેમીફાઇનલ મુકાબલો જે અંદાજમાં જીત્યો હતો, તેને જોતા વધુ એક ધમાકેદાર મેચની આશા કરી શકાય છે. ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડ સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનારી ટીમ રહી છે. ટીમે સેમીફાઇનલમાં ટૂર્નામેન્ટ જીતવાની પ્રબળ દાવેદાર મનાતી ઈંગ્લિશ ટીમ વિરુદ્ધ પણ શાનદાર બેટિંગ કરી હતી. માર્ટિન ગુપ્ટિલનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20માં રેકોર્ડ ખુબ સારો છે અને તેનો ઓપનિંગ જોડીદાર ડેરિલ મિશેલ પણ પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ ફાઇનલમાં રમવા ઈચ્છશે. 

કેપ્ટન કેન વિલિયમસન પાસે મોટી ઈનિંગની રાહ જોવાઈ રહી છે અને રવિવારે તેની પાસે સારી તક છે. નીશામે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મધ્ય ક્રમમાં પોતાનું મહત્વ સાબિત કર્યુ હતું, પરંતુ ડેવોન કોન્વે બહાર થતાં ન્યૂઝીલેન્ડને ઝટકો લાગ્યો છે. કોન્વેના સ્થાને સિફર્ટ રમશે. ટિમ સાઉદી અને ટ્રેન્ટ બોલ્ટની અનુભવી ફાસ્ટ બોલિંગ જોડી પાસે ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી પર લગામ લગાવવાની જવાબદારી હશે. 

એડમ મિલ્નેએ પણ ત્રીજા ફાસ્ટ બોલર તરીકે સારૂ કામ કર્યુ છે, જ્યારે લેગ સ્પિનર ઈશ સોઢી મધ્ય ઓવરોમાં પ્રભાવશાળી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ પ્રથમવાર ટી20 વિશ્વકપની ફાઇનલ રમી રહ્યું છે. જો તે જીતે તો ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં એક નવો અધ્યાય જોડાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news