World Cup 2019: બે મજબૂત ટીમો વચ્ચે ટક્કર, કીવીની સામે કાંગારૂનો પડકાર

આઈસીસી વિશ્વ કપ-2019ની 37મી મેચમાં લોડ્સના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આમને-સામને થશે. 

World Cup 2019: બે મજબૂત ટીમો વચ્ચે ટક્કર, કીવીની સામે કાંગારૂનો પડકાર

લંડનઃ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ આજે જ્યારે લોર્ડ્સના મેદાન પર મુકાબલામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઉતરશે તો તેનો પ્રયત્ન ન્યૂઝીલેન્ડને હરાવીને વિશ્વ કપમાં પોતાની લય જાળવી રાખવાનો રહેશે. 

આરોન ફિન્ચની આગેવાની વાળી ઓસ્ટ્રેલિયન ટીમે ભારત વિરુદ્ધ મેચ ગુમાવવા સિવાય આ વિશ્વકપમાં કંઇ ખોટુ કર્યું નથી અને તે સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે. બીજીતરફ ન્યૂઝીલેન્ડની ટીમે છેલ્લી મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને તે ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ હાર હતી. 

ન્યૂઝીલેન્ડ પોતાની તમામ મેચમાં એક જ ટીમ સાથે ઉતર્યું છે. તેના 11 પોઈન્ટ છે અને સેમિફાઇનલમાં પહોંચવા માટે તેણે પોતાની બાકી બે મેચોમાંથી એકમાં તો વિજય મેળવવો પડશે. ન્યૂઝીલેન્ડ જો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (3 જુલાઈ) વિરુદ્ધ મેચોમાંથી એકમાં જીત મેળવવામાં સફળ રહ્યું તો તે સતત ચોથીવાર વિશ્વ કપ સેમિફાઇનલમાં જગ્યા પાક્કી કરી લેશે. 

વિશ્વ કપમાં બંન્ને ટીમ છેલ્લે 2015ની ટૂર્નામેન્ટના ફાઇનલમાં ટકરાઇ હતી, જ્યાં ન્યૂઝીલેન્ડે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બંન્ને ટીમનો ખેલાડીઓને તેની યાદો તાજી હશે. તેવામાં આજે રમાનારી મેચ રોમાંચક થઈ શકે છે. 

ફિન્ચ અને ડેવિડ વોર્નરની ઓપનિંગ જોડી શાનદાર પ્રદર્શન કરી રહી છે અને તે આ ટૂર્નામેન્ટની સૌથી સફળ જોડી બનવાની નજીક છે. તે હાલની ટૂર્નામેન્ટમાં રમ બનાવનારની યાદીમાં ટોપ બે સ્થાન પર રહેલા છે અને બંન્નેએ ત્રણ સદીની ભાગીદારી કરીને વિશ્વ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક બોલરોની યાદીમાં ટોપ પર છે. તે પોતાની ઉછાળ અને સ્વિંગથી કીવી બેટ્સમેનો માટે માથાનો દુખાવો બની શકે છે. જેસન બેહરેનડોર્ફે પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ વિકેટ ઝડપીને પોતાની ઉપયોગીતા સાબિત કરી હતી. 

ન્યૂઝીલેન્ડની ટીમ ફરી એકવાર પોતાના કેપ્ટન કેન વિલિયમસન પર નિર્ભર રહેશે, જેણએ 138ની એવરેજથી રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેની એકમાત્ર સદી 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવી હતી. તે મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news