IPL 2020, KXIPvsMI: પંજાબના બેટ્સમેનો ફ્લોપ, મુંબઈનો 48 રને ભવ્ય વિજય

મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કરતા કિંગ્સ ઇલેવન પંજાબને 48 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાની બીજી જીત મેળવી છે. 

 IPL 2020, KXIPvsMI: પંજાબના બેટ્સમેનો ફ્લોપ, મુંબઈનો 48 રને ભવ્ય વિજય

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની દુબઈના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી 13મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ને 48 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં બીજો વિજય મેળવ્યો છે. તો પંજાબનો ચોથી મેચમાં આ ત્રીજો પરાજય થયો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 191 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવી શકી હતી. 

સારી શરૂઆત બાદ પંજાબનો ધબડકો
મુંબઈએ આપેલા 192 રનના લક્ષ્યની શરૂઆત કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબને રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરૂઆત અપાવી હતી. ટીમને પ્રથમ ઝટકો 38 રનના સ્કોર પર મયંક અગ્રવાલના રૂપમાં લાગ્યો હતો. અગ્રવાલ (25)ને બુમરાહે બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કરૂણ નાયર (0)ને ક્રુણાલ પંડ્યાએ આઉટ કર્યો હતો. ટીમનો સ્કોર 60 રન હતો ત્યારે કેએલ રાહુલ (17)ને રાહુલ ચાહરે બોલ્ડ કરીને મુંબઈને ત્રીજી સફળતા અપાવી હતી. 

મેક્સવેલ ફરી ફ્લોપ
કિંગ્સ ઇલેવન પંજાબને મેક્સવેલ ભારે પડી રહ્યો છે. પંજાબે તેને મોટી રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ તે હજુ સુધી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. આજે પણ તે બોલને હિટ કરવામાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. મેક્સવેલ માત્ર 11 રન બનાવી રાહુલ ચાહરનો શિકાર બન્યો હતો. પંજાબ તરફથી એકમાત્ર નિકોલસ પૂરને સારી બેટિંગ કરી હતી. પૂરને 27 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 45 રન બનાવ્યા હતા. જેમ્સ નિશમ (7)ને બુમરાહ અને સરફરાઝ ખાન (7)ને પેટિન્સને આઉટ કર્યો હતો. 

મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહ, જેમ્સ પેટિન્સન, રાહુલ ચાહરે બે-બે તથા ટ્રેન્ટ બોલ્ટ અને ક્રુણાલ પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી.

IPL: રોહિત શર્માએ બનાવ્યો નવો રેકોર્ડ, કોહલી-રૈના બાદ બન્યો ત્રીજો બેટ્સમેન

રોહિત શર્માની અડધી સદી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. શેલ્ડન કોટ્રેલે ડિ કોક (0)ને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ મુંબઈએ 21 રનના સ્કોર પર સૂર્યકુમાર યાદવ (10)ના રૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી. તે રન આઉટ થયો હતો. પરંતુ એક છેલો કેપ્ટન રોહિત શર્માએ સાચવી રાખ્યો હતો. રોહિતે ઈનિંગમાં ચોગ્ગો ફટકારવાની સાથે પોતાના આઈપીએલ કરિયરના 5000 રન પૂરા કર્યાં હતા. તે આઈપીએલમાં પાંચ હજાર રન પૂરા કરનાર ત્રીજો ખેલાડી છે. આ પહેલા કોહલી અને સુરેશ રૈના આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. રોહિત શર્માએ 45 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્મા મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો.

અંતિમ 6 ઓવરમાં મુંબઈએ 106 રન બનાવ્યા
મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો ઇશાન કિશન (32)ના રૂપમાં લાગ્યો હતો. મુંબઈએ 16.1 ઓવરમાં રોહિતના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યા અને પોલાર્ડે અંતિમ 23 બોલમાં 67 રનની ભાગીદારી કરી હતી પોલાર્ડ 20 બોલમાં 4 સિક્સ અને 3 ચોગ્ગા સાથે 47 રન બનાવી અણનમ રહ્યો હતો. તો હાર્દિક પંડ્યાએ 11 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 30 રન બનાવ્યા હતા. આમ મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ 6 ઓવરમાં 106 રન ફટકારી દીધા હતા. 

કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી શેલ્ડન કોટ્રેલ, મોહમ્મદ શમી અને કૃષ્ણપ્પા ગૌતમે એક-એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news