IPL 2022: ડિકોક-રાહુલની રેકોર્ડ ભાગીદારી, રોમાંચક મેચમાં બે રને હારી KKR, લખનઉ પ્લેઓફમાં, કોલકત્તા OUT

KKR vs LSG: અંતિમ બોલ સુધી રોમાંચક બનેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 2 રને હરાવી પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. તો કોલકત્તાની આઈપીએલ-2022માં સફર સમાપ્ત થઈ ગઈ છે. 

IPL 2022: ડિકોક-રાહુલની રેકોર્ડ ભાગીદારી, રોમાંચક મેચમાં બે રને હારી KKR, લખનઉ પ્લેઓફમાં, કોલકત્તા OUT

મુંબઈઃ ડિકોક (70 બોલમાં અણનમ 140 રન) અને કેએલ રાહુલ (51 બોલમાં અણનમ 68 રન) ની રેકોર્ડ ભાગીદારીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને રોમાંચક મેચમાં 2 રને હરાવી આઈપીએલ-2022ની પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. તો હારની સાથે કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે ટૂર્નામેન્ટમાં સફર સમાપ્ત થઈ ગઈ છે. લખનઉએ 14 મેચમાં 9 જીત સાથે 18 પોઈન્ટ મેળવ્યા છે અને તે ગુજરાત ટાઈટન્સ બાદ પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં વિના વિકેટે 210 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 208 રન બનાવી શકી હતી. 

ડિ કોકની વિસ્ફોટક ઈનિંગ
લખનઉ સુપર જાયન્ટ્સના ઓપનર ડિકોકે ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં ધમાલ મચાવી હતી. ડિકોકનો 12 રને કેચ છૂટ્યો હતો. આ કેચ કોલકત્તા નાઇટ રાઇડર્સને ભારે પડ્યો હતો. ત્યારબાદ ડિકોકે દમદાર બેટિંગ કરી હતી. ડિકોકે 38 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેણે પોતાના આઈપીએલ કરિયરની સૌથી મોટી ઈનિંગ રમી હતી. ડિ કોક 70 બોલમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 140 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 200ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. આ સાથે રાહુલ અને ડિકોકે પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી કરી હતી. જે આઈપીએલ ઈતિહાસની ઓપનિંગ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. 

કેએલ રાહુલના સતત પાંચમી સીઝનમાં 500+ રન
કેએલ રાહુલે એન્કરની ભૂમિકામાં બેટિંગ કરી ડિકોકનો સાથ આપ્યો હતો. રાહુલે 51 બોલમાં ચાર સિક્સ અને ત્રણ ફોર સાથે અણનમ 68 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન કેએલ રાહુલે આઈપીએલ-2022ની સીઝનમાં પોતાના 500 રન પૂરા કર્યા હતા. કેએલ રાહુલે 2018થી 2022 એટલે કે સતત પાંચ સીઝનમાં 500+ રન બનવવાની સિદ્ધિ મેળવી છે. 

કેકેઆરની ઓપનિંગ જોડી ફેલ
લખનઉએ આપેલા મોટા લક્ષ્યનો સામનો કરવા ઉતરેલી કોલકત્તાને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. વેંકટેશ અય્યર ખાતુ ખોલાવ્યા વગર મોહસિન ખાનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈનિંગની ત્રીજી ઓવરમાં અભિજીત તોમર માત્ર 4 રન બનાવી મોહસિનનો શિકાર બન્યો હતો. કોલકત્તાએ પાવરપ્લેમાં બે વિકેટે 60 રન બનાવ્યા હતા. 

શ્રેયસ અય્યરની અડધી સદી
9 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ નીતિશ રાણા અને કેપ્ટન અય્યરે ઈનિંગ સંભાળી હતી. ટીમનો સ્કોર 65 રન હતો ત્યારે નીતીશ રાણા 22 બોલમાં 9 ચોગ્ગા સાથે 42 રન બનાવી કૃષ્ણપ્પા ગૌતમનો શિકાર બન્યો હતો. અય્યરે 29 બોલમાં ત્રણ સિક્સ અને ચાર ચોગ્ગા સાથે 50 રન બનાવ્યા હતા. અય્યરને સ્ટોયનિસે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

આંદ્રે રસેલ પણ મોહસિન ખાનનો શિકાર બન્યો હતો. રસેલે 11 બોલનો સામનો કરી માત્ર 5 રન બનાવ્યા હતા. ત્યારબાદ રિંકૂ સિંહ અને સુનીલ નારાયણે 58 રનની ભાગીદારી બનાવી મેચ રોમાંક બનાવી દીધી હતી. રિંકૂ સિંહે માત્ર 15 બોલમાં ચાર સિક્સ અને બે ફોર સાથે 40 રન બનાવ્યા હતા. સુનીલ નારાયણ 7 બોલમાં ત્રણ સિક્સ સાથે 21 રન બનાવી અણનમ રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news