ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહની લાંબી છલાંગ, કોહલી-જાડેજાને થયું નુકસાન
શ્રીલંકા વિરુદ્ધ બેંગલુરૂ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે ઘરઆંગણે પ્રથમ 5 વિકેટ હોલની સાથે કુલ 8 બેટરોને આઉટ કર્યા હતા. હવે આઈસીસી રેન્કિંગમાં બુમરાહને મોટો ફાયદો થયો છે.
Trending Photos
દુબઈઃ આઈસીસી દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટોપ-5 બોલરોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે, તે છ સ્થાનના ફાયદા સાથે 830 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. તો વિરાટ કોહલી બેટરોના રેન્કિંગમાં 4 સ્થાનના નુકસાનની સાથે 9માં અને રવીન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરના રેન્કિંગમાં બીજા સ્થાને ખસી ગયો છે.
શ્રીલંકા વિરુદ્ધ બેંગલુરૂ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે ઘરઆંગણે પ્રથમ 5 વિકેટ હોલની સાથે કુલ 8 બેટરોને આઉટ કર્યા હતા. તે પાકિસ્તાનના શાહીન આફ્રિદી, કાઇલ જેમિસન, ટિમ સાઉદી, જેમ્સ એન્ડરસન, નીલ વેગનર અને જોશ હેઝલવુડને પછાડતા ચોથા સ્થાને પહોંચી ગયો છે.
તો બેટરોના રેન્કિંગમાં શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરૂણારત્ને ત્રણ સ્થાનની છલાંગ લગાવી ટોપ-5માં પહોંચી ગયો છે. કરૂણારત્નેએ ભારત વિરુદ્ધ બેંગલુરૂ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. આ કરૂણારત્નેના કરિયરની બેસ્ટ રેન્કિંગ છે. તે હવે માર્નસ લાબુશેન, જો રૂટ, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસનની સાથે ટોપ-5માં છે.
વેસ્ટ ઈન્ડિઝના નક્રમા બોનર અને ભારતના શ્રેયસ અય્યરે મોટી છલાંગ લગાવી, જે ક્રમશઃ 22 અને 40 સ્થાનના વધારા સાથે 22માં અને 37માં સ્થાને પહોંચી ગયા છે. બોનરે પાછલા સપ્તાહે એન્ટીગુઆમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ડ્રો ટેસ્ટમાં અણનમ 38 અને 123 રન બનાવ્યા, તો અય્યરે બેંગલુરૂ ટેસ્ટમાં 92 અને 67 રન ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ઈનિંગમાં જેક ક્રાઉલીની 121 રનની ઈનિંગે તેને 13 સ્થાનની છલાંગ સાથે 49માં સ્થાને પહોંચાડી દીધો છે.
મહત્વનું છે કે વિરાટ કોહલી બેંગલુરૂ ટેસ્ટની બંને ઈનિંગમાં 23 અને 13 રન બનાવ્યા બાદ ચાર સ્થાનના નુકસાન સાથે હવે 9માં સ્થાને પહોંચી ગયો છે.
તો ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં જેસન હોલ્ડરે રવીન્દ્ર જાડેજાને પછાડતા ફરી નંબર-1નું સ્થાન હાસિલ કરી લીધુ છે. હોલ્ડરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં 82 રન બનાવવાની સાથે ત્રણ વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે