GT vs MI: રાશિદ ખાન અને નૂર અહમદનો તરખાટ, ગુજરાતે 55 રને મુંબઈને આપ્યો પરાજય

IPL 2023, GT vs MI: ડેવિડ મિલર અને અભિનવ મનોહરની આક્રમક બેટિંગ બાદ રાશિદ ખાન અને નૂર અહમદની સ્પિન જોડીના કમાલની મદદથી ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 55 રને હરાવી સીઝનમાં પાંચમી જીત મેળવી છે. 

GT vs MI: રાશિદ ખાન અને નૂર અહમદનો તરખાટ, ગુજરાતે 55 રને મુંબઈને આપ્યો પરાજય

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) ની 35મી મેચમાં ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને રને પરાજય આપી આ સીઝનમાં પોતાની પાંચમી જીત મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 6 વિકેટે 207 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 152 રન બનાવી શકી હતી. આ જીત સાથે ગુજરાતની ટીમના 10 પોઈન્ટ થઈ ગયા છે. હાર્દિક પંડ્યાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ગુજરાતે અત્યાર સુધી સાત મેચ રમી છે અને પાંચમાં જીત મેળવી છે. ચેન્નઈ સુપર કિંગ્સના પણ 10 પોઈન્ટ પરંતુ તે નેટ રનરેટના આધારે પ્રથમ સ્થાને છે. 

ગિલની અડધી સદી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર રિદ્ધિમાન સાહા 4 રન બનાવી અર્જુન તેંડુલકરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યા માત્ર 13 રન બનાવી પીયુષ ચાવલાની ઓવરમાં આઉટ થયો હતો. બીજી તરફ ઓપનર શુભમન ગિલે આ સીઝનમાં વધુ એક અડધી સદી ફટકારી હતી. ગિલ 34 બોલમાં 7 ચોગ્ગા અને એક સિક્સ સાથે 56 રન બનાવી આઉટ થયો હતો. 

મિલર અને મનોહરની આક્રમક બેટિંગ
101 રનના સ્કોર પર ગુજરાતને ચોથો ઝટકો લાગ્યો હતો. વિજય શંકર 19 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અભિનવ મનોહર અને ડેવિડ મિલરે પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. અભિનવ મનોહર 21 બોલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સ સાથે 42 રન બનાવી આઉટ થયો હતો. તો ડેવિડ મિલરે 22 બોલમાં બે ફોર અને ચાર સિક્સ સાથે 46 રન ફટકાર્યા હતા. રાહુલ તેવતિયાએ 5 બોલમાં 3 સિક્સ સાથે અણનમ 20 રન બનાવ્યા હતા. 

મુંબઈ તરફથી પિયુષ ચાવલાએ 34 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય અર્જુન તેંડુલકર, જેસન બેહરોનડોર્ફ, રાયલી મેરેડિથ અને કુમાર કાર્તિકેયાએ એક-એક વિકેટ લીધી હતી. 

રોહિત શર્માનું ખરાબ ફોર્મ જારી
ગુજરાતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 4 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. કેપ્ટન રોહિત શર્મા 8 બોલમાં 2 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. મુંબઈની ટીમ પાવરપ્લેમાં માત્ર 29 રન બનાવી શકી હતી. 

અફઘાની સ્પિન જોડીનું શાનદાર પ્રદર્શન
આઠમી ઓવરમાં રાશિદ ખાને ઈશાન કિશન (21 બોલમાં 13 રન) અને તિલક વર્મા (2 રન) ને આઉટ કરીને ગુજરાતને સતત બે સફળતા અપાવી હતી. ત્યારબાદ અફઘાનિસ્તાનના નૂર અહમદે સૂર્યકુમાર યાદવ (23), ટિમ ડેવિડ (0) અને કેમરૂન ગ્રિન (33) ને આઉટ કરીને મુંબઈને બેકફુટ પર ધકેલી દીધુ હતું. અફઘાનિસ્તાનના બંને સ્પિનરોએ મળીને કુલ પાંચ વિકેટ ઝડપી હતી. 

મુંબઈ તરફથી નેહલ વાઢેરાએ 21 બોલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સ સાથે 40 રન ફટકાર્યા હતા. પીયુષ ચાવલાએ 18 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી નૂર અહમદે 37 રન આપીને ત્રણ, રાશિદ ખાન અને મોહિત શર્માએ બે-બે તથા હાર્દિક પંડ્યાએ એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news