INDvsNZ: રાયડૂની અડધી સદી, પંડ્યાનો પાવર આ રહ્યાં ભારતની જીતના પાંચ હીરો
ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચમાં વનડેમાં શાનદાર જીત મેળવી છે. આ સાથે તેણે 5 મેચોની વનડે સિરીઝ 4-1થી પોતાના નામે કરી છે.
Trending Photos
વેલિંગટનઃ ભારતીય ટીમે સિરીઝના પાંચમાં અને અંતિમ વનડે મેચમાં ન્યૂઝીલેન્ડને 35 રનથી પરાજય આપીને પાંચ મેચોની વનડે શ્રેણી 4-1થી પોતાના નામે કરી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારત 252 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 253 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ભારત પ્રથમવાર ન્યૂઝીલેન્ડની ધરતી પર એક સિરીઝમાં 4 મેચ જીતવામાં સફળ રહ્યું છે. અંબાતી રાયડૂ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, યુજવેન્દ્ર ચહલ અને શમી આ મેચમાં હીરો તરીકે ઉભરીને બહાર આવ્યા છે. તો આ રહ્યાં ભારતની જીતના પાંચ હીરો.....
અંબાતી રાયડૂ
ભારતીય ટીમે 18 રનમાં મહત્વની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે રાયડૂ ક્રીઝ પર હતો. ગત મેચમાં ભારતનો ધબડકો થયો હતો ત્યારે આ મેચમાં પણ લાગતું હતું કે ભારતીય ટીમ ખાસ કરી શકશે નહીં. પરંતુ રાયડૂએ વિજય શંકર સાથે મળીને પાંચમી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીની મદદથી ભારત મુશ્કેલીમાંથી બહાર આવ્યું અને સારો સ્કોર કરી શક્યું હતું. રાયડૂએ 113 બોલમાં 90 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 8 બાઉન્ડ્રી અને ચાર સિક્સ પણ ફટકારી હતી.
વિજય શંકર
ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા ઓલરાઉન્ડર વિજય શંકરે આ મેચમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે તેણે ધૈર્યપૂર્ણ બેટિંગ કરી અને રાયડૂ સાથે મોટી ભાગીદારી કરી હતી. વિજય શંકરે 64 બોલમાં 4 બાઉન્ડ્રીની મદદથી 45 રન ફટકાર્યા હતા.
હાર્દિક પંડ્યા
ભારતીય ટીમ 203 રનના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે હાર્દિક પંડ્યા ક્રીઝ પર હતો. તેણે આક્રમક બેટિંગ કરી એસ્ટલેની એક ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી હતી. તેણે 22 બોલમાં 5 સિક્સ અને 2 ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. જેની મદદથી ભારતીય ટીમ પોતાનો સ્કોર 250ને પાર કરવામાં સફળ રહી હતી. પંડ્યા ટીમની આઠમી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. આ સાથે પંડ્યાએ 8 ઓવરમાં 50 રન આપીને બે વિકેટ પણ ઝડપી હતી.
મોહમ્મદ શમી
ચોથી વનડે મેચમાં આરામ આપ્યા બાદ શમીને પાંચમી વનડેમાં ફરી ખલીલના સ્થાને તક આપવામાં આવી હતી. શ્રેણીના પ્રથમ ત્રણ મેચમાંતી બે મેચમાં મેન ઓફ ધ મેચ રહેલા શમીએ આ મેચમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. તેણે માત્ર 37 રનના સ્કોર પર કીવીના બંન્ને ઓપનરોને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. આમ શમીએ શરૂઆતી ઝટકા આપ્યા જેના દ્વારા ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પર દબાવ બનાવવામાં સફળ રહી હતી. શ્રેણીમાં શાનદાર પ્રદર્શન માટે શમીને મેન ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
યુજવેન્દ્ર ચહલ
આજે કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ તેના સાથી સ્પિનર ચહલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચહલે જરૂરી સમયે ભારતીય ટીમને સફળતા અપાવી હતી. તેણે ટોમ લાથમ, કોલિન ડિ ગ્રાન્ડહોમ અને એટસ્લેની વિકેટ ઝડપી હતી. ચહલે 10 ઓવરમાં 41 રન આપીને 3 સફળતા મેળવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે