INDvsNZ: હેમિલ્ટનમાં ભારત 4 રને હાર્યું, ન્યૂઝીલેન્ડે 2-1થી સિરીઝ કરી કબજે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનમાં રમાયેલી શ્રેણીની અંતિમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 4 રને પરાજય આપીને ત્રણ મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. 

INDvsNZ: હેમિલ્ટનમાં ભારત 4 રને હાર્યું, ન્યૂઝીલેન્ડે 2-1થી સિરીઝ કરી કબજે

હેમિલ્ટનઃ  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીં રમાયેલી શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતીય ટીમનો 4 રને પરાજય થયો છે. આ સાથે ભારતીય ટીમે ત્રણ મેચોની સિરીઝ 2-1થી ગુમાવી દીધી છે. ભારતીય ટીમે સતત 10 ટી20 શ્રેણી બાદ સિરીઝ ગુમાવી છે. ન્યૂઝીલેન્ડે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુનરોના 72 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ 212 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવી શકી હતી.  ભારત તરફથી વિજય શંકરે સૌથી વધુ 43 રન ફટકાર્યા હતા. આ સિવાય રોહિત શર્મા 38, રિષભ પંત 28, હાર્દિક પંડ્યા 21, દિનેશ કાર્તિક 33* અને ક્રુણાલ પંડ્યાએ 26* રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરપથી મિશેલ સેન્ટનર અને ડેરિલ મિશેલે બે-બે વિકેટ ઝડપી હતી. તથા સ્કોટ કલ્ગિજન તથા ટિકનરને એક-એક સફળતા મળી હતી. 

મેચમાં 72 રન ફટકારનાર કોલિન મુનરોને મેન ઓફ ધ મેચ અને સિરીઝમાં શાનદાર બેટિંગ કરનાર ન્યૂઝીલેન્ડના વિકેટકીપર ટીમ સિફર્ટને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. 

ભારતની ખરાબ શરૂઆત
213 રનના પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. શિખર ધવન (4) રન બનાવી સેન્ટનરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને વિજય શંકરે શાનદાર બેટિંગ કરતા ભારતનો સ્કોર 8.3 ઓવરમાં 81 રન પર પહોંચાડી દીધો હતો. ફરી સેન્ટનરે આ ભાગીદારી તોડી હતી. તેણે વિજય શંકર (43)ને ગ્રાન્ડહોમેના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. શંકરે 28 બોલમાં 5 બાઉન્ડ્રી અને 2 સિક્સ ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ 10મી ઓવરમાં પોતાના 100 રન પૂરા કરી લીધા હતા. 

અંતે ક્રુણાલ પંડ્યા અને દિનેશ કાર્તિકે 28 બોલમાં 53 રનની ભાગીદારી કરી હતી. ક્રુણાલ 13 બોલમાં 28 અને દિનેશ કાર્તિક 16 બોલમાં 33 રન બનાવી અણનમ રહ્યાં હતા.

કીવી તરફતી કોલિન મુનરોએ સૌથી વધુ 72 રન ફટકાર્યા હતા. આ સિવાય સિફર્ટે 43, વિલિયમસને 27 અને ગ્રાન્ડહોમે 30 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 26 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 

કીવીની ઈનિંગનો રોમાંચ
ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર કોલિન મુનરો અને ટીમ સિફર્ટે આક્રમક શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ પાવરપ્લેમાં જ 66 રન ફટકારી દીધા હતા. ભારતીય ટીમને પ્રથમ સફળતા આઠમી ઓવરમાં કુલદીપ યાદવે અપાવી હતી. ટીમનો સ્કોર 80 રન હતો, ત્યારે ટિમ સિફર્ટ (43) રન બનાવી આઉટ થયો હતો. તેણે 25 બોલમાં 3 સિક્સ અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 

ત્યારબાદ કોલિન મુનરોએ 28 બોલમાં પોતાના ટી20 કરિયરની નવમી અડધી સદી પૂરી કરી હતી. તેણે ક્રુણાલ પંડ્યાની ઓવરમાં સિક્સ ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. મુનરો અને કેને બીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 135 રન હતો ત્યારે મુનરો (76)ને કુલદીપે પોતાનો શિકાર બનાવ્યો હતો. મુનરોએ 40 બોલમાં 6 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. ત્યારબાદ કેન વિલિયમસન (27)ને ખલીલ અહમદે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તેણે 21 બોલમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડે 150ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. 

કોલિન ડિ ગ્રાન્ડહોમ અને ડેરિલ મિશેલે ચોથી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. ભુવનેશ્વર કુમારે ઈનિંગની 19મી ઓવરમાં કોલિન ડિ ગ્રાન્ડહોમ (30)ને આઉટ કરીને ભારતને ચોથા સફળતા અપાવી હતી. તેણે 16 બોલની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. 

ભારત તરફથી કુલદીપ યાદવે 4 ઓવરમાં 26 રન આપીને બે સફળતા મેળવી હતી. ક્રુણાલ પંડ્યા સૌથી મોંઘો સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા. તેને એકપણ સફળતા મળી નહતી. હાર્દિકે 4 ઓવરમાં એકપણ વિકેટ ઝડપ્યા વિના 44 રન આપ્યા હતા. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 37 રન આપીને એક સફળતા મેળવી હતી. ખલીલ અહમદને પણ એક સફળતા મળી હતી. 

ભારત અને ન્યૂઝીલેન્ડ 1-1ની બરોબરી પર
રોહિત શર્મા ક્રુણાલ પંડ્યાના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ શુક્રવારે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી બીજી ટી20 મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડને 1-1થી હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં 1-1થી બરોબરી કરી લીધી હતી. આ ભારતની ન્યૂઝીલેન્ડની ધરતી પર કોઈપણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમ જીત હતી. પ્રથમ ટી20 મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં વાપસી કરી અને શ્રેણી બરોબર કરી હતી. હવે બંન્ને ટીમો વચ્ચે ત્રીજી મેચ ખૂબ નિર્ણાયક છે. 

ભારતની પાસે ન્યૂઝીલેન્ડમાં ઈતિહાસ રચવાની તક
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ પહેલા એક દ્વિપક્ષીય ટી20 સિરીઝ 2008-09માં રમાઈ હતી. જેમાં ભારતનો 2-0થી પરાજય થયો હતો. અંતિમ મેચ હેમિલ્ટનમાં રમાશે. જ્યાં ભારતીય ટીમ ચોથી વનડેમાં માત્ર 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ ભારતીય ટીમ અને કેપ્ટન રોહિત શર્માનો ઈરાદો મજબૂત છે. 

ટીમ
ભારતઃ રોહિત શર્મા, શિખર ધવન, રિષભ પંત, વિજય શંકર, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ. 

ન્યૂઝીલેન્ડઃ ટિમ સિફર્ટ, કેન વિલિયસમન, કોલિન મુનરો, ડેરિલ મિશેલ, રોસ ટેલર, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, સ્કોટ કલ્ગિજન, ટીમ સાઉદી, ઈશ સોઢી, બ્લેર ટિકનર. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news