વર્લ્ડકપ 2019: ન્યૂઝીલેન્ડને 119 રને પરાજય આપી ઈંગ્લેન્ડ સેમિફાઇનલમાં

ટાઇટલની દાવેદાર યજમાન ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 119 રને પરાજય આપીને આઈસીસી વિશ્વકપ-2019ની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. 

વર્લ્ડકપ 2019: ન્યૂઝીલેન્ડને 119 રને પરાજય આપી ઈંગ્લેન્ડ સેમિફાઇનલમાં

ચેસ્ટર લી સ્ટ્રીટઃ આઈસીસી વિશ્વ કપ-2019ની 41મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને 119 રને પરાજય આપીને સેમિફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડ વિશ્વકપ-2019ની સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ભારત સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે જોની બેયરસ્ટોની સદીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 305 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 45 ઓવરમાં 186 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઈંગ્લેન્ડની ટીમ 1992 બાદ વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડ 1983ના વિશ્વકપ બાદ ન્યૂઝીલેન્ડને હરાવવામાં સફળતા મેળવી છે.

આ જીત સાથે ઈંગ્લેન્ડ 9 મેચોમાં 6 જીત અને 3 હાર સાથે કુલ 12 પોઈન્ટ લઈને સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 9 મેચોમાં 5 જીત અને 3 હાર સાથે કુલ 11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. પાકિસ્તાન જો તેના અંતિમ મેચમાં બાંગ્લાદેશને હરાવે તો તે 11 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનમાંથી જે ટીમની નેટ રન રેટ સારી હશે તે ટીમ સેમિફાઇનલમાં પહોંચશે.

બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો ઓપનર હેનરી નિકોલ્સ ક્રિસ વોક્સના બોલ પર LBW આઉટ થઈ ગયો હતો. તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. માત્ર 2 રનના સ્કોર પર ન્યૂઝીલેન્ડે પોતાની વિકેટ ગુમાવી હતી. ટીમનો બીજો ઓપનર માર્ટિન ગુપ્ટિલ આઠ રન બનાવીને જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. તેને કેચ જોસ બટલરે ઝડપ્યો હતો. 

કીવી ટીમને ત્રીજો ઝટકો કેન વિલિયમસનના રૂપમાં લાગ્યો હતો. વિલિયમસન દુર્ભાગ્યપૂર્ણ રીતે 40 બોલમાં 27 રન બનાવી માર્ક વુડના હાથે રનઆઉટ થયો હતો. કેપ્ટન કેન વિલિયમસન બાદ અનુભવી બેટ્મસેન રોસ ટેલર પણ રનઆઉટ થયો હતો. આદિલ રાશિદના થ્રો પર જોસ બટલરે ટેલરને 28 રનના વ્યક્તિગત સ્કોર પર રનઆઉટ કર્યો હતો. જેમ્સ નીશામ (19)ને માર્ક વુડે બોલ્ડ કરીને કીવી ટીમને પાંચમો ઝટકો આપ્યો હતો. ડિ ગ્રાન્ડહોમ ત્રણ રન બનાવીને બેન સ્ટોક્સના બોલ પર રૂટના હાથે કેચઆઉટ થયો હતો. 

ન્યૂઝીલેન્ડને સાતમો ઝટકો વિકેટકીપર બેટ્સમેન ટોમ લાથમના રૂપમાં લાગ્યો હતો. લાથમ 65 બોલ પર 57 રન બનાવી પ્લંકેટના બોલ પર બટલરના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ મિશેલ સેન્ટનર (12)ને માર્ક વુડે LBW આઉટ કર્યો હતો. મેટ હેનરી (7)ને વુડે બોલ્ડ કર્યો હતો. 

ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 34 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય વોક્સ, જોફ્રા આર્ચર, પ્લંકેટ, સ્ટોક્સ અને રાશિદને એક-એક સફળતા મળી હતી. બોલ્ટ આઉટ થનાર અંતિમ બેટ્સમેન હતો. 

બેયરસ્ટોએ ફટકારી સદી, ઈંગ્લેન્ડે બનાવ્યા 305 રન
ભારત જેવી મજબૂત ટીમની બોલિંગ વિરુદ્ધ સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટોએ પોતાની આ લય બુધવારે વિશ્વ કપ મેચમાં બુધવારે જારી રાખતા ફરી સદી ફટકારી હતી. બેયરસ્ટોએ 99 બોલમાં 15 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 106 રન ફટકાર્યા હતા. તેની આ ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડની ટીમ 305 રન બનાવવામાં સફળ રહી હતી. બેયરસ્ટોએ પોતાના વનડે કરિયરમાં નવમી સદી પૂરી કરી હતી. બેયરસ્ટોએ આ પહેલા ભારત વિરુદ્ધ 111 રન બનાવ્યા હતા. 

પોતાની સેમિફાઇનલમાં પહોંચવાની આશા લઈને ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન જેસન રોય અને જોની બેયરસ્ટો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેદાન પર ઉતર્યા હતા. બંન્ને ઓપનરોએ ટીમને મજબૂત શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 123 રન જોડ્યા હતા. રોય અંતિમ ઇલેવનમાં આવતા બેયરસ્ટોને પણ ફાયદો થયો છે. રોય બહાર હતો ત્યારે બેયરસ્ટોએ વિન્સે સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. પરંતુ બંન્ને બેટ્સમેન ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. ભારત માટે રોય પરત ફરતા બેયરસ્ટોને પણ ફાયદો થયો હતો. તેણે ભારત બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ સદીની ભાગીદારી કરી હતી. 

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં રોય (60)ને નીશામ (2/41)એ સેન્ટનરના હાથએ કેચ આઉટ કરાવીને પોતાની ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. રોયે પોતાની ઈનિંગમાં 61 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા ફટકાર્યા હતા. રોયની આ સતત બીજી અને વનડે કરિયરની 17મી અડધી સદી છે. આ પહેલા તેણે ભારત વિરુદ્ધ 66 રન ફટકાર્યા હતા. એક સમયે 31 ઓવરમાં ઈંગ્લેન્ડનો સ્કોર 1 વિકેટે 194 હતો અને લાગી રહ્યું હતું કે ટીમ 350ને પાર કરી લેશે. પરંતુ નિયમિત અંતરે ગુમાવેલી વિકેટને કારણે ટીમ 350ને પાર કરવામાં નિષ્ફળ રહી હતી. ન્યૂઝીલેન્ડના બોલરોએ અંતિમ 20 ઓવરોમાં માત્ર 111 રન આપ્યા અને સાત વિકેટ ઝડપી હતી. 

જો રૂટ (24) પણ ઝડપથી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ મેટ હેનરી (2/54)એ બેયરસ્ટોને બોલ્ડ કરીને ટીમને મોટી સફળતા અપાવી હતી. ઈંગ્લિશ ટીમ મેનેજમેન્ટે વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરને ચોથા સ્થાન પર મોકલીને રન ગતિ વધારવાનો ભાર તેના પર મુક્યો, પરંતુ બોલ્ટની સામે આ બેટ્સમેન 11 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મિશેલ સેન્ટનર (1/65)એ બેન સ્ટોક્સ (11)ને મેટ હેનરીના હાથે કેચ કરાવીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટ પર 248 રન થઈ ગયો હતો. અંતે કેપ્ટન ઇયોન મોર્ગને 40 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news