World Cup 2019: રિષભ પંતને અફઘાનિસ્તાન વિરુદ્ધ મળશે તક? જાણો શું છે સમીકરણ

શિખર ધવનના સ્થાન પર ટીમમાં યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને સામેલ કરવામાં આવ્યો છે. જેનું મુખ્ય કારણ તે ડાબા હાથનો બેટ્સમેન છે. 
 

 World Cup 2019: રિષભ પંતને અફઘાનિસ્તાન વિરુદ્ધ મળશે તક? જાણો શું છે સમીકરણ

સાઉથેમ્પ્ટનઃ ક્રિકેટ મહાસંગ્રામ આઈસીસી વિશ્વ કપ 2019 પોતાના મધ્યમાં પહોંચી ગયો છે. જ્યાંથી સેમીફાઇનલની ઝલક દેખાવા લાગી છે. તમામ ક્રિકેટ પંડિતોથી લઈને દિગ્ગજોએ સેમીફાઇનલ માટે ચાર ટીમો ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ હકીકતમાં પણ આ ચાર ટીમો દરવાજો ખખડાવી રહી છે. જેમાં વાત ભારતની કરીએ તો તેણે ઈજાને કારણે શિખર ધવનને ગુમાવી દીધો છે. જ્યારે ભુવનેશ્વર કુમાર હજુ પણ હેમસ્ટ્રિંગની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. 

તમામ ઈજાઓ છતાં ટીમ ઈન્ડિયાનું વિજયી અભિયાન ચાલી રહ્યું છે. પોતાની ચાર મેચોમાં ત્રણ જીત અને એક મેચ રદ્દ થવાની સાથે ટીમ ઈન્ડિયા પોતાના રિપોર્ટ-કાર્ડમાં 100 ટકા સફળ થઈ છે. શિખર ધવનના સ્થાને ટીમમાં યુવા વિકેટકીપર રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. કારણ કે વર્તમાન ટીમ ઈન્ડિયામાં તમામ બેટ્સમેન જમણા હાથના છે. 

તેવામાં ટીમમાં એક ડાબા હાથના બેટ્સમેનનું હોવું ખુબ જરૂરી છે. આ વચ્ચે સૌથી મહત્વનો સવાલ છે કે રિષભ પંતને ઈન્ડિયાની વિશ્વકપ ટીમમાં તો સામેલ કરી લેવામાં આવ્યો છે  પરંતુ શું તેને શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં અંતિમ ઇલેવનમાં સ્થાન મળશે? જો તક મળશે તો તેને ક્યા નંબર પર બેટિંગ કરાવાશે. આ તમામ પ્રશ્નો ફેન્સના દિલમાં ચાલી રહ્યાં છે. 

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન વિરુદ્ધ 22 જૂને એટલે કે કાલની મેચમાં પંતને તક મળી શકે છે. કારણ કે વિજય શંકરને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. બીસીસીઆઈએ શંકરને તો ફિટ કરી દીધો છે. પરંતુ વિરાટ કોહલી વિજય શંકરને બહાર રાખીને પંતને તક આપી શકે છે. 

રિષભ પંતના બેટિંગ ક્રમની વાત કરીએ તો તેને ઓપનર શિખર ધવનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ ટીમની અંતિમ ઇલેવનમાં તેનું ઓપનિંગ કરવું અશક્ય છે. કારણ કે ભારત પાસે કેએલ રાહુલના રૂપમાં ઓપનર છે. તેવામાં પંતને નંબર-4 પર પંતની જગ્યાએ મોકલી શકાય છે. તે ઝડપથી રન બનાવવા માટે પણ જાણીતો છે. 

ઉલ્લેખનીય છે કે પંતે પાછલા વર્ષે ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સદી ફટકારી હતી. જેના કારણે તે ઈંગ્લેન્ડની પિચથી વાકેફ છે. તેવામાં જોવાનું રહેશે કે વિજય શંકરનું વિશ્વકપમાં ઐતિહાસિક પર્દાપણ બાદ પંતને તક મળે તો તેને યાદગાર બનાવી શકે છે કે નહીં. ટીમ ઈન્ડિયામાં બીજો ફેરફાર ભુવનેશ્વર કુમારના સ્થાને મોહમ્મદ શમી બોલિંગ કરતો જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news