CA એ કર્યું મહિલા ખેલાડીઓનું એપ્રેઝલ, 66 ટકા પગાર વધારો કર્યો, પંડ્યા-પંતથી વધુ પૈસા લેનિંગને મળશે
Cricket Australia Increased Women Cricketers Salary: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મહિલા ક્રિકેટરોના પગારમાં મોટો વધારો કર્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન વચ્ચે પાંચ વર્ષ માટે ડીલ થઈ છે, તે પ્રમાણે મહિલા ખેલાડીઓના પગારમાં 66 ટકાનો વધારો થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ બીસીસીઆઈ અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ મહિલા ક્રિકેટના માળખાને મજબૂત કરવા માટે મહત્વનું પગલું ભર્યું છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એટલે કે CA ની વચ્ચે આગામી 5 વર્ષ માટે એક MOU સાઇન થયું છે, જે હેઠળ મહિલા ક્રિકેટરોના પગારમાં આશરે 66 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આ સમયગાળા માટે સીએના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ પુરૂષ ક્રિકેટરોના પગારમાં આશરે 9.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ સીએની સાથે કરાર મેળવનાર પુરુષ ક્રિકેટરોની સંખ્યા 20થી વધીને 24 થઈ ગઈ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને પ્લેયર એસોસિએશન વચ્ચે થયેલી ડીલ પ્રમાણે સૌથી ઊંચા સેલેરી બ્રેકેટમાં સામેલ ખેલાડી, જેની પાસે વીમેન્સ બિગ બેશ લીગનો કોન્ટ્રાક્ટ પણ છે, હવે એક વર્ષમાં આશરે 10 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 5.5 કરોડ રૂપિયા સુધી કમાઈ શકે છે. આ કેટેગરીમાં ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મેગ લેનિંગ આવે છે. હવે લેનિંગને એક વર્ષમાં પગાર તરીકે 5.5 કરોડ રૂપિયા મળશે.
હાલમાં બીસીસીઆઈએ પણ ટીમ ઈન્ડિયાના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. આ લિસ્ટમાં ગ્રેડ-એમાં સામેલ ખેલાડીઓને એક વર્ષની રિટેનરશિપ ફી 5 કરોડ રૂપિયા મળશે. તેમાં હાર્દિક પંડ્યા, રિષભ પંત, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને આર અશ્વિન સામેલ છે. એટલે કે મેગ લેનિંગને આ 5 ભારતીય ખેલાડીઓ કરતા વધુ પગાર મળશે.
લેનિંગ સિવાય ઓસ્ટ્રેલિયાની ટોચની છ મહિલા ક્રિકેટરોને પણ આ વર્ષે એવરેજ 5 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (2.7 કરોડ રૂપિયા) મળશે. આ રકમ બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટના ગ્રેડ-સીમાં સામેલ ભારતીય ખેલાડીઓને મળનારી રકમથી વધુ છે. ગ્રેડ-સીમાં સામેલ ભારતીય ખેલાડીઓને બીસીસીઆઈ વાર્ષિક એક કરોડ રૂપિયા આપશે. આ લિસ્ટમાં શિખર ધવન, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓ સામેલ છે. એટલે કે ઓસ્ટ્રેલિયાની સર્વોચ્ચ મહિલા ક્રિકેટર એક વર્ષમાં ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ કરતા વધુ કમાણી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે