RCBvsCSK: ચેન્નઇએ વિજયનો સ્વાદ ચાખ્યો, ધોનીની સેનાએ RCBને 8 વિકેટે હરાવ્યું
પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી ચેન્નઈ સુપર કિંગ્સે આજે દમદાર પ્રદર્શન કરી આઈપીએલની 44મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 8 વિકેટે પરાજય આપ્યો છે.
Trending Photos
દુબઈઃ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી ચેન્નઈ સુપર કિંગ્સે આજે દમદાર પ્રદર્શન કરી આઈપીએલની 44મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ મેચમાં ચેન્નઈના બોલરો તથા બેટ્સમેનોએ દમદાર પ્રદર્શન કર્યું હતું. ચેન્નઈનો 12મી મેચમાં આ ચોથો વિજય છે, જ્યારે 8 મેચમાં ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટે 145 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈએ 18.4 ઓવરમાં બે વિકેટે 150 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
ફાફ-ગાયકવાડની આક્રમક શરૂઆત
આરસીબીએ આપેલા 146 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈને ફાફ ડુ પ્લેસિસ અને ગાયકવાડે આક્રમક શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 5.1 ઓવરમાં 46 રન જોડ્યા હતા. ટીમને પ્રથમ ઝટકો ફાફ (25)ના રૂપમાં લાગ્યો હતો. 13 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે દમદાર બેટિંગ કરી રહેલા ફાફને ક્રિસ મોરિસે આઉટ કર્યો હતો.
ગાયકવાડની પ્રથમ અડધી સદી
ચેન્નઈએ પાવરપ્લેમાં 48 રન બનાવ્યા હતા. ત્યારબાદ યુવા ઓપનર રૂતુરાજ ગાયકવાડ અને અંબાતી રાયડૂએ બીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. અંબાતી રાયડૂ 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 39 રન બનાવી ચહરની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ દરમિયાન ગાયકવાદે પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. રુતુરાજ ગાયકવાડ 51 બોલમાં 3 છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 65 રન બનાવી અણનમ રહ્યો હતો. તો કેપ્ટન એમએસ ધોની 21 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 19 રન બનાવી અણનમ રહ્યો હતો.
ફિન્ચ ફરી ફ્લોપ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોરને 31 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચ (15) સેમ કરનનો શિકાર બન્યો હતો. ફિન્ચે 11 બોલમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમે પાવરપ્લેમાં 46 રન બનાવ્યા હતા. ઈનિંગની સાતમી ઓવરમાં સેન્ટનરે દેવદત્ત પડીક્કલ (22)ને આઉટ કરી ચેન્નઈને બીજી સફળતા અપાવી બતી.
કપિલ દેવને હોસ્પિટલમાંથી મળી રજા, ચેતન શર્માએ ટ્વીટ કરી આપી જાણકારી
એબી-વિરાટ વચ્ચે 82 રનની ભાગીદારી
46 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ આરસીબીની ઈનિંગને વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે સંભાળી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. એબી ડિવિલિયર્સ (39)ને દીપક ચાહરે ફાફના હાથે કેચ કરાવી આરસીબીને ત્રીજો ઝટકો આપ્યો હતો. એબીએ 36 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ સીઝનની ત્રીજી અડધી સદી ફટકારતા 50 રન બનાવ્યા હતા. વિરાટે 43 બોલમાં એક ચોગ્ગો અને એક છગ્ગો પટકાર્યો હતો. તેને સેમ કરને આઉટ કર્યો હતો.
મોઇન અલી (1)ને સેમ કરને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. દીપક ચાહરે ક્રિસ મોરિસ (2)ને બોલ્ડ કરી ચેન્નઈને છઠ્ઠી સફળતા અપાવી બતી. ગુરકીરત સિંહ 2 અને વોશિંગટન સુંદર 5 રન બનાવી અણનમ રહ્યા હતા. ચેન્નઈ તરફથી સેમ કરને 19 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય દીપક ચાહરને બે તથા સેન્ટનરને એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે