IND vs BAN 1st Test: અંતિમ દિવસે ભારતને જીત માટે 4 વિકેટની જરૂર, બીજી ઈનિંગમાં બાંગ્લાદેશ 272/6

IND vs BAN: ચટગ્રામ ટેસ્ટના ચોથા દિવસે રમત પુરી થવા સુધી બાંગ્લાદેશે છ વિકેટ ગુમાવતા 272 રન બનાવી લીધી છે અને તેને જીત માટે 241 રનની જરૂર છે. 

IND vs BAN 1st Test: અંતિમ દિવસે ભારતને જીત માટે 4 વિકેટની જરૂર, બીજી ઈનિંગમાં બાંગ્લાદેશ 272/6

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. 513 રનના લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશે 6 વિકેટના નુકસાન પર 272 રન બનાવી લીધા છે. શાકિબ-અલ હસન (40) અને મેહદી હસન (9) રન બનાવી અણનમ છે. ભારતે બીજી ઈનિંગ બે વિકેટ પર 258 રન બનાવી ડિકલેર કરી હતી. બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં 150 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ચોથા દિવસે બાંગ્લાદેશના ઓપનર ઝાકિર હસન (17) અને નાજમુલ હુસૈન શાન્તો (25) રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. આ સ્કોરથી આગળ રમતા બંનેએ ચોથા દિવસે મક્કમ શરૂઆત કરી હતી. શાન્તો અને હસને અડધી સદી પૂરી કરી હતી. શાન્તો દુર્ભાગ્યપૂર્ણ રહ્યો અને 67 રન બનાવી ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. ચોથા દિવસે સ્ટમ્પ સમયે બાંગ્લાદેશે 6 વિકેટના નુકસાન પર 271 રન બનાવી લીધા છે. તેને જીત માટે અંતિમ દિવસે 242 રનની જરૂર છે. તો ભારતને જીત માટે માત્ર 4 વિકેટની જરૂર છે. 

બાંગ્લાદેશની ઈનિંગ, ઝાકિરની સદી
513 રનના લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશના ઓપનરોએ મજબૂત શરૂઆત આપી હતી. શાન્તો અને હસને લંચ બ્રેક સુધી બેટિંગ કરતા પોત-પોતાની અડધી સદી પૂરી કરી હતી. ભારતને લંચ બાદ પહેલી સફળતા મળી હતી. ઉમેશ યાદવે શાન્તોને આઉટ કર્યો હતો. અક્ષર પટેલે યસીર અલીને આઉટ કરી બીજો ઝટકો આપ્યો હતો. બાંગ્લાદેશ તરફથી પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઝાકિરે પોતાની સદી પૂરી કરી હતી. સદી ફટકાર્યા બાદ તે અશ્વિનનો શિકાર બન્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે ત્રણ વિકેટ લીધી હતી. તો અશ્વિન, ઉમેશ અને કુલદીપે એક-એક સફળતા મેળવી હતી. 

ભારતની બીજી ઈનિંગ, પુજારા અને ગિલની સદી
બાંગ્લાદેશને 150 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતે પ્રથમ ઈનિંગને આધારે 254 રનની લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં શુભમન ગિલ અને રાહુલે મક્કમ શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. રાહુલ 23 રન બનાવી આઉટ થયો હતો. તો શુભમન ગિલે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારતા 110 રન બનાવ્યા હતા. ત્યારબાદ ચેતેશ્વર પુજારાએ 52 ઈનિંગ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી પૂરી કરી હતી. ભારતે 258 રન પર દાવ ડિકલેર કર્યો હતો અને બાંગ્લાદેશને જીત માટે 513 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news