'હવે મામાનું ઘર જ નહીં, હવે બની મામાની હોસ્ટેલ', પાલનપુરની 25 વર્ષીય પ્રિયંકા ચૌહાણની ચારેબાજુ ચર્ચા!

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની 25 વર્ષીય યુવતી પ્રિયંકા ચૌહાણ જે પેઇન્ટિંગમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી સાથે સાથે મહિલાઓ માટે અનેક સામાજિક કાર્યો પણ કરી રહી છે.

'હવે મામાનું ઘર જ નહીં, હવે બની મામાની હોસ્ટેલ', પાલનપુરની 25 વર્ષીય પ્રિયંકા ચૌહાણની ચારેબાજુ ચર્ચા!

અલકેશ રાવ/બનાસકાંઠા: સામાન્ય રીતે મામાનું ઘર શબ્દ સાંભળીને આપણા ચહેરા ઉપર અનોખો આનંદ આવી જાય પણ તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે જ્યાં કોઈ પ્રકારનો સંબંધ જ ન હોય અને ત્યાં દરેક યુવતીઓને જમવા-રહેવા અને ભણવા માટેની મફત સગવડ મળે અને એ પણ ઘર જેવી જ અનુભૂતિ સાથે.... કદાચ આજના જમાનામાં એવું શક્ય ન લાગે પણ પાલનપુરમાં એક યુવતી દ્વારા મામાનું ઘર નામની હોસ્ટેલ ચલાવવામાં આવે છે. ત્યાં ગરીબ ઘરની દીકરીઓને મફત રહેવા જમવા સહિત GPSCના કલાસ સહિત સરકારી ભરતીની તાલીમ અને કોચિંગ આપવામાં આવી રહી છે. જેને જોઈને દરેક આ યુવતીની પ્રસંશા કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની 25 વર્ષીય યુવતી પ્રિયંકા ચૌહાણ જે પેઇન્ટિંગમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી સાથે સાથે મહિલાઓ માટે અનેક સામાજિક કાર્યો પણ કરી રહી છે. પ્રિયંકા ખાનગી સ્કૂલમાં નોકરી કરતી હતી અને તેને મહિલાઓ માટે સામાજિક કાર્યો કરવાનો વિચાર આવ્યો અને તેને શરૂ કર્યું સંકટ સમયની સાંકળ અભિયાન. આ અભિયાન હેઠળ જિલ્લાની જરૂરીયાતમંદ મહિલાઓને મદદ પૂરી પાડવા પ્રિયંકાએ સપનું જોયું. નાના નાના કાર્યોથી શરુ કરેલું આ અભિયાન આજે વટવૃક્ષની જેમ ફેલાઈ ગયું છે.

No description available.

મહિલાઓને આરોગ્યની બાબત હોય રોજગારીની બાબત હોય કે શિક્ષણની બાબત હોય પ્રિયંકા તમામ ક્ષેત્રે મહિલાઓની પડખે ઉભી રહે છે. અત્યાર સુધીમાં પ્રિયંકાએ નાના મોટા અનેક કાર્યો કર્યા. જેમાં 200 જેટલી મહિલાઓ કે જેને રોજગારીની જરૂર હતી, પરંતુ રોજગારી મળી નહોતી રહી તેવી મહિલાઓને આસપાસની ઔદ્યોગિક સંસ્થાઓમાં  કામે લગાડી સ્વનિર્ભર બનાવી. જોકે તેની સાથે સાથે શાળાઓમાં અભ્યાસ કરતી સ્લમ પરીવારની બાળાઓને અનેક જરૂરિયાતો પણ પૂરી પાડી.

તો બીજી તરફ તાજેતરમાં જ યોજાયેલી પોલીસ ભરતીમાં પણ અનેક સ્લમ પરિવારની દીકરીઓને પોતાનું સપનું પૂરું કરવા પ્રિયંકાએ જહેમત ઉઠાવી હતી. પોલીસ ભરતી દરમ્યાન પ્રિયંકાએ સૌપ્રથમ નિ:શુલ્ક તાલીમ કેન્દ્ર શરૂ કર્યું અને સ્લમ પરિવારની બહેનોને એક પણ રૂપિયાના ખર્ચ વિના તાલીમ આપી જેમાંથી 150 જેટલી દીકરીઓ પોલીસની પ્રેક્ટિકલ પરીક્ષા ઉતિર્ણ કરી. જોકે તે બાદ આ દિકરીઓને ડર હતો કે પ્રૅક્ટિકલ તો પાસ કરી લીધી પરંતુ હવે થિયરીનું શું? દીકરીઓની આ પરિસ્થિતિની જાણ પ્રિયંકાને થતાં પ્રિયંકાએ આ દીકરીઓને થિયરીની તૈયારી માટે ક્લાસીસમાં જવા આર્થિક મદદ માટે કોઈ અન્ય વ્યક્તિઓ પાસે હાથ ન લંબાવવો પડે તેને લઈ દાતાઓ તૈયાર કર્યા અને આવી દીકરીઓને ક્લાસીસ સહિત લાયબ્રેરીની સુવિધા મળી રહે તે હેતુસર શરૂ કરી દીધી હોસ્ટેલ જેને નામ આપ્યું "મામાનું ઘર" જેના થકી 35 દીકરીઓ પોલીસની નોકરીમાં લાગી. 

No description available.

જોકે પ્રિયંકાના સેવાકીય કામને લઈને જિલ્લાની અનેક દીકરીઓએ અભ્યાસ કરવા માટે સરકારી ભરતીની તૈયારીઓ કરવા માટે તેમજ GPSCના કલાસ કરવા માટે પ્રિયંકાઓ સંપર્ક કરતા પ્રિયંકા ચૌહાણે લોકો અને દાતાઓની મદદથી પાલનપુર અંબાજી હાઇવે ઉપર એક હોસ્ટેલ ભાડે રાખી અને તેનું નામ મામાનું ઘર આપ્યું. જેને લઈને અનેક ગરીબ દીકરીઓને આ હોસ્ટેલમાં આશરો મળ્યો. જ્યાં તમામ દીકરીઓને રહેવા-જમવા સહિત મફતમાં સરકારી ભરતીયોની તાલીમ આપવાનું તેમજ GPSCના કોચિંગ શરૂ કર્યા છે. જેથી ગરીબ ઘરની દીકરીઓના સપનાઓને ઉડાન મળી છે. જેને લઈને પ્રિયંકા ગર્વ અનુભવી રહી છે.

પાલનપુરમાં પ્રિયંકા ચૌહાણ દ્વારા મામાનું ઘર હોસ્ટેલ શરૂ કર્યા પહેલા અનેક તેજસ્વી અને પ્રતિભાશાળી ગરીબ દીકરીઓ પોતાના અંદર રહેલા ટેલેન્ટને આર્થિક પરિસ્થિતિના કારણે મનમાં જ ધરબાવી દઈને પોતાના સપનાઓ તોડી દેતી હતી. જોકે હવે ગરીબ દીકરીઓને મામાનું ઘર મળી જતા જિલ્લાના અનેક સરહદી તાલુકાઓ સહિતની ગરીબ દીકરીઓ કોઈપણ ભય વગર દીકરીઓ 24 કલાક અહીં જ રહે છે અને લાઈબ્રેરી સહિત ક્લાસીસની સુવિધા અને નિઃશુલ્ક વિવિધ થિયરીની તાલીમ અને GPSC સહિતના ક્લાસનું કોચિંગ મેળવી રહી છે.

હંમેશા મહિલાઓની સેવામાં તત્પર રહેતી પ્રિયંકા ચૌહાણની આ કામગીરીને ફક્ત તાલીમાર્થી બહેનો જ નહીં પરંતુ જે જે લોકોને ખબર પડે કે તે તમામ લોકો પ્રિયંકાના સેવાકાર્યોની સરાહના કરી રહ્યું છે. જોકે હજુ પણ દીકરીઓ માટે પ્રિયંકાએ અનેક સપનાઓ જોયા છે અને તેને પુરા કરવા તે લોકોની મદદ માંગી રહી છે. ત્યારે લોકો પણ સામે આવીને પ્રિયંકાને સપોર્ટ કરી રહ્યા છે. આ મામાનું ઘર સાચા અર્થમાં મામાનું ઘર બની રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news