Wrestlers Protest: સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા સામે FIR દાખલ, ધરણા સ્થળ ખાલી કરાવ્યું

Delhi Wrestlers Protest: દિલ્હી પોલીસે જંતર મંતર પર પહેલવાનોના વિરોધ પ્રદર્શનને લઈને કુશ્તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયાની સાથે સાથે આયોજકો અને તેમના સમર્થકો વિરુદ્ધ રમખાણ કરવા તથા સરકાર કર્મચારીઓના કામમાં વિધ્ન નાખવાના આરોપમાં રવિવારે એફઆઈઆર દાખલ કરી.

Wrestlers Protest: સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા સામે FIR દાખલ, ધરણા સ્થળ ખાલી કરાવ્યું

Delhi Wrestlers Protest: દિલ્હી પોલીસે જંતર મંતર પર પહેલવાનોના વિરોધ પ્રદર્શનને લઈને કુશ્તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયાની સાથે સાથે આયોજકો અને તેમના સમર્થકો વિરુદ્ધ રમખાણ કરવા તથા સરકાર કર્મચારીઓના કામમાં વિધ્ન નાખવાના આરોપમાં રવિવારે એફઆઈઆર દાખલ કરી. આ અગાઉ દિલ્હી પોલીસે તેમને રવિવારે સુરક્ષા ઘેરો તોડીને મહિલા 'મહાપંચાયત' માટે નવા સંસદ ભવન તરફ આગળ વધવાની કોશિશ કર્યા બાદ કાયદો વ્યવસ્થાના ભંગ બદલ અટકાયતમાં લીધા હતા. 

પોલીસે શું કહ્યું?
પોલીસે કહ્યું કે જંતર મંતર પર 109 પ્રદર્શનકારીઓ સહિત સમગ્ર દિલ્હીમાં 700 લોકોની અટકાયત કરવામાં આવી છે. ઘટનાક્રમ પર  પ્રતિક્રિયા આપતા વિનેશ ફોગાટે કહ્યું કે દિલ્હી પોલીસને ભારતીય કુશ્તી મહાસંઘ (WFI) ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ  વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં સાત દિવસ લાગ્યા હતા, પરંતુ જે લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં સાત કલાક પણ ન લાગ્યા. 

અત્રે જણાવવાનું કે દેશના દિગ્ગજ કુશ્તીબાજોએ 23 એપ્રિલના રોજ બ્રિજભૂષણની ધરપકડની માંગણીને લઈને પોતાનું આંદોલન ફરીથી શરૂ કર્યું હતું. પ્રદર્શનકારી પહેલવાનોએ બ્રિજભૂષણ પર એક સગીર સહિત અનેક મહિલા પહેલવાનોના શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નવી દિલ્હી જિલ્લા હેઠળ આવતા સંસદ માર્ગ પોલીસ મથકમાં પહેલવાન સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ તથા અન્ય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે જે રવિવારે જંતર મંતર પર પોલીસ સાથે થયેલા ઘર્ષણનો ભાગ હતા. 

અધિકારીના જણાવ્યાં મુજબ આઈપીસીની કલમ 188 (લોકસેવકના આદેશની અવગણના), 186 (લોકસેવકના કર્તવ્ય નિર્વહનમાં વિધ્ન નાખવું) અને 353 (સરકારી કર્મચારી પર હુમલો કે અપરાધિક બળનો ઉપયોગ) હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. તેમણે જણાવ્યું કે આઈપીસીની કલમ 352 (ગંભીર ઉશ્કેરણી ઉપરાંત હુમલો કે અપરાધિક  બળ પ્રયોગ), 147 (રમખાણ) અને 149 (ગેરકાયદેસર રીતે ભેગા થવું) તથા જાહેર સંપત્તિ નુકસાન નિવારણ અધિનિયમની કલમ 3 પણ એફઆઈઆરમાં સામેલ છે. 

વિનેશ ફોગાટે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા બદલ દિલ્હી પોલીસની ટીકા કરી. તેમણે ટ્વિટર પર કહ્યું કે દિલ્હી પોલીસને શારીરિક શોષણ કરનારા બ્રિજભૂષણ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં સાત દિવસ લાગે છે અને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવા બદલ અમારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં સાત કલાક પણ ન લાગ્યા. શું આ દેશમાં તાનાશાહીની શરૂઆત થઈ ગઈ છે? આખી દુનિયા જોઈ રહી છે કે સરકાર પોતાના ખેલાડીઓ સાથે કેવું વર્તન કરી રહી છે. એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. 

પહેલવાનોને બસોમાં ભરીને અલગ અલગ સ્થળો પર લઈ જવાયા બાદ પોલીસકર્મીઓએ જંતર મંતર પરથી ધરણા સ્થળને સાફ કરવાનું શરૂ કર્યું હતું તથા પહેલવાનોના ખાટલા, ગાદલા, કૂલર, પંખા અને તિરપાલને હટાવ્યા. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અટકાયતમાં લેવાયેલી તમામ મહિલા પહેલવાનોને છોડી મૂકવામાં આવ્યા છે અને પુરુષ પહેલવાનોને પણ જલદી છોડી મૂકાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news