દિલ્હીમાં મમતાના સ્વાગત માટે લાગ્યા પોસ્ટર, 'દીદી ખુલીને હસો, તમે લોકતંત્રમાં છો'
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ દિલ્હીમાં આજે જંતર મંતર પર આમ આદમી પાર્ટી દ્વારા તાનાશાહી હટાવો, 'લોકતંત્ર બચાવો સત્યાગ્રહ' ની રેલી થઈ રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે અનેક વિરોધી પક્ષો આ આયોજનનો ભાગ બનશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ રેલીમાં ભાગ લેશે. મમતાદીદી આ રેલીમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા હોવાના અહેવાલો વચ્ચે શહેરના રસ્તાઓ પર આજે સવાર સવારમાં એક અલગ પોસ્ટર જોવા મળ્યાં.
મમતાદીદીના સ્વાગત માટે લગાવવામાં આવેલા આ પોસ્ટરોમાં તેમને કટાક્ષ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં મમતા બેનર્જીની ગુસ્સાવાળી તસવીરવાળા કાર્ટુન સાથે લખવામાં આવ્યું છે કે દીદી તમને અહીં જનતાને સંબોધિત કરતા કોઈ રોકશે નહીં.
અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે કે દીદી તમે અહીં ખુલીને હસો, તમે લોકતંત્રમાં છો.
અંગ્રેજીમાં લખવામાં આવેલા એક અન્ય પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે દીદી દિલ્હીમાં તમારું સ્વાગત છે, અહીં લોકતંત્ર જીવિત છે.
આ બધા પોસ્ટર્સ યુથ ફોર ડેમોક્રેસી નામના સંગઠન દ્વારા લગાવવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે મમતા બેનર્જી દ્વારા પશ્ચિમ બંગાળમાં ભાજપના અનેક નેતાઓને રેલી કરતા રોકવામાં આવ્યાં અને તેમના હેલિકોપ્ટરોને પણ ઉતરવાની મંજૂરી ન અપાતા અનેક સવાલો ઉભા થયા હતાં. જો કે મમતાએ આ તમામ આરોપો ફગાવ્યાં હતાં.
ભાજપ અધ્યક્ષ અમિત શાહની રથયાત્રા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી ન અપાવવાના કારણે મમતા બેનર્જીએ આકરી આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહ્યાં છે.
રાહુલ ગાંધી પણ રેલીમાં થશે સામેલ
દિલ્હીમાં આજે થનારી રેલી અંગે આપના દિલ્હીના સંયોજક ગોપાલ રાયે જણાવ્યું કે રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ફારુક અબ્દુલ્લા, અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર ભાગ લેશે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભાગ લેશે તો દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયે કહ્યું કે તેમને નિમંત્રણ મોકલાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે