ચૂંટણી 2019: પાંચમા તબક્કામાં એક ટકો મતદાન વધ્યું, અનંતનાગમાં સૌથી ઓછું મતદાન
લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કામાં 51 બેઠકો પર થયેલા મતદાનમાં ગત ચૂંટણીની સરખામણીમાં લગભગ એક ટકા મતદાનનો વધારો થયો છે. ડેપ્યુટી ઈલેક્શન કમિશનર સંદીપ સક્સેનાએ જણાવ્યું કે સાત રાજ્યોની 51 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ 62.56 ટકા મતદાન થયું.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કામાં 51 બેઠકો પર થયેલા મતદાનમાં ગત ચૂંટણીની સરખામણીમાં લગભગ એક ટકા મતદાનનો વધારો થયો છે. ડેપ્યુટી ઈલેક્શન કમિશનર સંદીપ સક્સેનાએ જણાવ્યું કે સાત રાજ્યોની 51 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ 62.56 ટકા મતદાન થયું. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં આ સીટો પર 61.75 ટકા મતદાન થયું હતું. જો કે આ તબક્કામાં છેલ્લા ચાર તબક્કાની સરખામણીમાં સૌથી ઓછું મતદાન થયું.
તેમણે છેલ્લા ચાર તબક્કાના મતદાન સંબંધિત પ્રાપ્ત આંકડાના આધારે જણાવ્યું કે પહેલા તબક્કામાં 69.50 ટકા, બીજા તબક્કામાં 69.44 ટકા, ત્રીજા તબક્કામાં 68.40 ટકા અને ચોથા તબક્કામાં 65.51 ટકા મતદાન થયું હતું. સક્સેનાએ જણાવ્યું કે ઝારખંડ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર તથા પશ્ચિમ બંગાળમાં મતદાનમાં રોડા નાખવાની છૂટી છવાઈ ઘટનાઓને છોડીને તમામ જગ્યાઓ પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું. તેમણે જણાવ્યું કે પાંચમા તબક્કામાં ઉત્તર પ્રદેશ, અને બિહારમાં મતદાનનું સ્તર ગત ચૂંટણીની સરખામણીમાં વધ્યું છે.
યુપીની 14 બેઠકો પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 57.33 ટકા મતદાન નોંધાયું. ગત ચૂંટણીમાં આ બેઠકો પર 56.92 ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રેદશમાં લખનઉથી ગૃહમંત્રી રાજનાથ સિંહ, અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તથા રાયબરેલીથી યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી મેદાનમાં છે. રાજ્યની જે અન્ય બેઠકો માટે પાંચમા તબક્કામાં મતદાન થયું તેમાં ધૌરહરા, સીતાપુર, મોહનલાલગંજ, બાંદા, ફતેહપુર, કૌસંબી, બારાબંકી, ફૈઝાબાદ, બહરાઈચ, કૈસરગંજ, અને ગોંડા સામેલ છે.
આ ઉપરાંત બિહારમાં પાંચ બેઠકો (હાજીપુર, મુઝફ્ફરપુર, મધુબની, સીતામઢી, અને સારણ) પર સાંજે 6 વાગ્યા સુધીમાં 57.86 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠકો પર 2014માં 55.69 ટકા મતદાન થયું હતું. ભાજપના વરિષ્ઠ નેતા રાજીવપ્રતાપ રૂડી સારણથી અને બિહાર સરકારમાં મંત્રી પશુપતિકુમાર પારસ લોજપાની ટિકિટ પર હાજીપુરથી ચૂંટણીના મેદાનમાં છે.
જુઓ LIVE TV
આ તબક્કામાં રાજસ્થાનની 12 બેઠકો માટે 63.75 ટકા મતદાન થયું. ગત ચૂંટણીમાં આ બેઠકો પર 61.80 ટકા મતદાન થયું હતું. રાજ્યના પ્રમુખ ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી અર્જૂનરામ મેઘવાલ બીકાનેરથી, અને જયપુર ગ્રામીણ ક્ષેત્રથી રાજ્યવર્ધન સિંહ રાઠોડ ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. રાઠોડનો મુકાબલો ઓલિમ્પિક પદક વિજેતા અને કોંગ્રેસના ઉમેદવાર કૃષ્ણા પૂનિયા સામે છે. સક્સેનાએ જણાવ્યું કે રાજસ્થાનમાં ચાર સ્થળો અનૂપગઢ, બીકાનેર, સુરતગઢ અને ચુરુમાં સ્થાનિક સંગઠનોએ મતદાનનો બહિષ્કાર કર્યો. પરંતુ સ્થાનિક પ્રશાસનના હસ્તક્ષેપ પર સાંજે 3 વાગે મતદાન શરૂ થઈ શક્યું.
પાંચમા તબક્કામાં સૌથી ઓછુ મતદાન જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ બેઠક પર નોંધાયું. આ બેઠક માટે 3 તબક્કામાં પૂરા થયેલા મતદાનની ટકાવારી માત્ર 8.76 ટકા રહી. આ બેઠક પર ગત વખતે મતદાનનું સ્તર 28.5 ટકા હતું. રાજ્યમાં રાજપુરા વિસ્તારમાં બે વાર ગ્રેનેડથી વિસ્ફોટ કરીને મતદાનમાં વિધ્ન પેદા કરવાની કોશિશ નિષ્ફળ ગઈ. આ ઘટનાઓમાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી. આ ઉપરાંત સોમવારે લદ્દાખ બેઠક પર 61.56 ટકા મતદાન થયું. આ બેઠક પર 2014માં 71.9 ટકા મતદાન થયું હતું.
મધ્ય પ્રદેશની 7 બેઠકો પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 62.60 ટકા મતદાન થયું. ગત ચૂંટણીમાં આ બેઠકો પર 57.86 ટકા મતદાન નોંધાયું હતું. સોમવારે રાજ્યમાં જે બેઠકો પર મતદાન થયું તેમાં પ્રમુખ ઉમેદવારોમાં ટીકમગઢ સીટથી કેન્દ્રીય મંત્રી ડો.વીરેન્દ્ર ખટીક સામેલ છે. તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં છે. ઝારખંડની ચાર બેઠકો માટે સાંજે 5 વાગ્યા સુધીમાં 63.72 ટકા મતદાન થયું હતું. ગત ચૂંટણીમાં આ બેઠકો પર લગભગ આટલું જ મતદાન નોંધાયું હતું. રાજ્યમાં ડાબેરી સંગઠનો દ્વારા મતદાન ખોરવવાની છૂટીછવાઈ ઘટનાઓને બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ રીતે થયું.
પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કામાં સાત બેઠકો માટે 73.97 ટકા મતદાન થયું. આ બેઠકો પર 2014માં 81.37 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં મતદાનને ખલેલ પહોંચાડવની પાંચેક ઘટનાઓને બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ રહ્યું. ઉલ્લેખનીય છે કે પાંચ તબક્કાના મતદાન બાદ 17મી લોકસભાના ગઠન માટે 78 ટકા લોકસભા બેઠકો પર મતદાન પૂરું થયું છે. સક્સેનાએ જણાવ્યું કે આ તબક્કાઓમાં લોકસભાની 543 બેઠકોમાંથી અત્યાર સુધી 26 રાજ્યોની 424 બેઠકો પર મતદાન થઈ ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે