શું હવે પેટ્રોલના ભાવ વધી જશે? અમેરિકાએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ... દેશની ઓઈલ કંપનીઓ કેમ છે પરેશાન?

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝાઝો ફેરફાર જોવા મળ્યો નથી. ભારત રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદે છે જેનો ફાયદો નાગરિકોને થાય છે પરંતુ હવે એક મોટી ચિંતા સતાવી રહી છે. જાણો વિગતો. 

શું હવે પેટ્રોલના ભાવ વધી જશે? અમેરિકાએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ... દેશની ઓઈલ કંપનીઓ કેમ છે પરેશાન?

અમેરિકા દ્વારા રશિયાના તેલ પર લગાવવામાં આવેલા વ્યાપક પ્રતિબંધોની અસર ભારતની ઓઈલ આપૂર્તિ ઉપર પણ પડતી જોવા મળી રહી છે. દેશની સરકારી ઓઈલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ કહ્યું છે કે માર્ચ માટે પૂરતો ઓઈલ કાર્ગો ઉપલબ્ધ થઈ રહ્યો નથી. 10 જાન્યુઆરીના રોજ અમેરિકાએ રશિયાના ઉર્જા ક્ષેત્રને ટાર્ગેટ કરતા વ્યાપક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. જેમાં રશિયન તેલ ઉત્પાદક ફર્મ ગઝપ્રોમ નેફ્ટ અને સર્ગુટનેફ્ટેગાઝ પર પ્રતિબંધ, 183 જહાજોને બ્લેક લિસ્ટિંગ, ઓઈલ વેપારી, ઓઈલ ફીલ્ડ સર્વિસ પ્રોવાઈડર, ટેન્કર માલિક, વિમા કંપનીઓ, અને એનર્જી અધિકારી સામેલ છે. અમેરિકા તરફથી આ પ્રતિબંધ એવા સમયે લગાવવામાં આવ્યા છે કે જ્યારે ભારતીય રિફાઈન કંપનીઓ માર્ચ મહિના માટે ઓઈલની આપૂર્તિને લઈને વાતચીત કરી રહ્યા હતા. 

પૂરતું કાર્ગો નથી મળી રહ્યું?
BPCL ના ફાઈનાન્સ ડાયરેક્ટર વેટસા રામકૃષ્ણ ગુપ્તાનું કહેવું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે રશિયાના ઓઈલનું બુસિંગ પહેલેથી થઈ ચૂક્યું છે. પરંતુ માર્ચ માટે કંપનીને પૂરતું ઓઈલ કાર્ગો મળી રહ્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે આયાત કરાયેલા કુલ ક્રૂડ ઓઈલમાં રશિયન ઓઈલની ભાગીદારી માર્ચમાં ઘટીને 20 ટકા રહી જશે જે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં 31 ટકા હતી. 

જો કે તેમણે કહ્યું કે બજારમાં ઓઈલનો પૂરવઠો પૂરતો ઉપલબ્ધ છે અને કંપની ઓઈલની કમીની ભરપાઈ કરવા માટે મિડલ ઈસ્ટ જેવા દેશોમાંથી ઓઈલ આયાત કરવા પર વિચાર કરશે. 2022ની શરૂઆતમાં ભારતની કુલ તેલ ખરીદીમાં લગભગ 40 ટકા ભાગીદારી રશિયાની હતી. રશિયાથી ઓઈલની આયાત એટલા માટે વધારવામાં આવી હતી કારણ કે યુરોપિયન દેશોએ યુક્રેન પર આક્રમણ બાદ રશિયાનું ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધુ હતું. આવામાં રશિયા ભારતને સસ્તા ભાવે ઓઈલ નિકાસ કરતું હતું. જો કે આ વર્ષે આ છૂટ ઘટીને પ્રતિ બેરલ 3-3.2 ડોલર રહી ગઈ જે ગત નાણાકીય વર્ષમાં 8.5 ડોલર હતી. 

રશિયાના શેડ ફ્લીટને બનાવ્યું નિશાન
અમેરિકી પ્રતિબંધોએ રશિયાના તથાકથિત 'શેડો ફ્લીટ'ને પણ નિશાન બનાવ્યું છે. આ જહાજ 60 ડોલર પ્રતિ બેરલની કિંમતે સીમા (માર્કેટ કેપ)થી ઉપર તે ઓઈલનું પરિવહન કરતું હતું. આ જહાજોનો વિમો પણ રશિયા દ્વારા જ કરવામાં આવ્યો હતો. ભારતે હવે આ પ્રતિબંધિત જહાજો પાસેથી ઓઈલની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે 10 જાન્યુઆરી પહેલા બુક કરાયેલા ઓઈલ કાર્ગો, જે 12 માર્ચ સુધી અનલોડ કરી શકાય છે તેમને છૂટ અપાઈ છે. 

ટ્રમ્પે યુદ્ધ ખતમ કરવાની ચેતવણી આપી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમિર પુતિનને યુક્રેમાં યુદ્ધ સમાપ્ત કરવા જણાવ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે રશિયા યુક્રેન વિરુદ્ધ યુદ્ધ બંધ કરે નહીં તો પછી વધુ પડતી ડ્યૂટી અને આગામી પ્રતિબંધોનો સામનો કરવા માટે તૈયાર રહે. અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે 20 જાન્યુઆરીએ શપથ લેનારા ટ્રમ્પે બુધવારે પોતાના સોશિયલ મીડિયા મંચ ટ્રુથ સોશિયલ પર આ વાત કરી. 

ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું નામ લીધુ અને કહ્યું કે તેમના અને પુતિન વચ્ચે સંબંધ હંમેશા સારા રહ્યા છે પરંતુ હવે આ યુદ્ધને ખતમ કરવાનો સમય આવી ગયો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ રશિયા વિરુદ્ધ કેટલાક આકરા પગલાં ભરવાનો વિચાર કરી રહ્યા છે અને ઈચ્છે છે કે યુદ્ધમાં વધુ લોકોના જીવ ન જાય. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news