Corona: UP ના 5 શહેરોમાં લોકડાઉનના HC ના આદેશ પર સુપ્રીમની રોક, સરકારની વિકેન્ડ લોકડાઉનની જાહેરાત

ઉત્તર પ્રદેશના પાંચ શહેરોમાં લોકડાઉન લગાવવાના અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવતા હવે યોગી સરકારને રાહત મળી છે. આ બાજુ અન્ય એક મહત્વના સમાચાર એ પણ છે કે કોરોનાને કાબૂમાં કરવા માટે યોગી આદિત્યનાથ સરકારે આજે વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે. આ અગાઉ સરકારે ફક્ત રવિવારે લોકડાઉન લગાવ્યું હતું. પરંતુ હવે તેમાં શનિવારને પણ સામેલ કરાયો છે.

Corona: UP ના 5 શહેરોમાં લોકડાઉનના HC ના આદેશ પર સુપ્રીમની રોક, સરકારની વિકેન્ડ લોકડાઉનની જાહેરાત

લખનૌ: ઉત્તર પ્રદેશના પાંચ શહેરોમાં લોકડાઉન લગાવવાના અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવતા હવે યોગી સરકારને રાહત મળી છે. યુપીની યોગી આદિત્યનાથ સરકારે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અત્રે જણાવવાનું કે હાઈકોર્ટે લખનઉ, પ્રયાગરાજ, વારાણસી, કાનપુર અને ગોરખપુરમાં 19 એપ્રિલથી લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો હતો. આ બાજુ અન્ય એક મહત્વના સમાચાર એ પણ છે કે કોરોનાને કાબૂમાં કરવા માટે યોગી આદિત્યનાથ સરકારે આજે વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે. આ અગાઉ સરકારે ફક્ત રવિવારે લોકડાઉન લગાવ્યું હતું. પરંતુ હવે તેમાં શનિવારને પણ સામેલ કરાયો છે. હવે સમગ્ર પ્રદેશમાં શનિવારે અને રવિવારે લોકડાઉન રહેશે. 

વિકેન્ડ લોકડાઉનની જાહેરાત
કોરનાના મહાસંકટ વચ્ચે ઉત્તર પ્રદેશમાં વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. યુપી સરકારના જણાવ્યાં મુજબ હવે સમગ્ર પ્રદેશમાં શનિવારે અને રવિવારે લોકડાઉન રહેશે. જે જિલ્લાઓમાં 500થી વધુ એક્ટિવ કેસ છે ત્યાં નાઈટ કરફ્યૂ લગાવવામાં આવશે. પ્રદેશમાં વિકેન્ડ લોકડાઉન શુક્રવાર રાત 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી રહેશે. વિકેન્ડ લોકડાઉન દરમિયાન ઉત્તર પ્રદેશમાં કારણવગર બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. ફક્ત ઈમરજન્સી સેવાઓ સંલગ્ન લોકોને જ બહાર જવાની છૂટ મળશે. આ ઉપરાંત કોરોના વેક્સીનેશન, મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ છૂટ મળશે. 

બે અઠવાડિયામાં રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ
આ બાજુ આજે સુપ્રીમ કોર્ટમાં પણ હાઈકોર્ટે 5 શહેરો પર લાદેલા લોકડાઉન પર સુનાવણી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા અલાહાબાદ હાઈકોર્ટના સોમવારના આદેશ પર રોક લગાવી છે. આ સાથે જ કોર્ટે રાજ્ય સરકાર પાસે બે અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવાનું કહ્યું છે. કોર્ટે યુપી સરકારને કહ્યું કે સરકારને જ્યારે લોકડાઉનની જરૂર લાગશે તો સરકાર પોતે લગાવશે. કોર્ટનું કાર્યપાલિકાના પ્રયત્નોમાં હસ્તક્ષેપ કરવો એ સરકારના  કામકાજ, આજીવિકાની સાથે અન્ય ચીજોમાં પણ મુશ્કેલીઓ ઊભી કરશે. હાલાત પર કાબૂ મેળવવા માટે સરકાર દરેક શક્ય કોશિશ કરી રહી છે. 

સુપ્રીમ કોર્ટે સરકારને શું કહ્યું?
અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવતા સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કહ્યું કે તમે હાઈકોર્ટના ઓબ્ઝર્વેશન પર ધ્યાન આપો. લોકડાઉનના ચુકાદા પર અમે રોક લગાવી રહ્યા છીએ. 

આ અગાઉ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ યુપી સરકાર તરફથી ચીફ જસ્ટિસની બેન્ચમાં મામલો રજુ કર્યો. તેમણે કહ્યું કે આ કાર્યપાલિકાના અધિકાર ક્ષેત્રમાં દખલ છે. કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સરકાર પહેલેથી પોતાની રીતે જરૂરી પગલા લઈ રહી છે. અત્રે જણાવવાનું કે અલાહાબાદ હાઈકોર્ટે સરકારને કહ્યું હતું કે પાંચ શહેરોમાં કોરોનાના હાલાત બેકાબૂ છે. અને લોકડાઉન લગાવવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news