ઈરાનમાં મધદરિયે ફસાયો ગુજરાતી યુવાન, વીડિયો વાયરલ કરી મદદની અપીલ
છેલ્લા 6 મહિનાથી ઈરાનમાં ફસાયેલા એક ગુજરાતી યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જમવા અને પીવાના પાણીનો જથ્થો મર્યાદિત છે. ઘરે જવા માટે અનેક પત્રો લખ્યા પરંતુ કોઈ જવાબ મળતો ન હોવાનું વીડિયોમાં યુવાને જણાવ્યું હતું
Trending Photos
ઝી મીડિયા બ્યૂરો: છેલ્લા 6 મહિનાથી ઈરાનમાં ફસાયેલા એક ગુજરાતી યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જમવા અને પીવાના પાણીનો જથ્થો મર્યાદિત છે. ઘરે જવા માટે અનેક પત્રો લખ્યા પરંતુ કોઈ જવાબ મળતો ન હોવાનું વીડિયોમાં યુવાને જણાવ્યું હતું. ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ યુવાનના પરિવારજનોએ તેમના પુત્રને ભારત પરત લાવવા માટે સરકારને અપીલ કરી છે. જોકે, સરકાર સુધી આ વાત પહોંચતા સરકાર તેમની મદદે આવી છે.
ભાવનગરની હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા કમલભાઈ હળવદિયા અને દીપ્તિબેન હળવદિયાનો પુત્ર વિદેશની ધરતી પર ફસાતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. તેમનો પુત્ર ધ્યેય કમલભાઈ હળવદિયા છેલ્લા 6 મહિનાથી ઈરાનમાં મધદરિયે પોતાના સાથી ક્રુ મેમ્બરો સાથે ફસાયો છે. મૂળ માલિક કાર્ગો ઓનર અને એજન્ટ વચ્ચે સર્જાયેલા મતભેદોને કારણે જહાજને ઇરાનના બંદર પાસપોર્ટ પર અટકાવાયેલું છે. ક્રુ મેમ્બરોને તેઓના ઘર સુધી જવા માટે જરૂરી સીડીસી, પાસપોર્ટ જેવા સત્તાવાર દસ્તાવેજો પણ એજન્ટ દ્વારા લઇ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુનાવણી, કોર્ટ સમક્ષ રાજ્ય સરકારે કરી આ કબૂલાત
જો કે, ધ્યેય હળવદિયાએ સોશિયલ મીડિયા મારફતે મદદ માટે એક વીડિયો વાયરલ કરતા જણાવ્યું હતું કે, 19 મી ઓક્ટોબર 2020 ના રોજ ઇરાનના બંદર બસ ખાતે કાર્ગો લોડિંગ માટે અમે આવ્યા હતા. શિપિંગ એજન્ટ, શિપના માલિક, કાર્ગો માલિક વચ્ચે મતભેદો સર્જાયા બાદ જહાજના એજન્ટ તમામ ક્રુ મેમ્બરોના સીડીસી, પાસપોર્ટ અને જહાજના દસ્તાવેજો લઈ લીધા હતા. હવે અમે લોકો છેલ્લા છ મહિનાથી ઇરાનના બંદર અબ્બાસ પોર્ટના ઇનર એન્કરેજ ખાતે ફસાયેલા છીએ. અમારે લોકોએ ઘરે જવું છે પણ પ્રત્યુત્તર આપવામાં આવતા નથી.
ઘરે જવા માટે અનેક પત્રો લખ્યા પરંતુ તેનો કોઈ જવાબ આવતો નથી. જમવાનો અને પીવાના પાણીનો જથ્થો હવે મર્યાદિત છે, ડીઝલ પણ ઓછું હોવાથી અમે માત્ર ચાર કલાક જ જનરેટર ચલાવી રસોઈ બનાવી લઈએ છીએ તથા મોબાઇલ ચાર્જ કરી લઈએ છીએ. શિપના માલિક દ્વારા અમોને માત્ર એક મહિનાનો પગાર આપવામાં આવ્યો છે, કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તેને પણ છ મહિના થઇ ગયા છતાં કોઈ એક્શન લેવામાં આવી રહ્યા નથી. મધદરિયે અમારી હાલત જર્જરિત બની રહી છે.
ત્યારે ઈરાનમાં ફસાયેલા ગુજરાતી યુવાન ધ્યેય હળવદિયા સહિત ભારતના 10 ક્રૂ મેમ્બર અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સંબંધિત મંત્રાલયને કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. ભારતના દૂતાવાસ વચ્ચે પણ વાતચીત ચાલુ થઈ ગઈ છે તેમના પરિવાર સાથે વાત કરી છે. સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે