અહેમદ પટેલને સુપ્રીમનો ઝટકો, રાજ્યસભા ચૂંટણી અંગે કેસ લડવો પડશે

બેન્ચે ગુજરાત હાઈકોર્ટના 26 ઓક્ટોબર, 2018ના ચૂકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરીને જણાવ્યું કે, 'સુનાવણી ચાલવા દો'

અહેમદ પટેલને સુપ્રીમનો ઝટકો, રાજ્યસભા ચૂંટણી અંગે કેસ લડવો પડશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને જણાવ્યું છે કે, 2017માં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં તેમના ચૂંટાવા અંગે ભાજપના ઉમેદવાર બલવંત સિંહ રાજપૂતની ચૂંટણી અરજીનો કેસ તેમણે લડવાનો રહેશે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ અને ન્યાયાધિશ સંજય કિશન કૌલની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના 26 ઓક્ટોબર, 2018ના ચૂકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરતા જણાવ્યું કે, 'સુનાવણી ચાલવા દો.' હાઈકોર્ટે જણાવ્યું હતું કે, રાજપૂતના આરોપોની સુનાવણી કરવી જરૂરી છે. 

અહેમદ પટેલે ગુજરાત હાઈકોર્ટના એ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં બલવંત સિંહ રાજપૂતની અરજી પર પુનઃવિચાર કરવા અંગેની અરજી સામે સવાલ ઉઠાવતી અરજીને ફગાવી દેવાઈ હતી. બળવંત સિંહે રાજ્યસભાની ચૂંટણીમાં બે બળવાખોર ધારાસભ્યોના મતને ગેરકાયદે જાહેર કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પોતાની અરજીમાં પડકાર પેંક્યો હતો. તેમણે જણાવ્યું કે, જો આ બે મતને ગણતરીમાં લેવાયા હોત તો તેમણે અહેમદ પટેલને હરાવી દીધા હોત. 

સર્વોચ્ચ અદાલતે અહેમદ પટેલની અરજી પર આવતા મહિને વધુ સનાવણી હાથ ધરવાનું જણાવ્યું છે અને સાથે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રાખવાનો પણ આદેશ આપ્યો છે. હવે સુપ્રીમમાં અહેમદ પટેલની અરજી પર ફેબ્રુઆરી મહિનામાં વધુ સુનાવણી હાથ ધરાશે. અહેમદ પટેલ તરફથી વકીલ તરીકે કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યારે રાજપુત તરફથી મનિન્દર સિંહ અને સત્યપાલ જૈન વકીલ તરીકે હાજર રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news