અદભૂત ઘટનાઃ સાસણ ગીરમાં સિંહણ ઉછેરી રહી છે દિપડાનું બચ્ચું

દિપડાનું બચ્ચું છેલ્લા એક અઠવાડિયાથી સિંહણ સાથે રહે છે, સિંહણના બે બચ્ચા સાથે કરકે છે મસ્તી અને ધમાલ, સામાન્ય રીતે સિંહ અને દિપડા એકબીજાના જાની દુશ્મન હોય છે 

અદભૂત ઘટનાઃ સાસણ ગીરમાં સિંહણ ઉછેરી રહી છે દિપડાનું બચ્ચું

હનીફ ખોખર/જૂનાગઢઃ સિંહ, વાઘ, દિપડા અને ચિત્તા વચ્ચે દુશ્મની જગજાહેર છે. જોકે, 'માતૃપ્રેમ' એક એવો ભાવ છે, જેની સામે તમામ લાગણીઓ શૂન્ય બની જાય છે. સાસણ ગીરમાં આજકાલ કંઈક આવો જ અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. અહીં એક સિંહણ દિપડાના બચ્ચા પર પોતાનો પ્રેમ વરસાવી રહી છે. આ સિંહણ છેલ્લા એક અઠવાડિયાથી દિપડાના બચ્ચાનો ઉછેર કરી રહી છે અને તેને પોતાનું દૂધ પણ પીવડાવી રહી છે. દિપડાનું આ બચ્ચું કોઈક કારણોસર તેના પરિવારથી વિખૂટું પડી ગયું હતું. 

વન વિભાગ વેસ્ટ ઝોનના DCF ડૉ ધીરજ મિત્તલે આ અંગે જણાવ્યું કે," દિપડાના આ શાવકનું નામ મોગલી છે. શાવકનો ઉછેર કરનારી સિંહણનું નામ તેમણે રક્ષા રાખ્યું છે.  તેમના માર્ગદર્શન નીચે વન વિભાગનો સ્ટાફ હાલ આ પરિવારની દેખરેખ રાખી રહ્યો છે. સિંહણ પોતાના બાળકોની જેમ જ દિપડાના આ બચ્ચાનો ઉછેર કરી રહી છે. સિંહણના બે બચ્ચા સાથે દિપડાનું બચ્ચું પણ આખો દિવસ ધમાલ-મસ્તી કરતું જોવા મળે છે. સિંહણ તેને પોતાના બાળકો જેટલો જ પ્રેમ આપી રહી છે અને પોતાનું દૂધ પણ પીવડાવી રહી છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે સિંહ અને દિપડા વચ્ચે જાની દુશ્મની હોય છે. એટલા માટે જ સિંહણ દ્વારા દિપડાના બચ્ચાનો ઉછેર કરવો એક અદભૂત ઘટના છે. માતૃપ્રેમ સામે પ્રાણી પણ પોતાના વ્યવહારથી વિરુદ્ધ આચરણ કરતું જોવા મળી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા એક વાયરસને કારણે ગીરમાં એકસાથે અસંખ્ય સિંહોના મોતને કારણે ખૂબ જ વિવાદ સર્જાયો હતો. હજુ 10 દિવસ પહેલા જ અમરેલીમાં એક સાથે ત્રણ સિંહ ટ્રેન નીચે કપાઈને મરી ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news