ગોપાલ ચાવલા સાથેની તસવીરથી સિદ્ધુ મુશ્કેલીમાં, સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું- 'રાસુકા હેઠળ ધરપકડ કરો'

: પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થયા બાદ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ ફરીએકવાર વિવાદમાં સપડાયા છે.

ગોપાલ ચાવલા સાથેની તસવીરથી સિદ્ધુ મુશ્કેલીમાં, સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું- 'રાસુકા હેઠળ ધરપકડ કરો'

નવી દિલ્હી: પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થયા બાદ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ ફરીએકવાર વિવાદમાં સપડાયા છે. આ વખતે ખાલિસ્તાની સમર્થક ગોપાલ ચાવલા સાથે તેમની તસવીર સામે આવ્યા બાદ અનેક લોકોના નિશાન પર છે. જો કે સિદ્ધુએ ચાવલાને ઓળખતા હોવાની સ્પષ્ટ ના પાડી દીધી. જેના પર  ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કટાક્ષ કરતા કહ્યું કે હવે તમે કહેશો કે મારે ખાલિસ્તાન સાથે કોઈ સંબંધ નથી અને હું તેની નિંદા કરું છું. સ્વામીએ એમ પણ કહ્યું કે સિદ્ધુની તપાસ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઈએ) પાસે કરાવવી જોઈએ. આ સાથે જ તેમની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ધરપકડ કરવી જોઈએ. 

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં ખાલિસ્તાન સમર્થક આતંકી ગોપાલ ચાવલાની હાજરી પર મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદ એટલા માટે પણ વધી ગયો છે કારણ કે ગોપાલ ચાવલાએ પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી. ચાવલાએ સિદ્ધુ સાથેની મુલાકાતની તસવીર પણ ફેસબુક પર શેર કરી હતી. આ તસવીરને શેર કરતા ગોપાલ ચાવલાએ સિદ્ધુને 'પાજી' કહીને સંબોધિત કર્યા હતાં. પંજાબમાં પાજીનો અર્થ મોટાભાઈ થાય છે. 

Subramanian Swamy on Navjot Sidhu

આ તસવીરને પોસ્ટ કર્યાના ગણતરીની ક્ષણોમાં ગોપાલ ચાવલાએ બીજી એક પોસ્ટ કરી છે જેમાં તેણે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર પોતાના નિવેદનનો વીડિયો શેર કર્યો છે. આ શેર  કરતા ગોપાલ ચાવલાએ પાકિસ્તાન જીંદાબાદ લખ્યું છે. કરતારપુર સાહિબ કોરિડોરના ઉદ્ધાટન પ્રસંગના કાર્યક્રમમાં ગોપાલ ચાવલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે જોવા મળ્યો હતો. આ સાથે જ ગોપાલ ચાવલા પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ બાજવા સાથે પણ ઉષ્માભરી રીતે મળતો જોવા મળ્યો હતો. 

ગોપાલ ચાવલા સાથેની તસવીર અંગે શું કહ્યું હતું સિદ્ધુએ?
પાકિસ્તાનથી પાછા ફર્યા બાદ અટારી વાઘા બોર્ડર પર નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે બંને દેશોએ આપસી દુશ્મની ખતમ કરવી જોઈએ. પરમાત્મા રસ્તા બનાવે છે અને તેણે બંને દેશોને એક કરવા માટે રસ્તો બનાવ્યો. ચાવલા સાથેની તસવીર અંગે સિદ્ધુએ કહ્યું કે મારા 5થી 10,000 ફોટા પડ્યાં, મને નથી ખબર ગોપાલ ચાવલા કોણ છે. મીડિયા સાથે વાતચીતમાં સિદ્ધુએ ખાલિસ્તાન સમર્થક ગોપાલસિંહ ચાવલાને ઓળખવાનો ઈન્કાર કરી દીધો. તેમણે સ્પષ્ટપણે કહી દીધુ કે ચાવલા કોણ છે તે  તેમને  ખબર નથી. 

કોણ છે ગોપાલ ચાવલા?
કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં આતંકી હાફિસ સઈદનો સહયોગી અને ખાલિસ્તાન સમર્થક ગોપાલ ચાવલા જોવા મળ્યો હતો. તેની સાથે સિદ્ધુની તસવીરથી તો મોટો વિવાદ ઊભો થઈ ગયો. ગોપાલ ચાવલા લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકીઓ સાથે પણ નીકટતા ધરાવતો હોવાનું કહેવાય છે. 

ખાલિસ્તાન સમર્થક ગોપાલ ચાવલાએ સિદ્ધુ સાથે શેર કરી તસવીર, FB પોસ્ટમાં લખ્યું 'પાકિસ્તાન જિંદાબાદ'

(ખાલિસ્તાન સમર્થક ગોપાલ ચાવલા સિદ્ધુ સાથે)

કરતારપુર સાહિબના કાર્યક્રમમાં ગોપાલ ચાવલાની હાજરી પર ઉઠેલા સવાલ પર પાકિસ્તાને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ગોપાલ સિંહ પાકિસ્તાન સિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (પીએસજીપીસી)નો એક વરિષ્ઠ નેતા છે અને તેને સિખ સમુદાય તરફથી પણ સંબંધિત તમામ કાર્યક્રમો માટે આમંત્રિત કરવામાં આવે છે. અત્રે જણાવવાનું કે  ગોપાલ ચાવલા ખાલિસ્તાન અલગાવવાદી નેતા છે. ભારતની નજરમાં તે આતંકી છે. ગોપાલ ચાવલા પર પંજાબના લોકોને ઉક્સાવવાનો અને હિંસા ફેલાવવાનો આરોપ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news