સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો, જો છુટાછેડાની અરજી પેન્ડિંગ છે તો પણ બીજા લગ્ન માન્ય

હિન્દુ મેરેજ એક્ટની સેક્શન-15ની વ્યાખ્યા કરતાં જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ એલ. નાગરેશ્વર રાવની બેન્ચે જણાવ્યું કે, છૂટાછેડા માટેની અરજી પડતર હોવાને કારણે બીજા લગ્ન પર પ્રતિબંધ લગાવવાની જોગવાઈ ત્યારે લાગુ પડતી નથી જ્યારે પક્ષકારોએ સમાધાનને આધારે કેસને આગળ ન ચલાવવાનો નિર્ણય લઈ લીધો હોય

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો, જો છુટાછેડાની અરજી પેન્ડિંગ છે તો પણ બીજા લગ્ન માન્ય

નવી દિલ્હીઃ હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત છૂટાછેડા માટે કરવામાં આવેલી અરજી પડતર હોવા દરમિયાન પુરુષ કે મહિલામાંથી કોઈ એકના પણ બીજા લગ્ન પર પ્રતિબંધ છે. જોકે, હવે સુપ્રીમ કોર્ટે પોતાના નવા ચૂકાદામાં જણાવ્યું છે કે, જો છૂટાછેડાની અરજી પડતર છે અને બંને પક્ષોમાં કેસ અંગે સહમતિ સધાઈ ગઈ છે તો બીજા લગ્ન માન્ય ગણાશે. 

હિન્દુ મેરેજ એક્ટની સેક્શન-15ની વ્યાખ્યા કરતાં જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ એલ. નાગરેશ્વર રાવની બેન્ચે જણાવ્યું કે, છૂટાછેડા માટેની અરજી પડતર હોવાને કારણે બીજા લગ્ન પર પ્રતિબંધ લગાવવાની જોગવાઈ ત્યારે લાગુ પડતી નથી જ્યારે પક્ષકારોએ સમાધાનને આધારે કેસને આગળ ન ચલાવવાનો નિર્ણય લઈ લીધો હોય.

હિન્દુ મેરેજ એક્ટની સેક્શન-15 મુજબ, જ્યારે એક લગ્નમાં છુટાછેડાની પ્રક્રિયા પુરી થવા જઈ રહી હોય અને આ પ્રક્રિયા સામે કોઈ અન્ય અપીલ કરવામાં આવી ન હોય ત્યાં સુધી બીજા લગ્ન થઈ શકે નહીં. 

વર્તમાન કેસમાં છુટાછેડાની અરજી પડતર હતી એ દરમિયાન પતિએ પ્રથમ પત્ની સાથે સમાધાન કરી લીધું અને કેસ પાછો ખેંચી લેવા માટે અરજી કરી દીધી હતી. આ દરમિયાન તેણે બીજા લગ્ન પણ કરી લીધા. હાઈકોર્ટે લગ્નને ગેરકાયદે ઠેરવ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે પતિની અરજીનો સ્વીકાર કરીને હાઈકોર્ટના ચૂકાદાને રદ્દ કરી દીધો છે. 

સુપ્રીમ કોર્ટે આ બાબતે દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાને બદલી નાખ્યો છે. આ કેસમાં પત્નીએ છુટાછેડા માટે અરજી દાખલ કરી હતી. દિલ્હીની તીસ હજારી કોર્ટે 21 ઓગસ્ટ, 2009ના રોજ પત્ની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું કે, છુટાછેડા માટેની ડિગ્રી મંજુર કરવામાં આવે છે. પતિએ ચૂકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, કેસ આગળ વધે એ પહેલાં જ બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું. 15 ઓક્ટોબર, 2011ના રોજ પતિએ અપીલ પાછી ખેંચવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હજુ આ કેસ પડતર હતો એ દરમિયાન જ પતિએ ડિસેમ્બર, 2011માં બીજા લગ્ન કરી લીધા. 

આ લગ્ન બાદ પ્રથમ પત્નીએ લગ્નને કોર્ટમાં પડકાર્યા હતા. તેણે અપીલમાં જણાવ્યું કે, છુટાછેડાની અપીલ રદ્દ કરવાની અરજી પડતર હોવા દરમિયાન લગ્ન થયા છે, આથી તેને શૂન્ય ઠેરવવામાં આવે. નીચલી કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી, પરંતુ હાઈકોર્ટે તેને સ્વીકારીને લગ્નને શૂન્ય જાહેર કર્યા હતા. ત્યાર બાદ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને ત્યાં હાઈકોર્ટના ચૂકાદાને રદ્દ કરી દેવાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news