હાર્દિક પટેલના ઉપવાસનો બીજો દિવસઃ રક્ષાબંધનના પર્વ પર રાજ્યભરમાંથી બહેનો રાખડી બાંધવા આવી

પોલીસ પર બહેનોને રાખડી બાંધવા પ્રવેશ ન આપવાનો આરોપ, હાર્દિકને મળવા આવશે પશ્ચિમ બંગાળ સરકારનું પ્રતિનિધિમંડળ

હાર્દિક પટેલના ઉપવાસનો બીજો દિવસઃ રક્ષાબંધનના પર્વ પર રાજ્યભરમાંથી બહેનો રાખડી બાંધવા આવી

અમદાવાદઃ ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની માગણીને લઈને હાર્દિક પટેલના ઉપવાસનો આજે બીજો દિવસ છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે આજે અસંખ્ય બહેનો હાર્દિકને રાખડી બાંધવા માટે ઉપવાસ છાવણીમાં પહોંચી હતી અને હાર્દિકને રાખડી બાંધીને શુભેચ્છા પાઠવી હતી. સોલા સિવિલના સીએમઓ દ્વારા હાર્દિક પટેલના સ્વાસ્થ્યનું નિયમિત ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. 

રક્ષાબંધનના પર્વ નિમિત્તે હાર્દિક પટેલને રાખડી બાંધવા માટે આવેલી બહેનોએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવી હતી અને રાખડી બાંધવા અંગે પણ પુછપરછ કરવામાં આવી હતી. જોકે, ત્યાર બાદ બહેનોએ હાર્દિકને રાખડી બાંધી હતી. 

હાર્દિકને મળવા આવશે પ.બંગાળ સરકારનું પ્રતિનિધિમંડળ
હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસને સમર્થન આપવા માટે પશ્ચિમ બંગાળની સરકારનું એક ડેલિગેશન આવવાનું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પ્રતિનિધિ તરીકે દિનેશ ત્રિવેદી (પૂર્વ રેલવે મંત્રી) સહિત ચાર સાંસદો આજે ગુજરાત આવવાના છે. 

સીએમઓ દ્વારા તપાસ 
હાર્દિક પટેલ ઉપવાસ પર બેઠો છે. આથી, આજે બીજા દિવસે સોલા સિવિલના ડો. પ્રદીપ પટેલ દ્વારા નિયમિત હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ડો. પ્રદીપ પટેલે જણાવ્યું કે, હાર્દિકનું સ્વાસ્થ્ય નોર્મલ છે. તેના શરીર પ્રમાણે બી.પી. થોડું ઓછું આવ્યું હતું. 
આથી તેને ડોક્ટરે લિક્વીડ લેવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે હાર્દિકે મેડિકલ ચેકઅપ કરવાની ના પાડી દીધી હતી. સરકાર દ્વારા હોસ્પિટલને દિવસમાં બે વખત હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવાની સુચના આપવામાં આવી છે. 

આજે ઉપલેટા, ધ્રાંગધ્રા સહિતથી લોકો આવશે 
હાર્દિક પટેલના ઉપવાસને સમર્થન આપવા માટે વિવિધ શહેરોનાં પાટીદારોના આવવાનું એક ટાઈમટેબલ તૈયાર કરવામાં આવ્યું છે. જેના મુજબ આજે ઉપલેટા, ધ્રાંગધ્રા,ધોરાજી, ઊંઝા, હળવદ અને ચાણસ્માના પાટીદારો ઉપવાસ છાવણીમાં આવવાના છે. હાર્દિકે 6 સપ્ટેમ્બર સુધીનું એક ટાઈમટેબલ તૈયાર કરેલું છે. 

હાર્દિકને સમર્થકોની સંખ્યા પાંખી
પાસ નેતા અને પાટિદારો માટે અનામતની માગણી સાથે છેલ્લા ત્રણ વર્ષથી આંદોલન ચલાવી રહેલો હાર્દિક પટેલ 25 ઓગસ્ટના રોજ ખેડૂતોને પુરતા વળતર અને પાટિદારોને અનામત આપવાની માગણીને લઈને ફરીથી ઉપવાસ પર બેઠો છે. 25 ઓગસ્ટનો દિવસ તેણે એટલા માટે પસંદ કર્યો, કેમ કે ત્રણ વર્ષ પહેલાં 25 ઓગસ્ટ, 2015ના રોજ અમદાવાદના જીએમડીસીમાં તેણે ક્રાંતિ રેલી કાઢી હતી અને મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી પાટીદારો તેમાં ઉમટી પડ્યા હતા. 

જોકે, ત્રણ વર્ષ પહેલાંના આંદોલન અને હાલના આંદોલનમાં ઘણો ફરક જોવા મળી રહ્યો છે. 25 ઓગસ્ટ, 2015ની રેલીમાં હાર્દિકને જેટલું મોટું જનસમર્થન મળ્યું હતું તેવું હાલ જોવા મળતું નથી. ગઈકાલે હાર્દિક જ્યારે ઉપવાસ પર બેઠો ત્યારે તેની સાથે 100 જેટલા અન્ય લોકો ઉપવાસમાં જોડાયા હતા. તેના ઉપવાસ સ્થળે પણ કોઈ ખાસ એટલી મોટી ભીડ જોવા મળી ન હતી. 

પાસ દ્વારા એવો દાવો કરાયો હતો કે, રાજ્યમાંથી તેમનાં 16,000થી વધુ સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, પોલીસે આ વાતનું ખંડન કરીને સ્પષ્ટ જણાવી દીધું હતું કે તેમના દ્વારા માત્ર 158 લોકોની જ ધરપકડ કરવામાં આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news