સનાતન પર I.N.D.I.A vs NDA, DMKના નેતાઓમાં સનાતનને બદનામ કરવાની હોડ
Udhayanidhi Stalin Remarks: સનાતન ધર્મને લઈને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજાના નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. અરજીકર્તાએ બંને નેતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સનાતન ધર્મ...આ શબ્દ અત્યારે દેશમાં સૌથી વધુ ચર્ચામાં છે. કેટલાક રાજકારણીઓ જાહેરમાં સનાતનની આત્યંતિક ટીકા કરી રહ્યા છે. કોઈ સનાતનને મેલેરિયા અને ડેંગ્યુ ગણાવીને નાબૂદ કરવા માગે છે, તો કોઈ એઈ્ડ્સ અને કુષ્ઠરોગ સુધી પહોંચી ગયું છે. વાત દેશના કરોડો લોકોના ધર્મની હોવાથી વિવાદિત નિવેદનો પર આરપારનો રાજકીય જંગ શરૂ થઈ ગયો છે. જેમ જેમ વિવાદિત નિવેદનોનો સિલસિલો આગળ વધે છે, તેમ તેમ જંગ વધુ ભીષમ બની રહ્યો છે.
સનાતન ધર્મ પર સર્જાયેલો વિવાદ ધર્મયુદ્ધનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન વિરોધી નિવેદનોનો શરૂ કરેલો સિલસિલો રોકવાનું નામ નથી લેતો. આ સિલસિલામાં તેમના જ પક્ષ DMKના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજા પણ જોડાઈ ગયા છે.
નવાઈની વાત એ છે કે સનાતન વિરોધી વલણમાં તેઓ ઉદયનિધિ સ્ટાલીનથી પણ આગળ નીકળી ગયા. તેમણે કહ્યું કે સનાતન ધર્મની તુલના સામાજિક કલંકવાળી બિમારીઓ સાથે થવી જોઈએ. જ્યારે ઉદયનિધિએ સનાતનની તુલના મેલેરિયા સાથે કરી છે. એ. રાજા અહીં જ ન અટક્યા, તેમણે કહ્યું કે સનાતનની તુલના એચઆઈવી અને કુષ્ઠ રોગ જેવા સમાજિક કલંકવાળી બીમારીઓ સાથે કરવી જોઈએ.
એટલે કે ડીએમકેમાં અત્યારે સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદનો કરવામાં હરિફાઈ ચાલી રહી છે. ઉદયનિધિએ સનાતન ધર્મની સરખામણી ડેંગ્યુ, મેલેરિયા અને કોરોના સાથે કરીને તેને નાબૂદ કરવાની વાત કરી હતી, તો એ રાજા હવે એઈડ્સ સુધી પહોંચ્યા છે. હવે આગળ આ સિલસિલામાં કોણ જોડાય છે, તેના પર સૌની નજર છે.
તો આ તરફ બિહારમાં RJDના અધ્યક્ષ જગદાનંદ સિંહે પણ સનાતન પર નિશાન સાધ્યું છે. તેમનું કહેવું છે કે તિલક લગાવીને ફરતા લોકોએ દેશને ગુલામ બનાવ્યો હતો.
નિવેદન પર વિવાદ વધતાં જગદાનંદ પોતાના નિવેદન પર કાયમ રહ્યા, તેમણે ધર્મના નામે ચાલતી સામાજિક કુપ્રથાઓને પોતાના નિવેદનનું કારણ ગણાવ્યું. જો કે ભાજપે સનાતનના વિરોધ માટે તેમના આ કારણને ફગાવી દીધું છે.
ઉદયનિધિ સ્ટાલિન ઉપરાંત કર્ણાટકની કોંગ્રસ સરકારના મંત્રી પ્રિયંક ખડગે અને જી પરમેશ્વરે પણ સનાતન વિરોધી નિવેદન આપ્યું હતું. જેનાથી વિવાદ વધ્યો હતો. જો કે પ્રિયંક ખડગેએ બંધારણનો હવાલો આપીને પોતાનો બચાવ કર્યો છે.
મારું નિવેદન કોઈ ધર્મના વિરુદ્ધમાં નથી. મેં કહ્યું હતું કે જે ધર્મ લોકો વચ્ચે ભેદભાવ ઉભો કરે, તે ધર્મ નથી. હું બંધારણને અનુસરું છું, જે લોકોને માનવી તરીકેનો મોભો પૂરો પાડે છે, એટલે મારો ધર્મ બંધારણ છે. તેથી જો એ લોકો મારી સામે FIR નોંધાવવા માગતા હોય, મારી ધરપકડ કરવા માગતા હોય કે મને કોર્ટમાં લઈ જવા માગતા હોય, એનો આધાર તેમના પર છે.
પ્રિયંક ખડગે સહિત વિપક્ષના નેતાઓ જ્યાં બંધારણનો હવાલો આપે છે, ત્યાં ભાજપના પ્રવક્તા અને પૂર્વ મંત્રી રવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે બંધારણની મૂળ નકલમાં પણ હિંદુ ધર્મના પૂજનીય પાત્રોનો ઉલ્લેખ છે. તેમણે આ નકલ પણ રજૂ કરી.
રવિશંકર પ્રસાદ જ્યાં બંધારણનો હવાલો આપે છે, ત્યાં કેન્દ્રના મંત્રી ગિરિરાજસિંહે સનાતનના બચાવમાં આત્યંતિક વલણ અપનાવ્યું છે. સનાતનનો મુદ્દો હવે રાષ્ટ્રીય રાજકારણમાં લાંબા ગાળા માટે છવાઈ ગયો છે. પ્રધાનમંત્રીએ સનાતનના મુદ્દે યોગ્ય જવાબ આપવા મંત્રીઓને સૂચના આપી છે. ત્યાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આ મામલે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.
એટલે કે રાજકારણમાં સનાતનનો મુદ્દો હજુ છવાયેલો રહેશે. પાંચ રાજ્યોની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાં સનાતનનો સમાવેશ થઈ ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે