ચીનની ચાલનો હવે 'બોગીબીલ બ્રિજ'થી મળશે જવાબ, કેટલાક કલાકમાં જ સેના પહોંચશે સરહદ પર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 વર્ષ બાદ તૈયાર થયેલા દેશના સૌથી લાંબા ડબલ ડેકર પુલનું 25 ડિસેમ્બરના રોજ ઉદ્ઘાટન કરવાના છે
Trending Photos
બોગીબીલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરના રોજ આસામના ડિબ્રુગઢની નજીક બોગીબીલમાં બ્રહ્મપુત્ર નદી પર બનેલા ડબલ ડેકર રેલવે અને રોડ બ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે. આસામ અને અરૂણાચલ પ્રદેશને જોડનારો આ બ્રિજ રૂ.5920 કરોડના ખર્ચે તૈયાર થયો છે. ભારતીય સેના હવે પોતાના સાજ-સામાન સાથે અરૂણાચલ પ્રદેશને અડીને આવેલી સરહદ સુધી પણ કેટલાક કલાકમાં જ પહોંચી શકશે.
ચીન ભારતની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે. પડોશી દેશ વારંવાર સરહદમાં પણ ઘુસણખોરી કરે છે અને સેનાને ભડકાવાનો પ્રયાસ કરતો રહે છે. આથી બ્રહ્મપુત્ર નદી પર બનેલો આ પુલ વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ બની ગયો છે. લગભગ 4.94 કિમી લાંબો આ બોગીબીલ પુલ આસામના ડિબ્રુગઢ જિલ્લામાં બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ કિનારાને અરૂણાચલ પ્રદેશના સરહદી વિસ્તાર ધેમાજી જિલ્લામાં સિલાપાથરને જોડશે.
આ પુલ અને રેલવે સેવા ધેમાજીના લોકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. કેમ કે, મુખ્ય હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને હવાઈ મથક ડિબ્રુગઢમાં છે. તેની સાથે જ ઈટાનગરના લોકોને પણ તેનો ફાયદો મળશે, કેમકે આ વિસ્તાર નાહરલગુનથી માત્ર 15 કિમી જ દૂર છે.
21 વર્ષ પહેલા નખાયો હતો પાયો
વર્ષ 2002માં તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ વિશાળકાય રેલવે અને સડક બ્રિજના નિર્માણને લીલી ઝંડી આપી હતી. 1997માં પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડાએ તેનો પાયો નાખ્યો હતો. દિવંગન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની વર્ષગાંઠ પ્રસંગે પીએમ મોદી આ બોગીબીલ પુલ પર રેલવે અને સડક પરિવહનની શરૂઆત કરશે.
પુલનું આયુષ્ય 120 વર્ષ
પુલના મુખ્ય ઈજનેર મોહિંદર સિંહે જણાવ્યું કે, બ્રહ્મપુત્ર નદી પર બનેલો 4.9 કિમી લાબો આ પ્રથમ સંપૂર્ણ રીતે જોડાયેલો પુલ છે. આ પુલનો જાળવણી ખર્ચ ખુબ જ નહિંવત છે અને તેનું આયુષ્ય 120 વર્ષ છે. તેનાથી આસામ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચેનું અંતર ઘણું ઘટી જશે. અગાઉ અરૂણાચલ પ્રદેશના ધેમાજીથી ડિબ્રુગઢ જવા માટે 500 કિમીનું અંતર કાપવામાં 34 કલાક લાગતા હતા. હવે આ મુસાફરી માત્ર 100 કિમીની રહી જશે અને માત્ર 3 કલાક લાગશે.
5920 કરોડનો ખર્ચ
આ પુલના નિર્માણ પાછળ રૂ.5920 કરોડનો ખર્ચ થયો છે. પ્રારંભમાં તેનો અંદાજિત ખર્ચ રૂ.1767 કરોડ રખાયો હતો. આ પુલ કદાચ દેશનો પ્રથમ ડબલડેકર પુલ છે. આ પુલ ઉપરથી સેનાની ટેન્કો પણ સરળતાથી લઈ જઈ શકાશે.
નીચે રેલવે લાઈન અને ઉપર સડક
આ ડબલ ડેકર પુલની વિશેષતા એ છે કે તેમાં નીચેથી રેલવે લાઈન પસાર થાય છે અને ઉપરના ભાગે સડક બનેલી છે. તેમાં નીચેના ભાગ બે રેલવે લાઈન અને ઉપર થ્રી લેનની સડક બનાવાઈ છે.
મોદી કરશે ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરના રોજ બોગીબીલ પુલમાંથી પસાર થનારી પ્રથમ મુસાફર ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. તિનસુકિયા-નાહરલગુન ઈન્ટરસિટી એક્સપ્રેસ સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે. આસામના તિનસુકિયાથી અરૂણાચલ પ્રદેશના નાહરલગુન સુધીની રેલવેયાત્રામાં લગભગ 10 કલાક કરતાં વધુ સમયનો ઘટાડો થવાની આશા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે