PM Care Fund: રતન ટાટાને PM મોદીએ આપી મોટી જવાબદારી, પીએમ કેયર્સ ફંડમાં ટ્રસ્ટી બનાવ્યા
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ કેટી થોમસ, પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડા અને ઉદ્યોગપતિ રતન ટાટા ટ્રસ્ટી તરીકે પીએમ કેયર્સ ફંડમાં સામેલ થયા છે. ટ્રસ્ટે સલાહકાર સમૂહમાં સભ્યો નોમિનેટ કર્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ પીએમ કેયર્સ ફંડ બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં નવા સભ્યોને સામેલ કરવામાં આવ્યાં છે. મંગળવારે ઉદ્યોગપતિ રતન ટાટા સહિત ઘણા લોકોને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. તો સુધા મૂર્તિને સલાહકાર સમૂહમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નવા સામેલ કરાયેલા ટ્રસ્ટી સામેલ થયા હતા.
બેઠક દરમિયાન પીએમ મોદીએ કેયર્સ ફંડમાં યોગદાન માટે ભારતીયોની પ્રશંસા કરી છે. બેઠક દરમિયાન ફંડની મદદથી ચલાવવામાં આવેલી પહેલોની જાણકારી આપવામાં આવી. તેમાં પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ પણ સામેલ રહી, જેના દ્વારા 4 હજાર 345 બાળકોની સહાયતા કરવામાં આવી રહી છે. પીએમનું કહેવું છે કે નવા ટ્રસ્ટી અને સલાહકારો આવવાથી પીએમ કેયર્સ ફંડના કામને નવી દ્રષ્ટિ મળશે.
આ લોકો થયા સામેલ
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ કેટી થોમસ, પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડા અને ઉદ્યોગપતિ રતન ટાટા ટ્રસ્ટી તરીકે પીએમ કેયર્સ ફંડમાં સામેલ થયા છે. બેઠક બાદ ટ્રસ્ટ તરફથી સલાહકાર સમૂહમાં સભ્યોને નોમિનેટ કરવામાં આવ્યા. તેમાં પૂર્વ કેગ રાજીવ મહર્ષિ, ઇન્ફોસિસ ફાઉન્ડેશના પૂર્વ ચેરપર્સન સુધા મૂર્તિ, ઈન્ડિકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના પૂર્વ સીઈઓ આનંદ શાહનું નામ સામેલ છે.
શું છે પીએમ કેયર્સ ફંડ
પીએમ મોદીની અધ્યક્ષતામાં પીએમ કેયર્સ ફંડ એટલે કે (Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situation Fund) ની શરૂઆત 28 માર્ચ 2020ના કરવામાં આવી હતી. આ ફંડ દ્વારા સરકારનો ઈરાદો કોવિડ-19 જેવી ઇમરજન્સી અને સંકટની સ્થિતિમાં રાહત ઉપલબ્ધ કરાવવાનો છે. આ ફંડ સંપૂર્ણ રીતે લોકો કે સંગઠનો તરફથી મળનાર સ્વૈચ્છિક ફંડથી કામ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે