ઈતિહાસમાં પહેલીવાર બન્યું! શું ખરેખર રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડને હટાવી શકે વિપક્ષી દળો?
વિપક્ષી ઈન્ડિયા બ્લોક જગદીપ ધનખડને પદ પરથી હટાવવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યો છે. વિપક્ષી ગઠબંધને 1.37 કલાકે રાજ્યસભાના સેક્રેટરી જનરલને આ અંગે પ્રસ્તાવ સોંપ્યો છે. જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર 60 સભ્યોના હસ્તાક્ષર છે.
Trending Photos
સંસદમાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે હવે વિપક્ષ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ એકજૂથ થઈ ગયો છે. વિપક્ષી ઈન્ડિયા બ્લોક જગદીપ ધનખડને પદ પરથી હટાવવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યો છે. વિપક્ષી ગઠબંધને 1.37 કલાકે રાજ્યસભાના સેક્રેટરી જનરલને આ અંગે પ્રસ્તાવ સોંપ્યો છે. જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર 60 સભ્યોના હસ્તાક્ષર છે.
મળતી માહિતી મુજબ વિપક્ષી પાર્ટીઓએ બંધારણની કલમ 67-બી હેઠળ ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાની માંગણીને લઈને રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ પદે પણ છે. આ પ્રસ્તાવ પર જો કે સોનિયા ગાંધી અને કોઈ પણ પક્ષના ફ્લોર લીડર્સે હસ્તાક્ષર કર્યા નથી.
કોંગ્રેસ તરફથી જયરામ રમેશ અને પ્રમોદ તિવારીની સાથે જ તૃણમૂલ કોંગ્રેસના નદીમ ઉલ હક અને સાગરિકા ઘોષે આ પ્રસ્તાવ રાજ્યસભાના સેક્રેટરી જનરલને સોંપ્યો. વિપક્ષી પાર્ટીઓએ અવિશ્વાસના પ્રસ્તાવમાં આરોપ લગાવ્યો છે કે તેમને બોલવા દેવામાં આવતા નથી. ચેરમેન પક્ષપાતપૂર્ણ વર્તન કરે છે. વિપક્ષી પાર્ટીઓએ એક દિવસ પહેલાનું ઉદાહરણ રજૂ કરતા કહ્યું કે ટ્રેઝરી બેંચના સભ્યોને બોલવાનો મોકો અપાયો પરંતુ જ્યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે બોલી રહ્યા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા.
જયરામ રમેશે આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને રાજ્યસભાના સભાપતિ પર પક્ષપાતપૂર્ણ રીતે ઉપલા ગૃહની કાર્યવાહીના સંચાલનનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ઈન્ડિયા બ્લોકના ઘટક પક્ષોની પાસે સભાપતિ વિરુદ્ધ ઔપચારિક રીતે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા સિવાય કોઈ વિકલ્પ નહતો.
ALL parties belonging to the INDIA group have had no option but to formally submit a no-confidence motion against the learned Hon'ble Chairman of the Rajya Sabha for the extremely partisan manner in which he has been conducting the proceedings of the Council of States. It has…
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 10, 2024
જયરામ રમેશે રાજ્યસભા સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાને કષ્ટકારી નિર્ણય ગણાવતા વધુમાં કહ્યું કે સંસદીય લોકતંત્રના હિતમાં આ અભૂતપૂર્વ પગલું ભરવું પડ્યું છે. આ પ્રસ્તાવ હાલ રાજ્યસભાના સેક્રેટરી જનરલને સોંપાયો છે. નોંધનીય છે કે આ દેશના સંસદીય ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે કે જ્યારે કોઈ ઉપરાષ્ટ્રપતિને પદેથી હટાવવા માટે વિપક્ષી દળો રાજ્યસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યા છે.
બીજેડીએ અંતર જાળવ્યું?
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પદ પરથી હટાવવા માટે રાજ્યસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવથી બીજુ જનતા દળ (બીજેડી)એ અંતર જાળવ્યું છે. બીજેડીના રાજ્યસભા સાંસદ ડોક્ટર સસ્મિત પાત્રાએ કહ્યું કે આ પ્રસ્તાવ ઈન્ડિયા બ્લોક તરફથી લાવવામાં આવ્યો છે. બીજેડી ઈન્ડિયા બ્લોકનો ઘટક નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે બીજેડી આ પ્રસ્તાવ પર તટસ્થ રહેશે. ડોક્ટર પાત્રાએ એમ પણ કહ્યું કે આ એક એવો વિષય છે કે જેની સાથે અમારે સંબંધ નથી.
શું ખરેખર ઉપરાષ્ટ્રપતિ ધનખડને હટાવી શકે વિપક્ષી દળો?
વિપક્ષી દળોએ રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઈન્ડિયા બ્લોક દ્વારા સદનમાં પક્ષપાતપૂર્ણ કાર્યપદ્ધતિનો આરોપ લગાવતા રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ રજૂ કરાયેલા પ્રસ્તાવ પર કોંગ્રેસ, ટીએમસી, આપ, સપા, ડીએમકે, સીપીઆઈ, અને આરજેડી જેવી પાર્ટીઓના 60 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. બંધારણની કલમ 67બી હેઠળ અવિશ્વાસનો પ્રસ્તાવ આજે રજૂ કરાયો.
શું છે પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા
જો કે વિપક્ષી દળોનું આ પગલું નિષ્ફળ જઈ શકે છે. કારણ કે સંખ્યા વિપક્ષના પડખે નથી. સભાપતિને હટાવવાની પ્રક્રિયા રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરીને શરૂ થઈ શકે. પ્રસ્તાવને સદનમાં એક સભ્ય દ્વારા રજૂ કરવો જોઈએ અને તે દિવસે સદનમાં ઉપસ્થિત 50 ટકા સભ્યો દ્વારા પાસ થવો જોઈએ. જો પ્રસ્તાવ રાજ્યસભામાં પાસ થઈ જાય તો તેને સ્વીકારવા માટે લોકસભા દ્વારા બહુમતથી પાસ થવો જોઈએ. આ પ્રક્રિયા બંધારણની કલમ 67 (બી), 92 અને 100નું પાલન કરે છે.
શું છે કલમ 67 (બી)
ભારતીય બંધારણની કલમ 67 (બી) મુજબ ઉપરાષ્ટ્રપતિને ત્યારે જ હટાવી શકાય છે જ્યારે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ થયો હોય તેને 50 ટકા સભ્યો દ્વારા પાસ કરાયો હોય. ત્યારબાદ લોકસભામાં પણ આ પ્રસ્તાવ પર સહમતી બની હોય. જો કે આ માટે પણ 14 દિવસની નોટિસ આપવાની હોય છે. કલમ 67માં લખ્યું છે કે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને એક લેટર લખીને તેના પર સહી કરીને પોતાનું પદ છોડી શકે છે. જો તેમના પદની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય તો તેમના ઉત્તરાધિકારી પદ ગ્રહણ કરે ત્યાં સુધી તેઓ પદ પર યથાવત રહે છે.
ઉપરાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયા કે ફક્ત મેસેજ આપવાની કવાયત?
સંખ્યા ભેગી કરવા ઉપરાંત, વિપક્ષે અધ્યક્ષને હટાવવા માટે 14 દિવસની નોટિસમાંથી પણ પસાર થવું પડશે. સૂત્રોએ કહ્યું છે કે કોંગ્રેસ આ મુદ્દે નેતૃત્વ કરી રહી હતી અને ટીએમસી-એસપી ઉપરાંત અન્ય ઈન્ડિયા બ્લોક પક્ષોએ પણ તેનું સમર્થન કર્યું. ટીએમસીના એક સૂત્રે કહ્યું કે આ ખુરશી વિશે નથી, આ ભાજપ વિશે છે. સૂત્રોએ કહ્યું કે ઓગસ્ટમાં વિપક્ષી દળ એ વાતથી ચિંતિત હતા કે વિપક્ષના નેતાનું માઈક્રોફોન કથિત રીતે વારંવાર બંધ કરવામાં આવતું હતું. એક અન્ય સૂત્રએ કહ્યું કે વિપક્ષ ઈચ્છે છે કે સદન નિયમો અને પરંપરાઓ અનુસાર ચાલે અને સભ્યો વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી અસ્વીકાર્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે