જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાનું નક્કી, કોઈપણ પક્ષ ગઠબંધન માટે નથી તૈયાર!

કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે તેમનો પક્ષ પીડીપી સાથે કોઈ પ્રકારનું ગઠબંધન નહીં થાય

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાનું નક્કી, કોઈપણ પક્ષ ગઠબંધન માટે નથી તૈયાર!

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં બીજેપી-પીડીપી ગઠબંધન તૂટ્યા પછી રાજ્યમાં રાજ્યપાલ શાસનની ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષ અને  રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે અમે રાજ્યમાં કોઈ બીજા પક્ષ સાથે ગઠબંધન નહીં કરીએ અને કોઈ દળે અમને આવો પ્રસ્તાવ પણ નથી આપ્યો. આ સંજોગોમાં કોંગ્રેસે પીડીપી સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરી દીધો છે.

રાજ્યમાં બીજેપી અને પીડીપીનું ગઠબંધન તૂટ્યા પછી એવી ચર્ચા હતી કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ મળીને સરકાર બનાવવાની ફોર્મ્યુલા કાઢી શકે છે. હાલમાં કોંગ્રેસ પાસે 12 અને નેશનલ કોન્ફરન્સ પાસે 15 સીટ છે અને જો બંને મળી જાય તો પણ 44 સીટનો બહુમતનો આંકડો નહીં સ્પર્શી શકે. 

કોંગ્રેસ તરફથી રાજ્યના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે સ્પષ્ટતા કરી છે કે તેમનો પક્ષ પીડીપી સાથે કોઈ જ પ્રકારનું ગઠબંધન નહીં કરે. આમ, આ બંને પક્ષ મળીને ગઠબંધન કરીને સરકાર બનાવશે એ રસ્તો તો બંધ થઈ ગયો છે. બીજેપી પણ કોઈ પણ રાજકીય પક્ષ સાથે મળીને સરકાર બનાવવાના મૂડમાં નથી. આમ, આ સંજોગોમાં રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગવાનું નક્કી જ છે. 

જમ્મુ-કાશ્મીર સરકારના અંત પછી વિપક્ષી દળ નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાહે રાજ્યપાલ એન.એન. વોરા સાથે મુલાકાત કરીને સ્પષ્ટતા કરી છે કે અમે રાજ્યપાલને કહ્યું છે કે નેશનલ કોન્ફરન્સને 2014માં સરકાર બનાવવા માટે બહુમત નથી મળ્યો અને આજે પણ 2018માં પણ અમે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. રાજ્યમાં જલ્દી ચૂંટણી થવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news