દર વર્ષે 200 અકસ્માત, સેંકડો લોકોનાં મોત... છતાં કેમ સૌથી સેફ માનવામાં આવે છે હવાઈ મુસાફરી?

Nepal Plane Crash : વિમાન દુર્ઘટના પર નજર રાખનારી સંસ્થા એવિએશન સેફ્ટીના આંકડા પ્રમાણે 2017થી 2023ની વચ્ચે દુનિયામાં કુલ 813 પ્લેન ક્રેશ થયા છે. જેમાં કુલ 1473 મુસાફરોનાં મોત થયા છે. સૌથી વધારે વિમાન દુર્ઘટના લેન્ડિંગ દરમિયાન થાય છે

દર વર્ષે 200 અકસ્માત, સેંકડો લોકોનાં મોત... છતાં કેમ સૌથી સેફ માનવામાં આવે છે હવાઈ મુસાફરી?

Delhi News : નેપાળમાં બુધવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ. આ વિમાનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી 18 લોકોનાં મોત થયા. દુર્ઘટનામાં એકમાત્ર પાઈલટનો જ જીવ બચ્યો. આ દુર્ઘટના આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી વિમાન દુર્ઘટના છે. આ પહેલાં માર્ચમાં રશિયાની વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 15 લોકોનાં મોત થયા હતા. નેપાળમાં હવાઈ મુસાફરીને સૌથી અનસેફ માનવામાં આવે છે. તેનું કારણ નેપાળનું પહાડોથી ઘેરાયેલું રહેવું અને ઝડપથી હવામાનમાં ફેરફાર છે. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં યેતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 72 મુસાફરોનાં મોત થયા હતા. છેલ્લાં 24 વર્ષમાં નેપાળમાં વિમાન દુર્ઘટનામાં 350થી વધારે લોકોનાં મોત થયા છે. 

દુનિયામાં વિમાન ક્રેશ:
2017થી 2023ની વચ્ચે નેપાળમાં 7 વિમાન દુર્ઘટના થઈ છે. જેમાં 149 લોકોનાં મોત થયા છે. 2023માં 72 મુસાફરોનાં મોત થયા છે. વિમાન દુર્ઘટના પર નજર રાખનારી સંસ્થા એવિએશન સેફ્ટીના આંકડા પ્રમાણે 2017થી 2023ની વચ્ચે દુનિયામાં કુલ 813 પ્લેન ક્રેશ થયા છે. જેમાં કુલ 1473 મુસાફરોનાં મોત થયા છે. સૌથી વધારે વિમાન દુર્ઘટના લેન્ડિંગ દરમિયાન થાય છે. છેલ્લાં 7 વર્ષમાં લેન્ડિંગ દરમિયાન કુલ 261 દુર્ઘટના થઈ છે. તેના પછી 212 દુર્ઘટના ટેકઓફ દરમિયાન થઈ છે. આ સમયગાળામાં ભારતમાં પણ 14 દુર્ઘટના સર્જાઈ છે. જોકે આ દુર્ઘટનામાં માત્ર એક જ દુર્ઘટના એવી હતી જેમાં મુસાફરોનાં મોત થયા હતા. ઓગસ્ટ 2020માં કેરળના કોઝિકોડ એરપોર્ટમાં એર ઈન્ડિયા એક્સપ્રેસનું બોઈંગ 737-800 લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસીને ક્રેશ થયું હતું. આ વિમાનમાં 190 મુસાફરો પર સવાર હતા, જેમાંથી 21નાં મોત થયા હતા. 

દુર્ઘટના છતાં સૌથી સેફ માનવામાં આવે છે હવાઈ યાત્રા:
આંકડા દર્શાવે છે કે છેલ્લાં 7 વર્ષમાં દર વર્ષે સરેરાશ 200 વિમાન દુર્ઘટના થાય છે. અને વર્ષમાં સેંકડો લોકોનાં મોત પણ થાય છે. તેમ છતાં ફ્લાઈટને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના વાર્ષિક સેફ્ટી રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે 2023માં દુનિયાભરમાં 3.7 કરોડથી વધારે વિમાનોએ ઉડાન ભરી. આ સંખ્યા 2022ની સંખ્યામાં 17 ટકા વધારે છે. તેમ છતાં માત્ર એક વિમાન દુર્ઘટના હતી. જેમાં લોકોનાં જીવ ગયા હતા. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 12.6 લાખ વિમાન ઉડાન ભરે છે ત્યારે એક વિમાન દુર્ઘટના થાય છે. 2022માં 13 લાખથી વધારે વિમાનોની ઉડાન પછી એક અકસ્માત થયો હતો. જો છેલ્લાં 5 વર્ષની સરેરાશ કાઢીએ તો 8.80 લાખ ફ્લાઈટની ઉડાન પર એક દુર્ઘટના થઈ. 

ભારતમાં કેટલી સેફ છે હવાઈ મુસાફરી?:
આંકડા પર નજર કરીએ તો ભારતમાં હવાઈ મુસાફરી સેફ છે. છેલ્લાં 5 વર્ષમાં ભારતમાં માત્ર એક વિમાન દુર્ઘટના થઈ છે જેમાં મુસાફરોનાં મોત થયા હોય. રોડ અને પરિવહન મંત્રાલયના આંકડા દર્શાવે છે કે 2022માં દેશમાં દોઢ લાખથી વધારે રોડ અકસ્માત થયા હતા. આ અકસ્માતમાં 61,000થી વધારે લોકોનાં મોત થયા હતા. જોવા જઈએ તો રોડ અકસ્માતમાં દરરોજ સરેરાશ 167 લોકોનાં જીવ ગયા. તો રેલવે અકસ્માત પણ અટકવાનું નામ લઈ રહ્યા નથી. 2022-23માં કુલ 48 રેલવે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગયા વર્ષે બાલાસોરમાં રેલવે અકસ્માતમાં 300થી વધારે મુસાફરોનાં મોત થયા હતા. તો હાલમાં પશ્વિમ બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસ અને યૂપીના ગોંડામાં ચંડીગઢ-દિબ્રૂગઢ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બની હતી. કંચનજંગા એક્સપ્રેસમાં 10 તો ચંડીગઢ-દિબ્રૂગઢ એક્સપ્રેસ દુર્ઘટનામાં 5 મુસાફરોનાં મોત થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news