મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસે 40 ઉમેદવારોની યાદી જાહેર કરી
નવેમ્બર અને ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, મિઝોરમમાં તમામ બેઠક પર 28 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે
Trending Photos
નવી દિલ્હી/આઈઝોલઃ ઉત્તર પૂર્વમાં કોંગ્રેસની એકમાત્ર સત્તા ધરાવતા રાજ્ય મિઝોરમમાં પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઈ છે. કોંગ્રેસે રાજ્યની તમામ 40 બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસના મુખ્યમંત્રી લાલ થનહવલાને શિરચિપ્પ વિધાનસભા બેઠકની ફરીથી ટિકિટ અપાઈ છે.
નવેમ્બર અને ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, મિઝોરમમાં તમામ બેઠક પર 28 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. મિઝોરમની સાથે જ મધ્યપ્રદેશમાં પણ એ જ દિવસે મતદાન યોજાવાનું છે. આ ઉપરાંત, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 11 ડિસેમ્બરે તમામ રાજ્યોમાં મતગણતરી થશે.
ઉલ્લેખનીય છે કે, મિઝોરમની 40 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ 34 ધારાસભ્ય સાથે સત્તામાં છે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 15 ડિસેમ્બરના રોજ પૂરો થવાનો છે. અહીં ચૂંટણીમાં વીવીપીએટી મશીનનો ઉપયોગ કરાશે.
મિઝોરમમાં કોંગ્રેસ ઉપરાંત મિઝો નેશનલ ફ્રન્ટ અને ભાજપ પણ ચૂંટણી મેદાનમાં છે. અત્યાર સુધી કોંગ્રેસના 4 વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસ છોડી ચૂક્યા છે. આથી, આ વખતે કોંગ્રેસને પોતાનો મિઝોરમનો ગઢ સાચવવા માટે થોડી મહેનત કરવી પડશે એવું લાગી રહ્યું છે.
છત્તીસગઢ વિધાનસભામાં સત્તામાં રહેલા ભાજપની 49 બેઠક અને કોંગ્રેસ પાસે 39 બેઠક ઉપરાંત એક બેઠક બસપા અને એક અપક્ષના ખાતામાં છે. અહી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે, તેમાં છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી પણ એક નવો પક્ષ બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતરેલા છે.
રાજસ્થાનની 200 સભ્યની વિધાનસભામાં સત્તામાં રહેલી ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે અને તેની 163 સીટ છે. કોંગ્રેસ તથા અન્ય પાસે 37 સીટ છે.
મધ્યપ્રદેશમાં 230 બેઠકમાંથી બાજપના 165, કોંગ્રેસ 57, બસપા 4 અને અપક્ષ 3 ધારાસભ્ય છે. અહીં, પણ મુખ્ય ટક્કર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લી ત્રણ ટર્મનથી ચૂંટાતા આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે