કેરળમાં બચાવ -રાહત કાર્ય પૂરજોશમાં ચાલુ, 10000થી વધુ લોકોને બચાવાયા, 19,512 કરોડનું નુકસાન
67 હેલિકોપ્ટર, 24 વિમાન અને 548 મોટરબોટને બચાવ અભિયાનમાં કામે લાગાડાઈ, પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને
બહાર કાઢવા માટે સરકારનું મહાબચાવ અભિયાન
- શનિવારે 10,467 લોકોને સલામત સ્થળે ખસેડાયા
- શનિવારે વધુ 33નાં મોત, કુલ મૃત્યુઆંક 357
- મહારાષ્ટ્ર સરકારે 6.5 ટન ફૂડપેકેટ રવાના કર્યા
- વિવિધ રાજ્યો દ્વારા કરોડોની સહાયની જાહેરાત
- 451 લોકોને હેલિકોપ્ટથી રેસ્ક્યુ કરાયા
- 17 ટન ફૂડપેકેટ હવામાંથી ફેંકવામાં આવ્યા
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)એ શનિવારે કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલા બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી. બેઠકમાં પૂરની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ કેરળના વિવિધ જિલ્લાઓમાં હેલિકોપ્ટર, મોટરબોટ્સ, લાઈફ જેકેટ્સ અને બચાવ ટીમોની ફાળવણી કરવામાં આવી હતી. બેઠકમાં ભોજન, પીવાનું પાણી, દવાઓ અને તેની સાથે-સાથે વિજળી, સંદેશાવ્યવહાર અને પરિવહનની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યું કે, શનિવારે રાજ્યમાં પૂરનાં કારણે વધુ 33 લોકોનાં મોત થયાં છે. વરસાદ અને પૂરને કારણે કેરળમાં મૃતકોની કુલ સંખ્યા 357 પર પહોંચી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પૂરના કારણે રાજ્યને રૂ.19,512 કરોડનું નુકસાન થયું છે. રાજ્યનાં 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યને પૂરને કારણે રૂ.19, 512 કરોડનું નુકસાન થયું છે.)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળ, સેના, હવાઈ દળ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), કોસ્ટ ગાર્ડ અને સીઆરપીએફની ટૂકડીઓને પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોના બચાવ અને સલામત સ્થળે ખસેડવાના અભિયાનમાં મદદ કરવા માટે સુચના આપી હતી.
હાલમાં કેરળમાં 67 હેલિકોપ્ટર, 24 એરક્રાફ્ટ અને 548 મોટરબોટ્સને પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા અને બહાર કાઢવા તથા રાહત કેમ્પમાં રાહત સામગ્રી પહોંચાડવા માટે કામે લગાડવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમે અત્યાર સુધીમાં કેરળના પૂરપ્રભાવિત વિસ્તારોમાંથી 194 લોકોને બચાવ્યા છે અને 10,467 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની કુલ 55 ટીમો વિવિધ વિસ્તારોમાં રાહત-બચાવ અભિયાન ચલાવી રહી છે.
#WATCH Indian Coast Guard rescued a 10-day-old infant from a house in flood-hit East Kadangaloor, in Kerala, earlier today. #KeralaFloods pic.twitter.com/TdbwcJZ0Zy
— ANI (@ANI) August 18, 2018
(ઈન્ડિયન કોસ્ટકાર્ડે 10 દિવસના બાળકને પશ્ચિમ કડાંગલુરમાંથી બચાવ્યો હતો.)
શનિવારે રાજસ્થાન સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 27 સભ્યોની ટીમ ઈન્ડિયન એરફોર્સના વિશેષ વિમાન દ્વારા 12 બોટ લઈને રાહત કામગીરીમાં મદદ કરવા માટે રવાના થઈ છે.
રાજ્ય સરકારની વિનંતીને ધ્યાનમાં રાખીને 6,900થી વધુ લાઈફ જેકેટ્સ, 167 ટાવર લાઈટ્સ, 2,100 રેનકોટ, 1,300 ગમબૂટ અને 152 ચેઈનશો પૂરા પાડવામાં આવ્યા છે.
કેબિનેટ સેક્રેટરીએ ઈન્ડિયન એરફોર્સ, ભારતીય નૌકાદળ અને ઓએનજીસીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીમાં મદદ માટે વધુ 5 હેલિકોપ્ટર રવિવારથી કામે લગાડવા માટે સુચના આપી છે.
કેન્દ્ર સરકારનાં વિવિધ મંત્રાલયો દ્વારા ભોજન, પાણી અને દવાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં 3,00,000 ફૂડપેકેટ, 6,00,000 મેટ્રિક ટન દૂધ, 14,00,000 લીટર પીવાનું પાણી, 1,00,000 લીટર ગંદા પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા 150 પાણી શુદ્ધિકરણ મશીન પૂરા પાડવામાં આવ્યા છે.
ભારતીય રેલવેએ જણાવ્યું કે, ટ્રેન થિરુવનંતપુરમ વાયા ઈરોડ અને મદુરાઈ ચાલી રહી છે. આથી રેલવેએ રાજ્ય સરકારને થિરુવનંતપુરમથી એર્નાકુલમ સુધીના માર્ગમાં આવતા સ્ટેશનો પર ભોજન અને દવાઓ પહોંચાડવા માટે ખાદ્ય પદાર્થો અને દવાઓથી ભરેલી એક વિશેષ ટ્રેન ચલાવવા ઓફર કરી છે.
20 ઓગસ્ટથી કોચીમાં આવેલી નૌકાદળની વિમાન પટ્ટી વ્યવસાયિક વિમાનોના પરિવહન માટે કાર્યરત કરી દેવાશે.
ટેલિકોમ વિભાગે પણ ઈન્ટ્રા-સર્કલ રોમિંગ સુવિધા શરૂ કરી દીધી છે, જેના કારણે કોઈ એક સર્વિસ પ્રોવાઈડરના ઉપભોક્તા અન્ય સર્વિસ પ્રવાઈડરના મોબાઈલ ટાવરનો ઉપયોગ કરી શકશે.
કેરળ રાજ્યમાં આવેલા તમામ ટેલિકોમ ઓપરેટર્સે શુક્રવારથી જ ફ્રી ડેટા અને એસએમએસ સેવાઓ શરૂ કરી દીધી છે. 'સેલ્યુલર ઓન વ્હિલ્સ' તરીકે ઓળખાતા મોબાઈલ ટાવર્સને પણ ઠેક-ઠેકાણે કાર્યરત કરી દેવાયા છે, જેથી કોઈ પણ બ્લોક સંપર્કવિહોણો ન રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે