લોકસભા ચૂંટણી 2019: જો પાર્ટી કહેશે તો જરૂર ચૂંટણી લડીશ- પ્રિયંકા ગાંધી
દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે-ધીમે જામતો જઈ રહ્યો છે, ત્યારે ચૂંટણી પ્રચાર કરવા માટે અમેઠી પહોંચેલા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે,જો પાર્ટી કહેશે તો તેઓ લોકસભા ચૂંટણી લડી શકે છે
Trending Photos
અમેઠીઃ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તરપ્રદેશની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. છેલ્લા ઘણા દિવસથી ઉત્તરપ્રદેશમાં ડેરો નાખીને બેસેલા પ્રિયંકા ગાંધી બુધવારે અમેઠી પહોંચ્યા હતા. અહીં પ્રિયંકાએ એક સવાલ પુછવામાં આવ્યો કે, 'શું તેઓ લોકસભા ચૂંટણી લડશે?' તેના જવાબમાં પ્રિયંકાએ જણાવ્યું કે, "મેં હજુ સુધી નિર્મય લીધો નથી. જો મારી પાર્ટી કહેશે તો હું ચોક્કસ પણે ચૂંટણી લડીશ. મારી ઈચ્છા પાર્ટી માટે કામ કરવાની છે."
પ્રિયંકા ગાંધીનો ચૂંટણી કાફલો આજે તેના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચૂંટણી ક્ષેત્ર અમેઠી ખાતે આવેલી મુસાફિરખાના એ.એચ. ઈન્ટર કોલેજ પહોંચ્યો હતો. અહીં 'મેરા બૂથ, મેરા ગૌરવ' કાર્યક્રમ અંતર્ગત 1956 બૂથના કાર્યકર્તા સાથે પ્રિયંકાની ચૂંટણીલક્ષી તૈયારીઓ સંબંધિત બેઠક યોજાઈ હતી. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓને કેટલાક ગુરુમંત્ર આપ્યા હતા. બેઠક દરમિયાન પ્રિયંકાએ અનેક મુદ્દા પર વાતચીત કરી હતી.
પ્રિયંકાએ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, "તેઓ કેવી રીતે જાણે છે કે હું ક્યાં જાઉં છું અને ક્યારે જાઉં છું? તેમને ક્યાંથી ખબર પડી કે હું ચૂંટણી ઉપરાંત અન્ય સમયમાં જતી નથી." ઉલ્લેખનીય છે કે, યોગીએ કહ્યું હતું કે, પ્રિયંકા અને રાહુલને માત્ર ચૂંટણીના સમયે જ મંદિર યાદ આવે છે.
પ્રિયંકા ગાંધીએ આ બેઠકમાં અમેઠીને 8 ઝોનમાં વહેંચ્યું છે અને દરેક ઝોનની જવાબદારી માટે બૂથ ગૌરવ હેડની નિમણૂક કરી છે. 'મેરા બૂથ, મેરા ગૌરવ' બૂથ એજન્ટ્સ તેને રિપોર્ટ કરશે. આ બેઠકમાં પ્રિયંકા ગાંધીએ બૂથ એજન્ટ્સને પુછ્યું હતું કે, શું તમે રાહુલ ભૈયાને પીએમ તરીકે જોવા માગો છો તો કાર્યકર્તાઓએ 'હા' પાડી હતી.
બેઠક પછી મીડિયા સાથે ચર્ચામાં પ્રિયંકાએ પીએમના નિવેદન પર જણાવ્યું કે, "હું તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવું છું. જોકે, દરેક મુદ્દાનું રાજનીતિકરણ થઈ રહ્યું છે અને અસલી મુદ્દાઓ પર ચર્ચા થતી નથી." પ્રિયંકા ગાંધી પોતાના આ પ્રવાસ દરમિયાન અમેઠી, રાયબરેલી અને અયોધ્યામાં રહેશે. આ દરમિયાન તેઓ કોંગ્રેસને મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે