Lok Sabha Election 2024: ચૂંટણી પહેલા સર્વે, જાણો ક્યાં કયા પક્ષની મજબૂત સ્થિતિ, કોના થઈ શકે સૂપડાં સાફ

Lok Sabha Election 2024: દેશમાં હવે લોકસભા ચૂંટણી નજીક છે. તે પહેલા જ એક સર્વે કરવામાં આવ્યો જેમાં દેશના વિવિધ રાજ્યોમાં મતદારોનો મૂડ ઢંઢોળવાનો પ્રયત્ન થયો. તમને જણાવી દઈએ કે આ સર્વેના આંકડા અંત્યત ચોંકાવનારા છે.

Lok Sabha Election 2024: ચૂંટણી પહેલા સર્વે, જાણો ક્યાં કયા પક્ષની મજબૂત સ્થિતિ, કોના થઈ શકે સૂપડાં સાફ

દેશમાં હવે લોકસભા ચૂંટણી નજીક છે. તે પહેલા જ એક સર્વે કરવામાં આવ્યો જેમાં દેશના વિવિધ રાજ્યોમાં મતદારોનો મૂડ ઢંઢોળવાનો પ્રયત્ન થયો. તમને જણાવી દઈએ કે આ સર્વેના આંકડા અંત્યત ચોંકાવનારા છે. રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, સહિત હિન્દી ભાષી રાજ્યો અને દક્ષિણ ભારતમાં પક્ષોની કેવી સ્થિતિ છે તે આ સર્વે ઉજાગર કરે છે. જાણો સર્વેના તારણો શું કહી રહ્યા છે. 

ઈન્ડિયા ટુડે અને સીવોટર દ્વારા કરવામાં આવેલા આ સર્વેના તારણોમાં જ્યાં ક્યાંક ભાજપ માટે ખુશખબરી આપી રહ્યા છે તો ક્યાંક કોંગ્રેસ માટે ચિંતા વધારે તેવા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે પણ ક્યાંથી સારા સમાચાર આવી રહ્યા છે તે ખાસ જાણો.  

ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશમાં થયેલા સર્વે મુજબ ભાજપનો વોટશેર 49 ટકાથી વધીને 52 ટકા સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપને 70 સીટ મળતી દેખાય છે. આ ઉપરાંત કોંગ્રેસને એક સીટ અને સમાજવાદી પાર્ટીને સાત સીટ મળતી જોવા મળી રહી છે. માયાવતીની પાર્ટીને આ વખતે પણ નિરાશા સાંપડી શકે છે. જ્યારે અનુપ્રિયા પટેલની પાર્ટી અપના દળ જે એનડીએમાં સામેલ છે તેને પણ બે સીટ મળતી જોવા મળી રહી છે. નોંધપાત્ર વાત એ પણ છે કે સર્વેમાં સમાજવાદી પાર્ટીનો વોટશેર પહેલા કરતા વધુ એટલે કે 30 ટકા મળતો જોવા મળી રહ્યો છે. જ્યારે ભાજપ ગઠબંધનને 52.1 ટકા, કોંગ્રેસને 5.5 ટકા મળી શકે છે. યુપીમાં 2019ની ચૂંટણીમાં ભાજપને 49.97 ટકા મતો મળ્યા હતા. જ્યારે સમાજવાદી પાર્ટીને 18.11 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસને ફાળે 6.36 ટકા મત પડ્યા હતા. ભાજપની 8 સીટો ઘટી હતી પણ મતોની ટકાવારી વધી હતી. 

ઉત્તરાખંડ
સર્વેમાં ઉત્તરાખંડમાં સંપૂર્ણ ભગવામય વાતાવરણ જોવા મળી શકે છે. અહીં લોકસભાની પાંચ સીટ છે જે ભાજપના ફાળે જતી હોવા મળી રહી છે. આ ઉપરાંત ભાજપને 58.6 ટકા મત મળતા જોવા મળી રહ્યા છે. 

પંજાબ
પંજાબમાં આમ આદમી પાર્ટી માટે ખુશખબર છે. જો આજે  ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટીનો વોટશેર વધીને 27.2 ટકા પહોંચ્યો છે. ગત ચૂંટણીમાં આપને 1 સીટ મળી હતી. જે વધીને હવે 5 થાય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને 37.6 ટકા, ભાજપને 16.9 ટકા, અકાલી દળને 14.4 ટકા તથા અન્યના ફાળે 3.9 ટકા મત જતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસને 5 સીટ, આમ આદમી પાર્ટીને 5 સીટ અને ભાજપને 2 સીટ મળતી જોવા મળી રહી છે. જ્યારે અકાલી દળને એક જ સીટ મળી શકે છે. ગત વખતે આપને 1, કોંગ્રેસને 8, અકાલી દળને 2 જ્યારે ભાજપને 2 સીટ મળી હતી. 

હરિયાણા
હરિયાણામાં 10 સીટોમાંથી ભાજપ ગઠબંધનને 8 સીટ મળતી જોવા મળી રહી છે. જેમાંથી એક સીટ જેજેપીને મળી શકે છે. જયારે કોંગ્રેસને 2 સીટોનો ફાયદો થઈ શકે છે. કોંગ્રેસને ગઈ વખતે એક પણ સીટ મળી નહતી. 

હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં લોકસભાની 4 બેઠકો છે. સર્વે મુજબ તમામ ચાર સીટો પર ભાજપ જીતી શકે છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે પરંતુ આમ છતાં ભાજપને ફાળે સીટો જઈ શકે છે. વોટશેરની વાત કરીએ તો ભાજપને 60 ટકા અને કોંગ્રેસને 29 ટકા વોટશેર મળતો જોવા મળી રહ્યો છે. જ્યારે 11 ટકા અન્યને મળી શકે છે. 

મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં ભાજપને 58 ટકાથી વધુ મત મળતા જોવા મળી રહ્યા છે. જ્યારે કોંગ્રેસને 38.2 ટકા મત મળવાનું અનુમાન છે. એમપીમાં કુલ 29 બેઠક છે. ગઈ ચૂંટણીમાં ભાજપને 28 બેઠક મળી હતી જ્યારે એક સીટ કોંગ્રેસને મળી હતી. આ વખતે ભાજપને 27 સીટો મળતી જોવા મળી રહી છે જ્યારે કોંગ્રેસની એક સીટ વધી શકે છે. 

છત્તીસગઢ
છત્તીસગઢમાં ભાજપને બંપર ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ભાજપને 10 સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ફક્ત એક સીટ ફાળે આવી શકે છે. ગઈ ચૂંટણીમાં ભાજપે 11માંથી 9 સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસને બે સીટ મળી હતી. હવે આ વખતે એક સીટનું નુકસાન થઈ શકે છે. ભાજપનો વોટશેર પણ વધીને 53.9 ટકા થતો જોવા મળ્યો છે. જ્યારે કોંગ્રેસને 38.2 ટકા મત મળી શકે છે. અન્યને ફાળે 7થી 8 ટકા મત પડી શકે છે. 

રાજસ્થાન
સર્વેમાં ભાજપ રાજસ્થાનમાં ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે. આ વખતે લોકસભામાં ભાજપ 25માંથી 25 બેઠકો જીતી શકે છે. ગઈ ચૂંટણીમાં એનડીએમાં સામેલ હનુમાન બેનીવાલે હનુમાનગઢ સીટથી જીત મેળવી હતી પરંતુ પછી તેઓ ખેડૂતોના મુદ્દે એનડીએથી અલગ થઈ ગયા હતા. ભાજપનો વોટશેર 58.6 ટકા પર પહોંચી શકે છે. જ્યારે કોંગ્રેસને 35 ટકા મત મળી શકે છે. 

કર્ણાટક
કર્ણાટકમાં આ વખતે ભાજપનો વોટશેર વધતો જોવા મળી રહ્યો છે. ભાજપ ગઠબંધનને 52 ટકા વોટશેર મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 42.3 ટકા મત મળી શકે છે. અન્યના ફાળે 4.8 ટકા મત પડી શકે છે. સાઉથ દુર્ગથી આવેલા આંકડા મુજબ જો હાલ ચૂંટણી થાય તો ભાજપને 24 સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસે ચાર બેઠક પર સંતોષ  માનવો પડી શકે. આ વખતે રાજ્યમાં ભાજપ જેડીએસનું ગઠબંધન છે. કર્ણાટકમાં કુલ 28 બેઠકો છે. ગઈ વખતે 25 બેઠકો ભાજપને મળી હતી. કોંગ્રેસને એક બેઠક ગઈ હતી અને એક સીટ જેડીએસને મળી હતી જ્યારે એક અપક્ષના ફાળે ગઈ હતી. 

આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશમાં કુલ 25 લોકસભા બેઠકો છે. જેમાંથી ગઈ વખતે જગનમોહન રેડ્ડીની પાર્ટી YSRCP ને 22 બેઠકો મળી હતી. જ્યારે ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીને 3 બેઠક મળી હતી. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસને ફાળે કશું નહતું. આ વખતે સર્વે મુજબ આંધ્ર પ્રદેશમાં YSRCP ને 41.1 ટકા મત મળી શકે છે. જ્યારે ટીડીપીને 45 ટકા, કોંગ્રેસને 2.7 ટકા અને ભાજપને 2.1 ટકા મત મળતા જોવા મળી રહ્યા છે. હાલ ચૂંટણી થાય તો 25માંથી 17 સીટ ચંદ્રબાબુ નાયડુની પાર્ટીને મળી શકે. જગન મોહન રેડ્ડીની પાર્ટીને 8 બેઠક મળી શકે જ્યારે ભાજપ-કોંગ્રેસ આ વખતે પણ ખાલી હાથે રહેવું પડી શકે છે. 

તેલંગણા
તેલંગણામાં કુલ 17 બેઠકો છે. ગઈ ચૂંટણીમાં ભાજપને 4 બેઠક, કોંગ્રેસને 3, બીઆરએસને 9 અને AIMIM ને એક સીટ મળી શકે છે. જો હાલ ચૂંટણી થાય તો ભાજપને 3 બેઠક, કોંગ્રેસને 10, બીઆરએસને 3 અને AIMIM ને એક સીટ મળી શકે છે. ભાજપને 21.1 ટકા, કોંગ્રેસને 41.2 ટકા, બીઆરએસ 29.1 ટકા મત મેળવી શકે છે. 

તમિલનાડુ
તમિલનાડુની કુલ 39 લોકસભા બેઠકો છે. ગઈ વખતે સીએમ સ્ટાલિનની પાર્ટી ડીએમકેને 24, કોંગ્રેસને 8, AIADMK ને એક, લેફ્ટને 4 અને અન્યને ફાળે 2 બેઠક ગઈ હતી. જ્યારે ભાજપનું ખાતું પણ ખુલ્યું નહતું. હાલ ચૂંટણી થાય તો સત્તાધારી ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન ક્લીન સ્વીપ કરતું જોવા મળે છે. ડીએમકેને 31 બેઠકો, કોંગ્રેસને 8 બેઠકો મળતી જોવા મળે છે. AIADMK, લેફ્ટ, ભાજપ, સહિત અન્ય સ્થાનિક પક્ષોના તો ખાતા પણ ખુલતા જોવા મળી રહ્યા નથી. 

કેરળ
કેરળમાં લોકસભાની કુલ 20 બેઠકો છે. સર્વે મુજબ હાલ ચૂંટણી થાય તો કોંગ્રેસ ગઠબંધનને 18 બેઠકો મળી શકે છે. જ્યારે લેફ્ટ 2 સીટો મેળવી શકે છે. વોટશેરની વાત કરીએ તો ભાજપને 16.5, કોંગ્રેસ ગઠબંધનને 45.7 ટકા, લેફ્ટ ગઠબંધનને 32.3 ટકા અને અન્યના ફાળે 5.5 ટકા મત જઈ શકે છે. 

દિલ્હી
દિલ્હીમાં આ વખતે ફરીથી ભાજપ ક્લીન સ્વીપ કરતો જોવા મળે છે. દિલ્હીની સાતેય બેઠકો ભાજપ જીતી શકે છે. વોટશેરની વાત કરીએ તો તેમાં આમ આદમી પાર્ટી ત્રીજા નંબરે છે. ભાજપને 56 ટકાથી વધુ મત મળતા જોવા મળી રહ્યા છે જ્યારે કોંગ્રેસને 22 ટકાથી વધુ મત મળવાનું અનુમાન છે. આમ આદમી પાર્ટીને 18 ટકા મત મળી શકે છે. 

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં હાલ ચૂંટણી થાય તો મહાવિકાસ આઘાડી ભાજપ, શિંદે અને અજીત પવાર જૂથ પર ભારે પડે એવું જોવા મળી રહ્યું છે. વિપક્ષી ગઠબંધનને 48માંથી 26 સીટો મળતી જોવા મળી રહી છે. જ્યાં ભાજપ ગઠબંધનને 40.5 ટકા મતો મળતા જોવા મળે છે ત્યાં કોંગ્રેસ ગઠબંધનને 44.5 ટકા મત મળતા જોવા મળે છે. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને 22, કોંગ્રેસને 12, શિવસેના ઉદ્ધવ અને એનસીપી (શરદ પવાર)ને 14 સીટો મળે તેવું અનુમાન છે. મહારાષ્ટ્રની કુલ 48 બેઠકો લોકસભા બેઠકો છે. જેમાંથી 2019ની ચૂંટણીમાં 41 બેઠકો એનડીએએ જીતી હતી. જેમાંથી 22 સીટો ભાજપે જીતી હતી. જ્યારે 19 બેઠકો શિવસેનાએ મેળવી હતી. તે સમયે શિવસેનામાં ફૂટ પડી નહતી. એક જ પાર્ટી હતી. કોંગ્રેસ એનસીપીએ મળીને ચૂંટણી લડી હતી. જેમાંથી 6 સીટો પર જીત મળી હતી. તેમાંથી એનસીપીને ચાર સીટો મળી, જ્યારે કોંગ્રેસને એક જ સીટ મળી હતી. જ્યારે ઔરંગાબાદમાં ઔવેસીની પાર્ટી AIMIM ના ઉમેદવારે જીત મેળવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news