દુશ્મનની કેદમાં 60 કલાકઃ વાંચો અભિનંદનની વીરતા અને વતન વાપસીની કહાની

ભારત-પાકિસ્તાન વચ્ચે વધી ગયેલી તંગદીલી અને બંને દેશની વાયુસેનાઓ દ્વારા ચાલેલી ધડબડાટીમાં ભારતનો વીર વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન પાકિસ્તાનના એફ-16 વિમાનનો પીછો કરતા-કરતા એલઓસી પાર કરી ગયો અને ત્યાં તેનું મીગ-21 ફાઈટર જેટ અચાનક દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં પેરાશૂની મદદથી તેને પાકિસ્તીની ધરતી પર ઉતરાણ કરવું પડ્યું, પાકિસ્તાની સેનાએ તેને કબ્જામાં લઈને ભારતનું નાક દબાવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની રણનીતિ સામે પાકિસ્તાનને ઘુંટણિયે પડવું પડ્યું અને ભારતીય પાઈલટને સસન્માન પરત કરવો પડ્યો, જાણો દુશ્મનની કેદમાં વિંગ કમાન્ડર અભિનંદને વિતાવેલા 54 કલાકની ગાથા ....
 

દુશ્મનની કેદમાં 60 કલાકઃ વાંચો અભિનંદનની વીરતા અને વતન વાપસીની કહાની

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં કેદ કરવામાં આવેલા ભારતીય વિંગ કમાન્ડર લગભગ 60 કલાક બાદ સ્વદેશ પરત આવી ગયા છે. વાઘા બોર્ડર પર મોટી સંખ્યામાં લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. પાકિસ્તાને વાઘા બોર્ડર પર ફરજ બજાવતી ભારતની બોર્ડર સિક્યોરિટી ફોર્સને સૌ પ્રથમ અભિનંદનને સોપ્યો હતો અને ત્યાર બાદ વાયુસેના તેમને લઈને રવાના થઈ હતી. બોર્ડર પર તેમનું સ્વાગત કરવા માટે તેમનો પરિવાર પણ દોડી આવ્યો હતો. 

ભારતના વીર પુત્રની વીરતા અને ભારતની તાકાત તથા પરાક્રમનો આ વિજય થયો છે. જાણો ભારતે કેવી રીતે કડક વલણ અને કુટનૈતિક દાવ દ્વાર માત્ર 60 કલાકમાં આ મુશ્કેલ મિશન પુરું કર્યું હતું. 

પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ આતંકવાદી હુમલો થયો. જેના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના અંદર 70 કિમી સુધી ઘુસી જઈને બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચકોટીમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી નાખ્યા. ભારત દ્વારા અચાનક કરવામાં આવેલા આ હુમલાથી ફફડી ગયેલા પાકિસ્તાને જવાબમાં બીજા દિવસે ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો. 

પાકિસ્તાની વિમાનને આવી રીતે તોડી પાડ્યું 

  • 27 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 10 કલાકની આસબાસ ભારતીય સરહદની અંદર પ્રવેશેલા પાકિસ્તાની વિમાન F-16 સહિતની વિમાની ટૂકડીને મીગ-21 ઉડાવી રહેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદને આકાશમાં જ પડકાર આપ્યો. અત્યાધુનિક F-16 વિમાનનો અભિનંદને પીછો કર્યો અને પોતાના વિમાનમાં રહેલી બાયસન મિસાઈલથી તેને તોડી પાડ્યું. એફ-16 વિમાનનો કાટમાળ પણ પીઓકેમાં મળ્યો છે. 
  • અભિનંદનનું વિમાન એલઓસીથી 7 કિમી દૂર પીઓકેના ભિમબેર જિલ્લામાં તુટી પડ્યું હતું. ઘટનાને નજરે જોનારા મોહમ્મદ રઝ્ઝાક ચૌધરીએ જણાવ્યું કે, બુધવારે સવારે 8.45 કલાકે તેમને આકાશમાં ધૂમાડો દેખાયો અને પછી એક ધમાકાનો અવાજ સંભળાયો હતો. 
  • 58 વર્ષના સામાજિક કાર્યકર્તા રઝ્ઝાક ચૌધરીએ જણાવ્યું કે, બે વિમાનમાં આગ લાગી હતી, જેમાંથી એક નિયંત્રણ રેખાની પેલે પાર જતું રહ્યું અને એક વિમાન તેમના ઘરથી એક કિમી દૂર પડ્યું. તેમણે એક પેરાશૂટને જમીન પર નીચે ઉતરતું જોયું. 
  • આથી, સ્થાનિક યુવાનો એ દિશામાં દોડ્યા અને પાઈલટ પાસે પહોંચી ગયા હતા. ભારતીય પાઈલટ અભિનંદને યુવાનોને જોતાં જ પુછ્યું કે, આ પાકિસ્તાન છે કે હિન્દુસ્તાન? આથી, એક યુવકે ચાલાકી વાપરતા કહ્યું કે, આ ભારત છે. આ સાંભળીને વિંગ કમાન્ડર અભિનંદને 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા અને પછી પુછ્યું કે,આ ભારતનું કયું સ્થાન છે? 
  • પેલા યુવાને અભિનંદનને કહ્યું કે, આ કિલાન ગામ છે. આથી, પાઈલટે કહ્યું કે, તેની પીઠમાં ઈજા થઈ છે અને પીવા માટે પાણી જોઈએ છે. અહીં હાજર અન્ય યુવાનો પાઈલટના નારા પચાવી શક્યા નહીં અને તેમણે 'પાકિસ્તાની સેના ઝિંદાબાદ'ના નારા લગાવાનું શરૂ કરી દીધું. 
  • અભિનંદન સમજી ગયા કે આ હિન્દુસ્તાન નહીં પરંતુ પાકિસ્તાન છે. યુવાનોએ તેમને ઘેરી લીધા હતા. આથી, અભિનંદને સ્વબચાવમાં પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી હવામાં ગોળીબાર કર્યો અને પાછળની દિશામાં ભાગવા લાગ્યા. યુવાનો પણ હાથમાં પથરા લઈને તેમની પાછળ દોડ્યા. 
  • આથી, અભિનંદને ફરીથી ગોળીબાર કર્યો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. તેઓ દોડતા-દોડતા રસ્તામાં આવેલા એક નાનકડા તળાવમાં કુદી પડ્યા. અહીં તેમણે પોતાના ખિસ્સામાંથી કેટલાક દસ્તાવેજ અને નકશા કાઢ્યા. તેઓ ઝડપથી તેનો નાશ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. એટલેમાં યુવાનોનું ટોળું આવી પહોંચ્યું. આથી, તેમણે કેટલાક દસ્તાવેજ પાણીમાં ડુબોડી દીધા અને બાકીને કાગળો મોઢામાં ચાવીને ગળી ગયા. 
  • આ દરમિયાન યુવાનોએ તેમના પર હુમલો કરી દીધો અને હથિયાર ફેંકવા મજબૂર કરવા લાગ્યા. કેટલાક યુવાનોએ પાઈલટના હાથ પકડી લીધા અને તેમના પગ પર મારવા લાગ્યા હતા. કેટલાક યુવાનોએ પાઈલટ પર હાથ ઉપાડ્યો, જ્યારે કેટલાક યુવાનો તેમના મિત્રોને એમ ન કરવા સમજાવતા હતા. આ દરમિયાન જ પાકિસ્તાની સેના અહીં આવી પહોંચી અને ભારતીય પાઈલટને પોતાની કસ્ટડીમાં લઈને યુવકોના ચુંગલમાંથી બચાવી લીધો. 
  • અભિનંદન કુમારની નીડરતાથી યુવાનો પણ છક થઈ ગયા હતા. અભિનંદનનું નસીબ સારું હતું કે, આ યુવાનોએ તેમની પિસ્તોલ ઝુંટવી લઈને તેમના પર ગોળી ન ચલાવી, કેમ કે પાઈલટે યુવાનો ઘણા સમય સુધી હંફાવ્યા હતા. પાકિસ્તાની સેના ભારતીય પાઈલટને સેનાના વાહનમાં બેસાડીને ભિમબેર સૈનિક થાણામાં લઈ ગઈ હતી.  

VIDEO: વિંગ કમાન્ડર અભિનંદનના માતા પિતાનું લોકોએ તાળીઓના ગડગડાટથી કર્યુ સન્માન

પાકિસ્તાની સેના સામે પણ ડગ્યા નહીં 
પાકિસ્તાનની સેના દ્વારા ત્યાર બાદ જે વીડિયો બહાર પાડવામાં આવ્યો તેમાં પણ તેમની હિંમત અને શૈર્ય સ્પષ્ટ જોવા મળતું હતું. પાકિસ્તાની સેનાએ સૈનિક થાળામાં અભિનંદનને પ્રાથમિક તબીબી સારવાર આપી અને તેમને ફ્રેશ થવાનો સમય આપ્યો હતો. ત્યાર બાદ તેમને ચા પીવડાવી હતી અને તેમની પુછપરછ કરી હતી. વીડિયોમાં જે રીતે જોવા મળી રહ્યું છે, પાકિસ્તાની સેનાના કબ્જામાં આવી ગયા બાદ પણ અભિનંદનનો આત્મવિશ્વાસ જરા પણ ડગમગ્યો ન હતો કે તેના અંદર ક્યાંય ડર દેખાતો ન હતો. 

વીડિયોમાં પાકિસ્તાની સેનાનો અધિકારી અભિનંદન સાથે સવાલ-જવાબ કરે છે. શરૂઆતમાં તે અભિનંદનનું નામ, કમાન્ડ, સેનામાં પદ અને બેજ નંબર વગેરે માહિતી પુછે છે. અભિનંદન તેનો સાચો જવાબ આપે છે. ત્યાર બાદ પાક. સેનાનો અધિકારી તેમને સૈનિક મિશન અને તેઓ શા માટે નિકળ્યા હતા વગેરે માહિતી પુછવા લાગે છે ત્યારે વિંગ કમાન્ડર એ સવાલોનો જવાબ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દે છે. 

ભારતે અપનાવ્યું કડક વલણ
ભારતે પોતાનો પાઈલટ પાકિસ્તાનના કબ્જામાં આવી ગયો હોવા છતાં પણ પાકિસ્તાન પ્રત્યેનું પોતાનું કડક વલણ જાળવી રાખ્યું. તાબડતોડ પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનર સૈયદ હૈદરને વિદેશ મંત્રાલયમાં બોલાવામાં આવ્યા. ભારતે સૌથી પહેલા તો તેમના દેશે પકડેલા ભારતીય પાઈલટને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર તાબડતોડ સોંપી દેવા જણાવ્યું હતું. આ સાથે જ ભારતે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદની હાજરીના પુરાવા સાથેનું ડોઝિયર પણ સોંપ્યું. 

આંતરરાષ્ટ્રીય દબાણ બનાવ્યું 
ભારતે પોતાની કુટનીતિ અપનાવતાં વિશ્વના દેશોના રાજદૂતોને પણ પાકિસ્તાનમાં રહેલા આતંકીઠેકાણાના પુરાવા આપ્યા અને જણાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદીઓનો ગઢ છે. ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને પકડી લેવાયા અંગે પણ ભારતે સમગ્ર વિશ્વના દેશો તરફથી પાકિસ્તાન પર દબાણ પેદા કરવામાં આવ્યું. આ દરમિયાન ગુરુવારે બપોરે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એવો સંકેત આપવામાં આવ્યો કે, ટૂંક સમયમાં જ ભારત-પાકિસ્તાન વચ્ચે જે તંગદીલી ચાલી રહી છે તેમાં એક સારા સમાચાર આવશે. 

આ સાથે જ ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યું કે, ભારતે કોઈ સૈનિક કાર્યવાહી કરી નથી, પરંતુ માત્ર આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યા છે. જેની સામે, પાકિસ્તાને બુધવારે જ બંને દેશ વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસ બંધ કરી દીધી. ગુરુવારે તેણે પોતાના દેશના તમામ એરપોર્ટ વ્યવસાયિક ઉડ્ડયન માટે બંધ કરી દીધા અને પોતાની વાયુસેનાના વિમાનોની હિલચાલ વધારી દીધી. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, ભારત પોતાની ધતી પર વધુ આતંકવાદી હુમલા સહન નહીં કરે? 

સંયુક્ત રાષ્ટ્રમાં પણ બનાવાયું દબાણ
આ બધી જ ગતિવિધિઓ વચ્ચે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રીતે ભેગા થઈને સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા અંગેનો એક પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવ રજૂ થયા બાદ પાકિસ્તાન સમજી ગયું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તે ઘેરાઈ ચૂક્યું છે. 

આખરે ઈમરાન ખાને કરી જાહેરાત 
ભારતી સેનાનો ગુસ્સો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચારેય તરફથી ઘેરાઈ ગયેલા પાકિસ્તાન પાસે હવે કોઈ માર્ગ બચ્યો ન હતો. આથી, વિંગ કમાન્ડર અભિનંદનને પકડ્યાના 30 કલાક બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાતે ત્યાંની સંસદમાં જાહેરાત કરી કે તેમનો દેશ પકડાયેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને શુક્રવારે 'શાંતિની પહેલ'ના ભાગરૂપે ભારતને પરત સોંપશે. 

ભારતે ગુરુવારે ફરી બતાવ્યા બીજા પુરાવા 
ઈમરાન ખાન દ્વારા ભારતીય પાઈલટને શુક્વારે પરત સોંપવાની જાહેરાત કરાયા બાદ પણ ભારતે પોતાનું કડક વલણ ચાલુ રાખ્યું. ગુરુવારે સાંજે 7 કલાકે ભારતે દેશની ત્રણેય સેનાના પ્રમુખોની એક સંયુક્ત પત્રકાર પરિષદ બોલાવી અને તેમાં પાકિસ્તાનની હરકતો જણાવાઈ. સાથે જ પાકિસ્તાને ભારત સામે જે F-16 વિમાનનો ઉપયોગ કર્યો હતો તેના પુરાવા પણ સોંપ્યા. અમેરિકાએ પાકિસ્તાનને F-16 વિમાન એ શરતે વેચ્યા હતા કે તે આ વિમાનનો ઉપયોગ કોઈ પણ દેશ સામે યુદ્ધ માટે નહીં કરે. પાકિસ્તાને F-16 વિમાનમાંથી છોડેલી અરમાન મિસાઈલનો તુટેલો હિસ્સો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યો. આ મિસાઈલ કોઈ પણ રડારમાં પકડાતી નથી અને તેને માત્ર F-16 વિમાનમાંથી જ ફાયર કરી શકાય છે. આ રીતે, ભારતે ગુરુવારે પણ પાકિસ્તાનનો ચહેરો બેનકાબ કરી દીધો હતો. 

બીજા પેંતરા પણ અપનાવ્યા
પાકિસ્તાને અભિનંદનને સોંપવાની જાહેરાત કર્યા બાદ પણ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈમરાનન ખાનની વાત કરાવા પ્રયાસ કર્યા હતા, પરંતુ પીએમ મોદીએ કોઈ જ વાત કરી ન હતી. અભિનંદનને આગળ કરીને સોદેબાજી કરવાની સ્ક્રિપ્ટ લખવાનો પણ પ્રયાસ કર્યો. જોકે, તેનો કોઈ પેંતરો કામ લાગ્યો નહીં. ભારતે સ્પષ્ટપણે કહી દીધું કે, તે ઈસ્લમાબાદના કોઈ પણ વચનોમાં ફસાશે નહીં. તેણે ભારતીય પાઈલટને વિમાન માર્ગે સ્વદેશ મોકલવાનો ભારતનો પ્રસ્તાવ ફગાવી દઈને અટારી-વાઘા બોર્ડર પરથી સોંપવાનો આગ્રહ રાખ્યો હતો. 

શુક્રવારે સાંજે ભારતને સોંપાયો અભિનંદન
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન દ્વારા ગુરુવારે બપોરે સંસદમાં જાહેરાત કરાયાના લગભગ 30 કલાક બાદ શુક્રવારે મોડી રાત્રે 9.20 કલાકે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને ભારત સોંપાયો હતો. અભિનંદનનું સ્વાગત કરવા માટે વાઘા બોર્ડર પર મોટી સંખ્યામાં લોકો એક્ઠા થયા હતા. 

પાકિસ્તાની રેન્જર્સ દ્વારા જરૂરી કાગળી કાર્યવાહી કર્યા બાદ ભારતની બોર્ડર સિક્યોરિટી ફોર્સને અભિનંદન સોંપવામાં આવ્યો હતો. અભિનંદનની સાથે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના એક અધિકારી અને ભારતીય ડિફેન્સ એટેચ ગ્રૂપના કેપ્ટન જોય થોમસ કુરિયન હતા. 

અભિનંદનની પાકિસ્તાન દ્વારા મુક્તિ કરાયા અંગેની જાહેરાત કરતા એર વાઈસ માર્શળ આર.જી.કે. કપૂરે જમાવ્યું કે, "વાયુસેનાની નિયત કરેલી પ્રક્રિયા મુજબ વિંગ કમાન્ડર અભિનંદનને વિસ્તૃત મેડિકલ ચેક-અપ માટે વાયુસેનાની મેડિકલ હોસ્પિટલમાં લઈ જવાશે. જેનું કારણ એ છે કે, પાઈલટ જ્યારે વિમાનમાંથી કૂદકો મારે છે ત્યારે તેને એક જબરદસ્ત ધક્કો લાગતો હોય છે અને આકાશમાંથી જમીન પર નીચે ઉતરતા સમયે તેનું સમગ્ર શરીર 'જબરદસ્ત ખેંચાણ'નો અનુભવ કરતું હોય છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news