Tahreek- E- Hurriyat: શું છે તહરીક-એ-હુર્રિયત, કોણે બનાવ્યું, કેમ મોદી સરકારે લગાવ્યો પ્રતિબંધ, જાણો

Tahreek-E-Hurriyat J&K Ban: જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા માટે મોદી સરકારે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) બાદ હવે તહરીક-એ-હુર્રિયત પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીરને UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.

Tahreek- E- Hurriyat: શું છે તહરીક-એ-હુર્રિયત, કોણે બનાવ્યું, કેમ મોદી સરકારે લગાવ્યો પ્રતિબંધ, જાણો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક સપ્તાહમાં જમ્મુ કાશ્મીરમાં બીજા કટ્ટરવાદી અને અલગાવવાદી સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે. વર્ષના છેલ્લા દિવસે ગૃહ મંત્રાલયે તહેરીકે હુર્રિયતને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. શું છે આ સંગઠનની ભૂમિકા, જોઈએ આ અહેલવામાં..

જમ્મુ કાશ્મીરની શાંતિ હણવામાં જ્યાં આતંકવાદીઓની વરવી ભૂમિકા છે, ત્યાં પાકિસ્તાન સમર્થક અલગાવવાદી સંગઠનો પણ આતંકવાદીઓનો જ પડછાયો છે. આતંકવાદને દૂર કરવા આવા સંગઠનો પર લગામ લગાવવી જરૂરી છે, ત્યારે કેન્દ્ર સરકારે આ માટેની કવાયત તેજ કરી છે. મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) બાદ કેન્દ્ર સરકારે તહેરીકે હુર્રિયત સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે. આતંકવાદી ગતિવિધિઓમાં સામેલગીરીને કારણે ગૃહ મંત્રાલયે આ સંગઠનને UAPA હેઠળ પ્રતિબંધિત કર્યું છે..

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું છે કે, તહેરીકે હુર્રિયત જમ્મુ કાશ્મીરને UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવે છે. આ સંગઠન જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઈસ્લામિક શાસન પ્રસ્થાપિત કરવા પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. આ જૂથ ભારત વિરોધી એજન્ડા ફેલાવીને જમ્મુ કાશ્મીરને અલગ કરવા માટેની આતંકી પ્રવૃત્તિઓને વેગ આપતું હોવાનું સામે આવ્યું હતું. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિ હેઠળ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી કોઈ પણ વ્યક્તિ કે સંગઠનને તુરંત વિફળ કરી દેવામાં આવશે.

તહેરીકે હુર્રિયત જમ્મુ કાશ્મીરને પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરતું જાહેરનામું પણ કેન્દ્ર સરકારે બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે આ સંગઠનના લોકો આતંકીઓને શ્રદ્ધાંજલિ આપે છે અને સશસ્ત્ર દળો પર પથ્થરબાજીને પ્રોત્સાહન આપે છે. આ સંગઠનના લોકો ભારતના કાયદાને નથી માનતા અને કાશ્મીરને ભારતથી અલગ માને છે. આ જૂથ પર પાકિસ્તાન પાસેથી ફંડ મેળવવાનો પણ આરોપ છે. 

તહેરીકે હુર્રિયત જમ્મુ કાશ્મીર સંગઠન સૈયદ અલી શાહ ગિલાનીએ 2004માં બનાવ્યું હતું. તેની પાછળનો એજન્ડા અલગાવવાદી ચળવળને પ્રોત્સાહન આપવાનો હતો. 2021માં ગિલાનીના મોત બાદ મોહમ્મદ શેહરાઈએ જૂથની કમાન સંભાળી હતી. જે પણ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો ફરે છે..

આ પ્રકારના સંગઠનો ફક્ત જમ્મુ કાશ્મીર જ નહીં પણ સમગ્ર દેશ માટે જોખમી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ જે આતંકી ઘટનાઓ સામે આવી છે, તેની પાછળ આવા જ સંગઠનોનો હાથ હોય છે. કેમ કે તેમના સમર્થન અને મદદ વિના આતંકીઓ ફાવી શકે જ નહીં.

હજુ 27 ડિસેમ્બરે જ ગૃહ મંત્રાલયે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ આ જૂથ પર UAPA હેઠળ 5 વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો. આ જૂથ પણ જમ્મુ કાશ્મીરમાં ઈસ્લામિક શાસન લાગુ કરવા લોકોને ઉકસાવતું હતું.

જ્યારે કોઈ સંગઠને UAPA એટલે કે અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ હેઠળ પ્રતિબંધ મૂકાય છે, ત્યારે તેને કેન્દ્ર સરકાર ગેરકાયદેસર કે આતંકવાદી જાહેર કરી શકે છે. આવા જૂથના સદસ્યોનું અપરાધીકરણ કરી શકાય છે, તેમની સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે. દેશમાં હાલ 43 સંગઠનોને આતંકી સંગઠન જાહેર કરાયા છે. જેમાંથી ઘણા સંગઠનોના વડા જેલમાં સબડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news