સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસીઓની માગ, અત્યાર સુધી 14 રાજીનામા

સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસીઓની માગ, અત્યાર સુધી 14 રાજીનામા

બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર લઘુમતિમાં આવી જવાની સંભાવનાઓ વધી ગઈ છે. શનિવારે કોંગ્રેસ અને જેડીએસના 14 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. જેના કારણે, ગઠબંધન સરકારના ધારાસભ્યોની સંખ્યા 105 થઈ જશે, જ્યારે વિધાનસભામાં બહુમતિ માટે 116નો આંક હોવો અનિવાર્ય છે. આ દરમિયાન રાજીનામું આપનારા ધારાસભ્યો સ્પીકરની ઓફિસમાં રાજીનામું આપ્યા પછી કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા પહોંચ્યા છે. 

કોંગ્રેસના ધારાસભ્યોએ નવો દાવ ખેલતા માગણી કરી છે કે, હવે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે. કોંગ્રેસ અને તેના ધારાસભ્યો છેલ્લા ઘણા સમયથી સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાની માગણી કરતા રહ્યા છે. હવે તેમણે આ અંગે સીધો પડકાર ફેંકી દીધો છે. 

કોંગ્રેસના ધારાસભ્ય વિશ્વનાથને જણાવ્યું કે, અમે અમારા રાજીનામા કર્ણાટક વિધાનસભાના સ્પીકરને સોંપી દીધા છે. તેઓ આ અંગે મંગળવારે નિર્ણય લેશે. વર્તમાન સરકાર પોતાના કામકાજમાં કોઈને વિશ્વાસમાં લઈ શકી નથી, એટલે અમે અમારા પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

કર્ણાટક સરકારના મંત્રી ડી.કે. શિવકુમાર આ રાજકીય સંકટ દૂર કરવા માટે મેદાનમાં આવી ગયા છે અને તેમણે પોતાનાં સ્તરે ધારાસભ્યોને મનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો સાથે તેમની મુલાકાત થઈ છે અને એક પણ ધારાસભ્ય રાજીનામું નહીં આપે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વર અને શિવકુમારે તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરોની એક ઈમરજન્સી મિટિંગ બોલાવી છે. 

ભાજપના સદાનંદ ગૌડાએ જણાવ્યું કે, રાજ્યમાં રાજ્યપાલનું પદ સૌથી મોટું છે. જો તેઓ ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપશે તો અમે તૈયાર છીએ. રાજ્યમાં અમારી પાર્ટી સૌથી મોટી છે અને અમારી પાસે 105 ધારાસભ્યો છે. રાજ્ય વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે જણાવ્યું કે, કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યોનું રાજીનામું તેમની ઓફિસમાં આવ્યું છે. તેઓ અત્યારે રજા પર છે અને આ અંગે સોમવારે ઓફિસ ગયા પછી જ કંઈક કહી શકશે. 

— ANI (@ANI) July 6, 2019

કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા પછી કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલ દિલ્હીથી બેંગલુરુ માટે રવાના થઈ ગયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામી અત્યારે દેશથી બહાર છે અને તેઓ રવિવારે કર્ણાટક પાછા આવે તેવી સંભાવના છે. 

આ ધારાસભ્યોએ આપ્યાં છે રાજીનામાં 
1. પ્રતાપ ગૌડા પાટીલ, કોંગ્રેસ (Pratapgowda patil)
2. શિવરામ હેબાર, કોંગ્રેસ  (Shivaram Hebbar)
3. રમેશ જારખોલી, કોંગ્રેસ (Ramesh jarkiholi)
4. ગોપાલાહ, જેડીએસ (Gopalaiah)
5. મહેશ કુમાતિ હાલી, કોંગ્રેસ (Mahesh Kumati Halli)
6. એચ. વિશ્વનાથ, જેડીએસ (H Vishwanath)
7. નારાયણ ગૌડા, કોંગ્રેસ (Narayan Gowda)
8. બી સી પાટીલ, કોંગ્રેસ (B C Patil)
9. રામલિંગા રેડ્ડી, કોંગ્રેસ (Ramalinga reddy)
10. સૌમ્યા રેડ્ડી, કોંગ્રેસ (Sowmya reddy)
11. બી સુરેશ, કોંગ્રેસ (Byrsthi Suresh)
12. મુનિરથના, કોંગ્રેસ (Munirathna)

કોંગ્રેસના બે ધારાસભ્યો આપી ચૂક્યા છે રાજીનામા
અત્રે જણાવવાનું કે એક જુલાઈના રોજ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને ઝટકો આપતા બળવાખોર ધારાસભ્ય રમેશ ઝરકીહોલી સહિત બે કોંગ્રેસ ધારાસભ્યોએ સોમવારે રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપી દીધુ. વિધાનસભાના અધ્યક્ષ કે.આર.રમેશકુમારને મોકલવામાં આવેલા કન્નડ ભાષામાં હાથથી લખાયેલા પત્રમાં ઝરકીહોલીએ ફરિયાદ કરી હતી કે તેમની પાર્ટીએ ગત વર્ષ મંત્રીમંડળમાંથી તેમને બહાર કરીને તેની વરિષ્ઠતાની 'અવગણના' કરી.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની 225 બેઠકની વિધાનસભામાં ભાજપ પાસે 105 બેઠક છે, જ્યારે કોંગ્રેસની 78 અને જેડી(એસ)ની 37 સીટ છે. બીએસપી અને કેપીજે પાર્ટી પાસે એક સીટ છે. આ ઉપરાંત એક અપક્ષ અને એક સ્પીકર છે. અત્યારે કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ અને જેડી(એસ)ની ગઠબંધન સરકાર છે.

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news