ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1996ની ચૂંટણી પછી બદલાયા ત્રણ વડાપ્રધાન

1996ની ચૂંટણીમાં નરસિમ્હા રાવે તેમની સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલા આર્થિક સુધારાઓનો પ્રચારમાં ઉપયોગ કર્યો હતો, જેની સામે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વ અને કેન્દ્ર સરકારને વિદેશી રોકાણ પર નિયંત્રણ લાવવા માટે દબાણના મુદ્દા સાથે પ્રચાર કર્યો હતો 

ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1996ની ચૂંટણી પછી બદલાયા ત્રણ વડાપ્રધાન

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ પી.વી. નરસિમ્હા રાવે 1991માં એવા સમયે સત્તાસુત્રો હાથમાં લીધા હતા જ્યારે દેશ દેવાળું ફૂંકવાની અણીએ પહોંચી ગયો હતો. તેમણે વડાપ્રધાન પદ ગ્રહણ કર્યું તેના થોડા મહિના પહેલા ચંદ્રશેખર સરકારે ભારતનું 67 ટન સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને યુનિયન બેન્ક ઓફ સ્વિટ્ઝરલેન્ડમાં ગિરવે મુક્યું હતું. નરસિમ્હા રાવની સરકારના માથે ભારતમાં આર્થિક સ્થિરતા લાવવાની સૌથી મોટી જવાબદારી આવી ગઈ હતી. 

ભારત સરકાર પાસે માત્ર ત્રણ અઠવાડિયા ચાલે એટલું જ વિદેશી ભંડોળ હતું. સરકાર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાં અનિવાર્ય બની ગયા હતા. નરસિમ્હા રાવે નાણા મંત્રી તરીકે મનમોહન સિંઘને જવાબદારી સોંપી, જેઓ આજે પણ ભારત દેશમાં ઐતિહાસિક આર્થિક સુધારા લાગુ કરવા માટે ઓળખાય છે. 

ભારતે અનેક માળખાગત સુધારા લાગુ કર્યા. દેશમાં ઔદ્યોગિકરણ લાગુ કરવા માટે એક નવા તબક્કાનો પ્રારંભ થયો. ઘરેલુ બજારમાં એક નવી સ્પર્ધાનો પ્રારંભ થયો. ભારતે વેપાર અને રોકાણ માટે એક નવી ઉદાર નીતિ લાગુ કરી, સાથે જ વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે સરકાર દ્વારા 'લાયસન્સ રાજ'ને અલવિદા કહેવામાં આવી. 

આર્થિક સુધારા માટે નરસિમ્હારાવની લોકોએ જેટલી પ્રશંસા કરી તેટલી જ તેમના કાર્યકાળ દરમિયાન અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના અને તેના પછી દેશભરમાં થયેલા કોમી રમખાણો માટે ટીકા કરવામાં આવે છે. ઘટનાની તપાસ માટે રચવામાં આવેલા લિબ્રહાન કમિશને તેના રિપોર્ટમાં નોંધ્યું કે, આવી ઘટના માટે કેન્દ્ર સરકાર દ્વારા જેટલી સંખ્યામાં સુરક્ષા દળોને ઉતારવા જોઈએ તેટલા મોકલવામાં આવ્યા ન હતા અને તેના માટે વડાપ્રધાન જવાબદાર છે. આ સાથે જ દેશમાં મીડિયા અહેવાલો બાદ એવી પણ ચર્ચા થવા લાગી કે, આ ઘટના માટે દેશમાં શા માટે રાષ્ટ્રપતિશાસન ન લાદી દેવું જોઈએ? 

નરસિમ્હા રાવની સરકારમાં આ ઉપરાંત અનેક ઐતિહાસિક પગલાં લેવામાં આવ્યા, પરંતુ તેઓ ખુદને એક લોકપ્રિય નેતા તરીકે સાબિત કરી શક્યા નહીં. દેશની આઝાદી પછી યોજાયેલી 1951-52ની પ્રથમ લોકસભા ચૂંટણી પછી સતત ચૂંટાતા આવેલા નરસિમ્હા રાવ તેમ છતાં એક વ્યક્તિ તરીકે સફળ સાબિત થયા નહીં. 

1996ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી અને ડાબેરીઓ તથા જનતા દળના ગઠબંધન યુનાઈટેડ ફ્રન્ટનો સીધો પડકાર હતો. નરસિમ્હા રાવે તેમની સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલા સુધારા સાથે પ્રચાર કર્યો હતો. જેની સામે ભારતીય જનતા પાર્ટીએ કટ્ટર હિન્દુત્વની વાત કરી હતી. ભાજપે આ સાથે જ પશ્ચિમના દેશો દ્વારા શા માટે એક સ્વતંત્ર પરમાણુ હથિયાર નીતિ બનાવવામાં આવતી નથી તે મુદ્દાને પણ પ્રચારમાં ઉછાળ્યો હતો.

1996ની ચૂંટણી
લોકસભાની 543 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે 529 બેઠક પર, ભારતીય જનતા પાર્ટીએ 471 બેઠક પર, જનતાદળે 196 બેઠક અને બંને ડાબેરી પક્ષોએ કુલ મળીને 123 સીટ પર ચૂંટણી લડી હતી. જોકે, આ વખતનું પરિણામ કંઈક અલગ જ આવ્યું અને એક પણ પક્ષ બહુમતી માટે જરૂરી 272ના આંકડા સુધી પહોંચી શકી નહીં. 

ભારતીય જનતા પાર્ટી 161 બેઠક પર વિજય સાથે સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી. કોંગ્રેસનો માત્ર 140 બેઠક પર વિજય થયો. જનતા દળે માત્ર 46 સીટ જીતી. ડાબેરી પક્ષોમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાનો 12 બેઠક પર અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ)નો 32 બેઠક પર વિજય થયો. 

સૌથી વધુ ઉમેદવારો 
1996માં સૌથી વધુ કુલ 13,952 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાં 10,635 અપક્ષ ઉમેદવાર હતા. તેમાંથી માત્ર 9 જ વિજયી બન્યા હતા. રાષ્ટ્રીય પક્ષો દ્વારા કુલ 1817 ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેમાંથી 403નો વિજય થયો, જ્યારે રાજ્ય સ્તરની પાર્ટીઓ દ્વારા કુલ 761 ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેમાંથી 129 વિજયી બન્યા હતા. ચૂંટણી પંચમાં નોંધાયેલી ન હોય એવી પાર્ટીઓના પણ 738 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાંથી માત્ર 2 જ વિજેતા બન્યા હતા. 

ભાજપને ક્યાં ફાયદો થયો
ભાજપે 471 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી તે 161 બેઠક જીતવામાં સફળ થઈ હતી. ભાજપને સૌથી મોટો ફાયદો ઉત્તરપ્રદેશમાં થયો હતો. બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાનો તેને ફાયદો મળ્યો અને પાર્ટીએ અહીં 52 સીટ જીતી હતી. ત્યાર પછી સૌથી વધુ મધ્યપ્રદેશમાં 27 સીટ જીતી હતા. આ ઉપરાંત બિહારમાં 18, મહારાષ્ટ્રમાં 18 અને ગુજરાતમાં 16 બેઠકો પર વિજય મેળવ્યો હતો. 

કોંગ્રેસને દક્ષિણમાં નુકસાન
કોંગ્રેસ પાર્ટીને 1991ની ચૂંટણીની સરખામણીએ દક્ષિણના રાજ્યોમાં સૌથી મોટું નુકસાન થયું હતું. તમિલનાડુમાં કોંગ્રેસે 1991માં 28 સીટ જીતી હતી, જેની સામે 1996માં તે એક પણ સીટ જીતી શકી નહીં. પાર્ટીએ મહારાષ્ટ્રમાં 15, મધ્યપ્રદેશમાં 8, કેરળમાં 7, કર્ણાટકમાં 5 સીટ પર વિજય મેળવ્યો. ગુજરાતમાં 10, ઓડિશામાં 16, રાજસ્થાનમાં 12 અને પશ્ચિમ બંગાળમાં માત્ર 9 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. કોંગ્રેસને હિન્દુ મતનો મોટો ફટકો પડ્યો હતો, જેમણે હિન્દુત્વના નામે ચૂંટણી લડનારી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હતા. આ ઉપરાંત, પાર્ટીમાં જે રીતે આંતરિક વિખવાદ હતો તેનું પણ તેને ચૂંટણીમાં નુકસાન પહોંચ્યું હતું. 

વાજપેયી બન્યા 13 દિવસના વડાપ્રધાન
1996ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે વિજેતા બની હતી, આથી રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ અટલ બિહારી વાજપેયીને સરકાર રચવા અને વિશ્વાસનો મત સાબિત કરવા માટે આમંત્રણ આપ્યું હતું. અટલ બિહારી વાજપેયીએ 16મેના રોજ વડાપ્રધાન પદે શપથ લીધા. ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના મુદ્દે ચૂંટાઈને આવી હતી. તેણે અયોધ્યામાં રામ મંદિર બાંધવાનું વચન આપ્યું હતું, દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવાનું વચન આપ્યું હતું. આ બધા મુદ્દાઓને કારણે તેને અન્ય કોઈ પાર્ટીનું સમર્થન મળ્યું નહીં. આથી, 13 દિવસ પછી વાજપેયીને લાગ્યું કે તેઓ સંસદમાં બહુમત સાબિત કરી શકશે નહીં, આથી તેમણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. 

દેવેગૌડા બન્યા વડાપ્રધાન
હવે, સરકાર રચવાની જવાબદારી કોંગ્રેસ પાસે આવી, પરંતુ પાર્ટીએ ના પાડી દીધી. ત્યાર પછી કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. દેવેગૌડાએ યુનાઈટેડ ફ્રન્ટની ગઠબંધન સરકારના વડા બનવાનો નિર્ણય લીધો. જનતા દળની સરકાર બની, જેને કોંગ્રેસ ટેકો આપ્યો. 1 જુન, 1996ના રોજ દેવેગૌડાએ વડાપ્રધાન પદે શપથ લીધા. 

જોકે, જુદી-જુદી વિચારધારા ધરાવતી પાર્ટીઓનો સંઘ લાંબો ચાલ્યો નહીં અને 18 મહિના પછી દેશમાં ફરીથી ચૂંટણી લાગુ કરવાની સ્થિતી ઊભી થઈ. આથી ચૂંટણીનો મોટો ખર્ચ ટાળવા માટે કોંગ્રેસ અને યુનાઈટેડ ફ્રન્ટ દ્વારા સરકારને વધુ ચાન્સ આપવાનો નિર્ણય લેવાયો, પરંતુ નેતા તરીકે એક નવી વ્યક્તિની માગ ઉભી થઈ. આથી, આઈ.કે. ગુજરાલના નામ પર સર્વસંમતિ સાધવામાં આવી. માત્ર બે વર્ષ કરતાં પણ ઓછા સમયમાં આઈ.કે. ગુજરાતે 21 એપ્રિલ, 1997ના રોજ 11મી લોકસભાના ત્રીજા વડાપ્રધાન તરીકે શપથ લીધા. જોકે, તેઓ એક વર્ષ જેટલા પણ સરકાર ચલાવી શક્યા નહીં. દેશમાં માત્ર ત્રણ વર્ષના ગાળમાં જ 1998માં નવી ચૂંટણી આવી ગઈ. 

પરમાણુ અને બેલિસિટ્ક મિસાઈલ કાર્યક્રમ
જોકે, આ સમયગાળામાં નરસિમ્હારાવે દેશના પરમાણુ કાર્યક્રમ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમને લીલી ઝંડી આપી દીધી હતી. તેમણે સંરક્ષણ મત્રીના તત્કાલિન વૈજ્ઞાનિક સલાહકાર અબ્દુલ કલામે નવી સરકારમાં જે વડાપ્રધાન બને તેના હાથે દેશનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું. વાજપેયી પ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યારે જ તેમના વચ્ચે મુલાકાત થઈ હતી, પરંતુ તેમની સરકાર 13 દિવસમાં જ પડી ગઈ હતી અને સમગ્ર કાર્યક્રમ પડતો મુકાયો હતો. 1998માં વાજપેયી જ્યારે બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા ત્યારે 1998માં ભારત દ્વારા પોખરણમાં પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વાજપેયીએ નરસિમ્હા રાવના શબ્દોને યાદ કરતા કહ્યું હતું કે, "સામગ્રી તૈયાર હૈ, તમારે ખાલી વિસ્ફોટ કરવાનો છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

અટલ બિહારી વાજપેયીનરસિમ્હારાવદેવેગૌડાઆઈ.કે. ગુજરાલAtal Bihari VajpayeeNarsimha RaoI. K. GujaralHD Devegaudaલોકસભા ચૂંટણી 2019ચૂંટણી 2019loksabha election 2019Election 2019લોકસભા ચૂંટણીકોંગ્રેસભાજપભારતીય જનતા પાર્ટીCongressbjpનરેન્દ્ર મોદીરાહુલ ગાંધીસોનિયા ગાંધીઅમિત શાહપીએમ મોદીpm modinarendra modisonia gandhirahul gandhiPriyanka Gandhi VadraAmit ShahNCParun jaitlyસામાન્ય ચૂંટણીAssembly by Electionવિધાનસભા પેટા ચૂંટણી 2019loksabha electionElection in IndiaIndia election 2019ગુજરાત લોકસભા સીટ#Lok Sabha Election 2019#Election 2019# લોકસભા ચૂંટણી 2019#ચૂંટણી 2019General Election 2019#ઈતિહાસની અટારીએથી#History of Loksabha ElectionHistory of LS Electionલેટેસ્ટ ન્યૂઝ ઈન ગુજરાતીગુજરાતી સમાચારગુજરાત ન્યૂઝન્યૂઝ ઈન ગુજરાતીlatest news in gujaratigujaratGujarati Newsgujarat newsnews in gujaratiWorld newsઝી 24 કલાકzee 24 kalakઝી ન્યૂઝઝી ગુજરાતી સમાચારZee NewsZee Gujarati NewsયુનુસસલીમYunussalim

Trending news