Google એ વાટ્યો ભાંગરો, આ ભાષાને ભારતની સૌથી 'ભદ્દી' ભાષા ગણાવતા લોકો કાળઝાળ, માફી માંગવી પડી
ગૂગલ સામે કર્ણાટકમાં ખુબ રોષ ફાટી નીકળ્યો છે. વાત જાણે એમ છે કે ગૂગલના સર્ચ એન્જિને મોટો ભાંગરો વાટી નાખ્યો.
Trending Photos
બેંગલુરુ: ગૂગલ સામે કર્ણાટકમાં ખુબ રોષ ફાટી નીકળ્યો છે. વાત જાણે એમ છે કે ગૂગલના સર્ચ એન્જિને મોટો ભાંગરો વાટી નાખ્યો. લોકો સોશિયલ મીડિયામાં આ અંગે ચર્ચા કરવા લાગ્યા. વાત એટલી વધી ગઈ કે રાજ્ય સરકારે ગૂગલને કાનૂની નોટિસ મોકલવાની વાત સુદ્ધા કરી નાખી.
આકરી ટીકા બાદ ભૂલ સુધારી
આ બાજુ તમામ રાજકીય પક્ષોના નેતાઓ પણ આ મામલે ગૂગલની પાછળ પડી ગયા અને ટીકા કરવા લાગ્યા. વાત જાણે એમ છે કે ભારતની સૌથી ભદ્દી (ugliest) ભાષા સર્ચ એન્જિનમાં સવાલ પૂછવામાં આવતા તેનો જવાબમાં કન્નડ ભાષાનું નામ આવતા જ કર્ણાટકના લોકો કાળઝાળ થઈ ગયા. જો કે ખુબ આક્રોશ બાદ ગૂગલે સર્ચ એન્જિન પર આવતા આ જવાબને હટાવી દીધો છે. કંપનીએ લોકોને આ મામલે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે સર્ચના પરિણામમાં તેમનો મત હોતો નથી.
'સદીઓથી કન્નડિગા લોકોનું ગૌરવ રહી છે ભાષા'
કર્ણાટકના કન્નડ, સંસ્કૃતિ અને વનમંત્રી અરવિંદ લિંબાવલીએ પત્રકારોને કહ્યું કે ગૂગલે આ સવાલના જવાબ માટે કાનૂની નોટિસ મોકલવામાં આવશે. જો કે ત્યારબાદ મંત્રીએ ટ્વિટર પર પોતાની નારાજગી પ્રગટ કરી અને ગૂગલને કન્નડિગા લોકોની માફી માંગવાનું કહ્યું. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે કન્નડ ભાષાનો પોતાનો એક ઈતિહાસ છે અને તે લગભગ 2500 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી હતી. મંત્રીએ કહ્યું કે આ ભાષા સદીઓથી કન્નડિગા લોકો માટે ગૌરવ રહી છે.
લિંબાવલીએ ટ્વિટ કરીને કહ્યું કે કન્નડને ખરાબ રીતે દેખાડવું માત્ર કન્નડિગા લોકોના ગૌરવને અપમાનિત કરવાનો ગૂગલનો પ્રયત્ન છે. હું ગૂગલને કન્નડ અને કન્નડિગા પાસે તત્કાળ માફી માંગવા માટે કહું છું. અમારી ખુબસુરત ભાષાની છબી બગાડવા બદલ ગૂગલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરાશે.
If Kannada is now called ugliest language in India, it is merely an attempt by @Google to insult this pride of Kannadigas. Demand apology from @Google ASAP to Kannada, Kannadigas. Legal action will be taken against @Google for maligning the image of our beautiful language! 2/2
— Aravind Limbavali (@ArvindLBJP) June 3, 2021
ગૂગલના પ્રવક્તાએ આ રીતે માંગી માફી
આ અંગે જ્યારે ગૂગલના એક પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે 'સર્ચ હંમેશા સંપૂર્ણ રીતે પરિપૂર્ણ હોતી નથી. અનેકવાર ઈન્ટરનેટ પર ઉલ્લેખિત સામગ્રીના વિશેષ સવાલ માટે આશ્ચર્યજનક પરિણામ હોઈ શકે છે. અમે જાણીએ છીએ કે તે આદર્શ નથી, પરંતુ જ્યારે અમને કોઈ મુદ્દાથી માહિતગાર કરાય છે ત્યારે અમે તત્કાળ સુધારાત્મક કાર્યવાહી કરીએ છીએ અને અમારા Algorithm ને સુધારવા માટે સતત કામ કરીએ છીએ. સ્વાભાવિકપણે તેમાં ગૂગલનો પોતાનો કોઈ મત હોતો નથી અને અમે આ ગેરસમજ બદલ કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચી હોય તો તેના માટે ખેદ વ્યક્ત કરીએ છીએ.'
પૂર્વ CM સહિત અનેક રાજનેતાઓએ કરી ટીકા
આ સમગ્ર મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ પણ ટ્વીટ કરીને ગૂગલની ટીકા કરી. બેંગલુરથી ભાજપના સાંસદ પી સી મોહન સહિત અન્ય નેતાઓએ પણ ગૂગલની ટીકા કરતા તેને માફી માંગવાનું કહ્યું. મોહને ગૂગલ સર્ચનો સ્ક્રિનશોટ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરતા કહ્યું કે કર્ણાટકમાં મહાન વિજયનગર સામ્રાજ્ય તથા કન્નડ ભાષાના સમૃદ્ધ ઈતિહાસ અને અનોખી સંસ્કૃતિ રહી છે. દુનિયાની સૌથી જૂની ભાષાઓમાં સામેલ કન્નડના મહાન વિદ્વાન રહી ચૂક્યા છે. જેમણે 14મી સદીમાં જોફરી ચોસરના જન્મ અગાઉ મહાકાવ્ય લખ્યા હતા. ગૂગલ ઈન્ડિયા માફી માંગો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે