હવે ગુજરાતમાંથી અન્ય સ્થળેથી પણ ઉઠી નવા જિલ્લાની માંગણી બીજીતરફ વાવ-થરાદમાં વિરોધ પ્રદર્શન

ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાને વિભાજીત કરી વાવ-થરાદ નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય બાદ કેટલીક જગ્યાએથી વિરોધના સૂર ઉઠ્યા છે. તો અન્ય જગ્યાએથી પણ નવા જિલ્લાની માંગણીઓ શરૂ થઈ છે. 

 હવે ગુજરાતમાંથી અન્ય સ્થળેથી પણ ઉઠી નવા જિલ્લાની માંગણી બીજીતરફ વાવ-થરાદમાં વિરોધ પ્રદર્શન

ગાંધીનગરઃ બનાસકાંઠાનું વિભાજન કરીને નવા જિલ્લા વાવ-થરાદનું નિર્માણ કરવામાં આવ્યું...નવા જિલ્લાનો મસદો તૈયાર થઈ ગયો છે...તો આ જિલ્લોનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ખાસ દિયોદરમાં પ્રદર્શન વધારે ઉગ્ર જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગુજરાતમાં અન્ય સ્થળેથી પણ જિલ્લાની માગણીઓ શરૂ થઈ છે...ત્યારે ગુજરાતમાં ક્યાં ક્યાંથી ઉઠી છે નવા જિલ્લાની માગણી?..જુઓ આ અહેવાલમાં.

વાવ-થરાદ જિલ્લો બનતાં વિરોધ પ્રદર્શન
ઓગડ જિલ્લો બનાવવા પ્રદર્શન યથાવત્
વિરમગામને જિલ્લો બનાવવા હાર્દિકની માગ
હવે રાધનપુરથી ઉઠી નવા જિલ્લાની માંગણી
નવા જિલ્લાઓ માટે કોંગ્રેસે ગજવ્યો મુદ્દો 

ગુજરાતમાં નવો 34મો જિલ્લો વાવ-થરાદ જાહેર થતાં જ ઠેર ઠેર પ્રદર્શન થઈ રહ્યા છે. ખાસ દિયોદરના લોકોએ ઓગડ જિલ્લો બનાવવા માટે બજારો બંધ રાખ્યા...આવેદનપત્રો આપ્યા, રેલીઓ કાઢી તો હવે આ મુદ્દાને જાણે કોંગ્રેસે ઉપાડી લીધો છે અને કોંગ્રેસે પ્રદર્શન શરૂ કર્યા છે...કોંગ્રેસની માગ છે કે જ્યાં સુધી ઓગડ જિલ્લો બનાવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

ઓગડ જિલ્લાનું વડુમથક દિયોદર રાખવા માટે વિરોધ પ્રદર્શન શાંત નથી થયાં. ત્યાં હવે રાધનપુરને જિલ્લો બનાવવા માટે માગણીઓ શરૂ ગઈ છે. આ માટે પાટણ કોંગ્રેસના નેતાઓએ ઠેર ઠેર પોસ્ટરો લગાવ્યા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના કાર્યક્રમ પહેલા જ આ પોસ્ટરો લગાવવામાં આવતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. આ પોસ્ટરમાં ભાજપ સામે આક્ષેપ લગાવતાં એવું કહેવામાં આવ્યું કે, કોના કારણે રાધનપુર જિલ્લો ન બની શક્યો? રાધનપુરમાં અનેક જગ્યાએ આવા પોસ્ટર લાગ્યા છે.

તો બે ત્રણ દિવસ પહેલા જ અમદાવાદમાંથી વિરમગામ જિલ્લાની માંગણી ધારાસભ્ય હાર્દિક પટેલે કરી હતી. હાર્દિકે એક જનસભાને સંબોધતા છાતી ઠોકીને દાવો કર્યો હતો કે વિરમગામ જિલ્લો બનવાનો જ છે. અને નળકાંઠા તાલુકો બનશે. હાર્દિકના આ નિવેદને ભારે ચર્ચા જગાવી હતી.

તો ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને પણ તાલુકો બનાવવાની માગ ધારાસભ્યએ કરી છે. પ્રવાસન ધામ તરીકે જગવિખ્યાત શામળાજી તાલુકો નથી. પરંતુ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે આવે છે. ત્યારે ધારાસભ્ય પી.સી.બરંડાએ શામળાજી મહોત્સવમાં આ માગણી કરી હતી. બનાસકાંઠામાં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેને લઈ ગાંધીનગરમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ધાનેરા, કાંકરેજ, દિયોદરના ધારાસભ્યો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સરકારના મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી પણ જોડાયા હતા.

બેઠક પછી આવેલા નિવેદનથી એતો સ્પષ્ટ થાય છે કે સરકાર વાવ-થરાદ જિલ્લામાં કોઈ બદલાવ નથી ઈચ્છતી. જો કે કાંકરેજ માટે કોઈ નિર્ણય કર્યો હોય તેમ લાગી રહ્યું છે...ત્યારે હવે એ જોવાનું રહેશે કે સરકાર આગામી સમયમાં શું નિર્ણય લે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news