ગઠબંધનમાં ગાંઠ : 1 મહિનાના હનીમૂન પછી થઈ જશે કર્ણાટક સરકારનો ડિવોર્સ?
હાલમાં કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારનું શાસન છે
Trending Photos
નવી દિલ્હી : કર્ણાટકમાં વિપક્ષમાં એકતાના દાવા સાથે સરકાર બનાવનાર જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે બધું બરાબર નથી. આ સરકારના વડા તરીકે જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ 23 મેના દિવસે મુખ્યમંત્રી પદના સોગંદ લીધા હતા. જોકે શપથવિધિ પછી વિભાગોની ફાળવણી મુદ્દે ભારે ખેંચતાણ થઈ હતી. આ સમસ્યાનો ઉકેલ આવી ગયા પછી હવે કોંગ્રેસે પોતાને નેતાઓની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં કોંગ્રેસના અનેક નેતાઓને મંત્રીપદમાં સ્થાન મળવાની આશા હતા પણ આ આશા પૂરી ન થતા આંતરિક વિદ્રોહની સ્થિતિ સર્જાઈ છે.
ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આપેલી માહિતી પ્રમાણે આ મતભેદ એટલો વધી ગયો છે કે કોંગ્રેસની વિદ્રોહી જુથ હવે બીજેપી સાથે હાથ મેળવીને સરકારને પાડવાના મૂડમાં છે. ન્યૂઝપેપરના રિપોર્ટ પ્રમાણે એવી ચર્ચા છે કે પાંચ જુલાઈએ પોતાનું બજેટ રજૂ કરવા જઈ રહેલી કુમારસ્વામી સરકારને એની પહેલાં જ પાડી દેવામાં આવશે.
આ પરિસ્થિતિ વચ્ચે એક મહિના પહેલાં બહુમતિ સાબિત કરવામાં નિષ્ફળ રહેવાના કારણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેનાર બીજેપી નેતા બી.એસ. યેદિયુરપ્પા એકાએક ફરી સક્રિય થઈ જતા રાજકીય વમળો સર્જાયા છે. તેમણે સોમવારે અમદાવાદ જઈને બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે ખાસ મુલાકાત કરી હતી.
અમદાવાદ પહોંચેલા અમિત શાહ ગઈ કાલે ચિંતન શિબિરમાં હાજરી આપવાના હતા પરંતુ કાર્યક્રમમાં ફેરબદલ થયો હતો અને તેના ઘરે જ મિટિંગનો દોર ચાલુ થયો હતો જો કે આ મુલાકાતો માં સૌથી આશ્ચર્યજનક મુલાકાત હતી કર્ણાટકના પૂર્વ સીએમ બી.એસ. યેદિયુરપ્પા સાથેની 10 મિનિટની મુલાકાત. નવાઈની વાત એ પણ હતી કે આ મિટિંગની જાણ અમિત શાહ અને યેદિયુરપ્પા સિવાય કોઈને નહોતી. જોકે સત્તાવાર જાહેરાત પ્રમાણે યેદિયુરપ્પા અને અમિત શાહ વચ્ચે યોજાયેલી મિટિંગ 2019ની લોકસભાની ચૂંટણીના આયોજનની તૈયારીના ભાગરૂપે હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે