CBI ચીફ આલોક વર્માને રજા પર ઉતારી દેવાતા કોંગ્રેસ કાળઝાળ, આજે ધરણા ધરશે
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ના ડાઈરેક્ટરને પરાણે રજા પર ઉતારી દેવાના કેન્દ્ર સરકારના આદેશ વિરુદ્ધ કોંગ્રેસ આજે દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટર તથા રાજ્યોના પાટનગરમાં સીબીઆઈના કાર્યાલયો સામે ધરણા પ્રદર્શન કરશે.
Trending Photos
નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ના ડાઈરેક્ટરને પરાણે રજા પર ઉતારી દેવાના કેન્દ્ર સરકારના આદેશ વિરુદ્ધ કોંગ્રેસ આજે દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટર તથા રાજ્યોના પાટનગરમાં સીબીઆઈના કાર્યાલયો સામે ધરણા પ્રદર્શન કરશે. રાજધાની દિલ્હીમાં આ પ્રદર્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થાય તેવી શક્યતા છે.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી સીબીઆઈના ચીફ વિરુદ્ધના આદેશને તરત પાછો લેવાની માગણી સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી આ સમગ્ર મામલે દેશ પાસે માફી માંગવાની માગણી કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી ગુરુવારે રાજસ્થાનના પ્રવાસેથી પાછા ફર્યા બાદ આ મુદ્દે પત્રકાર પરીષદ બોલાવી શકે છે. કોંગ્રેસે બુધવારે સીબીઆઈના ડાઈરેક્ટરને રજા પર ઉતારી દેવાના મામલાને એજન્સીની સ્વતંત્રતા ખતમ કરવાની છેલ્લી કવાયત ગણાવ્યો.
સરકારે કહ્યું-સીબીઆઈમાં આ કાર્યવાહી જરૂરી હતી
આ બાજુ કેન્દ્ર સરકારે આ કાર્યવાહીનો બચાવ કરતા તેને અનિવાર્ય ગણાવી હતી. સરકારે દલીલ આપી છે કે સીબીઆઈના સંસ્થાગત સ્વરૂપને જાળવી રાખવા માટે આ કાર્યવાહી જરૂરી હતી. નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે સીબીઆઈના બે ટોચના અધિકારીઓને હટાવવાનો સરકારનો આ નિર્ણય કેન્દ્રીય સતર્કતા આયોગ (સીવીસી)ની ભલામણો પર આધારિત છે.
રજા પર ઉતારી દેવાયા છે રાકેશ અસ્થાના અને આલોક વર્માને
ઉલ્લેખનીય છે કે વિવાદના કેન્દ્રમાં આવેલા આલોક વર્મા અને સીબીઆઈના સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાનાને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ મંગળવારે મોડી રાતે આદેશ જારી કરીને રજા પર ઉતારી દીધા છે. વડાપ્રધાનના નેતૃત્વવાળી નિયુક્તિ સમિતિએ મંગળવારે રાતે એક આદેશ જારી કરીને એજન્સીના ડાઈરેક્ટરનો ચાર્જ જોઈન્ટ ડાઈરેક્ટર એમ.નાગેશ્વર રાવને સોંપી દીધો.
કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે સરકારે 'રાફેલ-ફોબિયા'થી ઊભી થયેલી સમસ્યા પર જવાબદારીમાંથી બચવા અને અગ્રણી તપાસ એજન્સી પર નિયંત્રણ મેળવવા માટે વર્માને હટાવ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે