ભારત રત્ન વાજપેયીને શ્રદ્ધાંજલિઃ પ્રખર વક્તા, મહાન રાજનેતા અને ઓજસ્વી વ્યક્તિત્વના ધની એટલે અજાતશસ્ત્રુ અટલજી
આજે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી છે. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1924માં ગુલામ ભારતના ગ્વાલિયર સ્ટેટમાં થયો હતો. વર્ષ 1996માં તે પહેલીવાર ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા. આ પદ પર તે ત્રણ વખત આસીન થયા. 16 ઓગસ્ટ 2018ના રોજ આ ફાની દુનિયાને વાજપેયીએ અલવિદા કહ્યું.
- રાજનીતિના અજાત શત્રુ હતા અટલ બિહારી વાજપેયી
- જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાનનો આપ્યો નારો
- 25 ડિસેમ્બર 1924માં ગ્વાલિયર સ્ટેટમાં જન્મ થયો
- ત્રણ વખત ભારતના પ્રધાનમંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું
Trending Photos
જયેશ જોશી, અમદાવાદઃ 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની રચના પછીના પાર્ટીના પહેલા અધિવેશનમાં પહેલા અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે - ભારતના પશ્વિમી ઘાટને મંડિત કરનારા મહાસાગરના કિનારે ઉભો રહીને હું ભવિષ્યવાણી કરવાનું સાહસ કરું છું કે અંધારું દૂર થશે, સૂરજ નીકળશે, કમળ ખીલશે. 40 વર્ષ પહેલાં અટલજીએ કરેલી આ ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઈ રહી છે. 2 સાંસદોથી શરૂઆત કરનારી ભાજપના અત્યારે લોકસભામાં 303 સાંસદ છે અને 2014 અને 2019માં બીજીવાર પ્રચંડ બહુમત સાથે કેન્દ્રમાં સરકાર છે. ત્યારે આવી જ પાર્ટીના પહેલા અધ્યક્ષની રાજકીય સફરની માહિતી મેળવીએ.
રાજનીતિમાં વાજપેયીનો અનોખો વિક્રમઃ
પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયી દેશના એકમાત્ર એવા રાજનેતા હતા જે ચાર રાજ્યની 6 લોકસભા વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા હતા. ઉત્તર પ્રદેશના લખનઉ અને બલરામપુર, ગુજરાતના ગાંધીનગર, મધ્ય પ્રદેશના ગ્વાલિયર અને વિદિશા અને દિલ્લીની નવી દિલ્લી સંસદીય સીટ પરથી ચૂંટણી જીતનારા વાજપેયી એકમાત્ર નેતા હતા.
1951માં શ્યામાપ્રસાદ મુખર્જી સાથે જનસંઘની સ્થાપના:
અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924માં થયો. આ દિવસને ભારતમાં મોટો દિવસ કહેવામાં આવે છે. વાજપેયી 1942માં રાજનીતિમાં તે સમયે આવ્યા, જ્યારે ભારત છોડો આંદોલન દરમિયાન તેમના ભાઈ 23 દિવસ માટે જેલમાં ગયા. 1951માં RSSના સહયોગથી ભારતીય જનસંઘ પાર્ટીની રચના થઈ. તો શ્યામાપ્રસાદ મુખર્જી જેવા નેતાઓની સાથે અટલ બિહારી વાજપેયીની મહત્વની ભૂમિકા રહી. વર્ષ 1952માં અટલ બિહારી વાજપેયીએ પહેલી વાર લખનઉ લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા પરંતુ સફળતા મળી નહીં. તે ઉત્તર પ્રદેશની એક લોકસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં ઉતર્યા હતા, જ્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
નેહરુએ કહ્યું હતું કે આ વ્યક્તિ જરૂર પ્રધાનમંત્રી બનશે:
અટલ બિહારી વાજપેયીને પહેલી સફળતા 1957માં મળી હતી. 1957માં જનસંઘે તેમને ત્રણ લોકસભા બેઠક લખનઉ, મથુરા અને બલરામપુરથી ચૂંટણીમાં ઉભા કર્યા. લખનઉમાં તે ચૂંટણી હારી ગયા. મથુરામાં તેમની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ. પરંતુ બલરામપુર સંસદીય બેઠકથી તે ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા. વાજપેયીના અસાધારણ વ્યક્તિત્વને જોઈને તે સમયના વર્તમાન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂએ કહ્યું હતું કે આવનારા દિવસોમાં આ વ્યક્તિ ચોક્કસ પ્રધાનમંત્રી બનશે.
1980માં ભાજપના પહેલા અધ્યક્ષ બન્યા:
ઈમરજન્સી પછી 1977માં થયેલી લોકસભાની ચૂંટણીમાં જનતા પાર્ટીની જીત થઈ હતી અને તે મોરારજી દેસાઈના નેતૃત્વવાળી સરકારમાં વિદેશ મામલાના મંત્રી બન્યા. વિદેશ મંત્રી બન્યા પછી વાજપેયી પહેલા એવા નેતા હતા જેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘને હિંદી ભાષામાં સંબોધન કર્યું. તેના પછી જનતા પાર્ટી આંતરકલહના કારણે વિખેરાઈ ગઈ અને 1980માં વાજપેયીની સાથે જૂના દોસ્ત પણ જનતા પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા. વાજપેયી ભાજપના પહેલાં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને તે કોંગ્રેસ સરકારના સૌથી મોટા ટીકાકારોમાં જાણીતા બની ગયા.
1996માં 13 દિવસની સરકારના પ્રધાનમંત્રી બન્યા:
1994માં કર્ણાટક, 1995માં ગુજરાત અને મહારાષ્ટ્રમાં પાર્ટી જ્યારે ચૂંટણી જીતી ગઈ. તેના પછી પાર્ટીના તત્કાલીન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ વાજપેયીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. વાજપેયીજી 1996થી લઈને 2004 સુધી ત્રણ વખત પ્રધાનમંત્રી બન્યા. 1996ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી અને વાજપેયી પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા. જોકે તેમની સરકાર 13 દિવસમાં સંસદમાં બહુમત હાંસલ ન કરી શકતા પડી ગઈ.
1999માં પૂર્ણકાલીન સરકારના પ્રધાનમંત્રી રહ્યા:
1998માં ફરી એકવાર લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને વધારે સીટો મળી અને કેટલીક અન્ય પાર્ટીઓના સહયોગથી વાજપેયીએ એનડીએની રચના કરી. અને તે ફરી પ્રધાનમંત્રી બન્યા. આ સરકાર 13 મહિના સુધી ચાલી. પરંતુ વચ્ચે જયલલિતાની પાર્ટીએ સરકારનો સાથ છોડી દીધો. જેના કારણે સરકાર પડી ગઈ. 1999માં ફરી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સત્તામાં આવ્યું અને આ વખતે વાજપેયીએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો.
ભાષણ આપવાની કલાના દરેક હતા દીવાના:
વાજપેયી પોતાના ભાષણોમાં એકબાજુ જ્યાં વિરોધીઓ પર નિશાન સાધતા હતા. તો બીજી બાજુ ભાષણની વચ્ચે કવિતાઓ સંભળાવીને બધાનું મન મોહી લેતા હતા. ભારતના રાજકીય ઈતિહાસમાં અટલ બિહારી વાજપેયીનું સંપૂર્ણ વ્યક્તિત્વ શિખર પુરુષના રૂપમાં નોંધાયેલું છે. તેમના ભાષણના બધા કાયલ રહ્યા.જ્યારે તે સદનમાં બોલતા હતા તો દરેક તેમને સાંભળવા ઈચ્છતા હતા.
' આજે પ્રધાનમંત્રી છું, થોડી વાર પછી નહીં રહુ. પ્રધાનમંત્રી બનતા સમયે મારું હ્રદય આનંદથી ઉછળવા લાગ્યું એવું થયું નહીં અને એવું નથી કે બધું છોડીને ચાલ્યો જઈશ તો મને કોઈ દુખ થશે'
' અમારા પ્રયાસોની પાછળ 40 વર્ષોની સાધના છે. આ કોઈ આકસ્મિક જનાદેશ નથી, કોઈ ચમત્કાર થયો નથી. અમે મહેનત કરી છે. લોકોની વચ્ચે ગયા છીએ. અમે સંઘર્ષ કર્યો છે. આ પાર્ટી 365 દિવસ ચાલનારી પાર્ટી છે. આ કોઈ ચૂંટણીમાં મશરૂમની જેમ ઉભી થનારી પાર્ટી નથી.'
'હું પત્રકાર બનવા માગતો હતો, બની ગયો પ્રધાનમંત્રી. આજકાલ પત્રકાર મારી હાલત ખરાબ કરી રહ્યા છે. હું ખોટું લગાડતો નથી. કેમ કે હું પહેલાં આવી કરી ચૂક્યો છું'
'ભારત અને પાકિસ્તાનને સાથે લાવવાનો એક માર્ગ એ છે કે બંને દેશોમાં સિંધી બોલનારા પ્રધાનમંત્રી બની જાય. જે મારી ઈચ્છા હતી તે પાકિસ્તાનમાં તો પૂરી થઈ ગઈ છે પરંતુ ભારતમાં આ સપનું પૂરું થવાનું બાકી છે.'
ઈન્દિરા ગાંધીને વ્યંગમાં આપ્યો જવાબ:
1971માં એક સભામાં વાજપેયીએ કહ્યું હતું કે ઈન્દિરા ગાંધી આજકાલ મારી સરખામણી હિટલર સાથે કરે છે. એક દિવસ તેમણે ઈન્દિરાજીને પૂછ્યું હતું કે તે તેમની સરખામણી હિટલર સાથે કેમ કરે છે. તો ઈન્દિરા ગાંધીએ જવાબ આપ્યો હતો કે તમે હાથ ઉંચા કરીને સભાઓમાં બોલે છે, આથી હું તેમની સરખામણી નાઝી સાથે કરું છું. તેના પર વાજપેયીએ ટિપ્પણી કરી અને લોકોએ ખૂબ મજા લીધી. તેમણે કહ્યું કે શું હું તમારી જેમ પગ ઉંચા કરીને ભાષણ આપું. આ તેમનો વ્યંગ કરવાનો પ્રકાર હતો. આ પ્રકારના વ્યંગ તેમના ભાષણને રોચક બનાવતા હતા. તેમના ભાષણમાં રોચકતાની સાથે-સાથે ગંભીર મુદ્દા ઉઠાવતા હતા. જે કોઈપણ રાષ્ટ્રીય નેતાના ભાષણમાં હોવા જોઈએ.
અટલ બિહારી વાજયેપીના 10 અજોડ નિર્ણય:
જ્યારે વાજપેયી સ્થિર સરકારના પ્રધાનમંત્રી બન્યા. તો તેમણે એવા અનેક નિર્ણય લીધા. જેમણે ભારતની રાજનીતિને હંમેશા માટે બદલી નાંખી. તે વાજપેયીની કુશળતા જ કહેવામાં આવશે કે તેમણે એક પ્રકારે દક્ષિણ પંથની રાજનીતિને ભારતીય જનમાનસ પર એ પ્રકારે ફેલાવી કે જેના કારણે એક દાયકા પછી ભાજપે તે બહુમત હાંસલ કરી બતાવ્યો. જેની એક સમયમાં કલ્પના પણ કરવામાં આવતી ન હતી. પ્રધાનમંત્રી તરીકે તેમણે કયા 10 નિર્ણયો લીધા જેની અસર લાંબા સમય સુધી ભારતીય રાજનીતિ પર રહેશે તેના પર નજર કરીએ.
1. ભારતને જોડવાની યોજના
2. ખાનગીકરણને સમર્થન- રોકાણની શરૂઆત
3. સંચાર ક્રાંતિનો બીજો તબક્કો
4.સર્વ શિક્ષા અભિયાન
5. પોખરણનું પરીક્ષણ
6. લાહોર-આગ્રા સમિટ અને કારગિલ-કંદહારની નિષ્ફળતા
7. પોટા કાયદો
8.સંવિધાન સમીક્ષા આયોગની રચના
9. જાતિગત જનગણના પર રોક
10. રાજ ધર્મનું પાલન
અટલ બિહારી વાજપેયી ભલે આજે દુનિયામાં રહ્યા નથી. પરંતુ તેમણે કરેલા કાર્યો થકી તે આજે પણ દરેક ભારતીયોના દિલમાં જીવંત છે. અને હજારો વર્ષો સુધી જીવંત રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે