કોંગ્રેસનાં જમાનામાં જવાનો શહીદ થતા હતા, હવે સર્જીકલ સ્ટ્રાઇક કરે છે: શાહ

એનડીએનાં શાસનમાં ન માત્ર સૈન્ય બળવાન બન્યું પરંતુ સૈન્યનાં જવાનો પણ તમામ રીતે મજબુત બન્યા છે, રાજસ્થાને દેશને સૌથી વધારે જવાનો આપ્યા

કોંગ્રેસનાં જમાનામાં જવાનો શહીદ થતા હતા, હવે સર્જીકલ સ્ટ્રાઇક કરે છે: શાહ

સીકર : વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજસ્થાનની રાજનીતિ ગરમાતી જાય છે. બીજી તરફ આજે એટલે કે ગુરૂવારે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સિકર અને બિકાનેરની મુલાકાતે છે. અમિત શાહે કહ્યું કે, એક સમય હતો કે સોનિયા ગાંધી અને મનમોહન સિંહની સરકાર હતી જ્યારે સરહદ પર ગોળીબાર થતો હતો અને આપણા જવાનો શહીદ થતા હતા. પરંતુ હવે મોદી સરકારે પીઓકેમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઇક કરી અને બદલો લીધો. 

બીજી તરફ એનડીએ સરકારનાં સમયમાં જવાનો માટે થયેલા કાર્યોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, રાજસ્થાને દેશને સૌથી વધારે જવાનો આપ્યા છે. દેશનો જવાન 46 ડિગ્રી કરતા પણ વધારે તાપ અને હાડ થીજાવતી ઠંડીમાં તપીને દેશની સેવા કરે છે અને જરૂર પડ્યે પોતાનાં પ્રાણની પણ આહુતી આપે છે. તેમ છતા પણ તેમનાં દેશપ્રેમમાં ઘટાડો નથી થયો. કોંગ્રેસનાં રાજમાં સેનાનો અવાજ કોઇએ નથી સાંભળ્યો પરંતુ ભાજપની સરકારે સેનાનાં જવાનોની માંગણીઓ પુરી કરી. 

4 વર્ષમાં અમે 3 લાખ પૂર્વ સૈનિકોને કામ આપ્યું. અમારી સરકારે સૈનિકોનાં સ્વાસ્થયની સંભાળ માટે 1200 હોસ્પિટલમાંથી 2600 હોસ્પિટલ કરી દીધી. જ્યારે રાજ્ય સરકારે પણ પૂર્વ સૈનિકોનાં પેંશન ચાલુ કરી દીધા છે. જ્યારે રાજે સરકારનાં વખાણ કરતા તેમણે કહ્યું કે, દેશની રાજે સરકાર જ એકમાત્ર એવી સરકાર છે જે પોતાનાં રાજ્યનાં દરેક શહીદનાં ઘરે પહોંચી છે. 

બીજી તરફ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી પોતાની આંખો પર ઇટાલિયન ચશ્મા લગાવીને બેઠા છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે સેનાને આધુનિક સૈન્ય બનવાનો પ્રયાસ કર્યો. 2022 સુધીમાં સેનાં અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ સેના બનશે. એનડીએનાં કાર્યકાળમાં જ સેના માટે વન રેંક વન પેંશન ચાલુ કર્યું. ખેડૂતોનું દેવું માફ કર્યું. પાકની કિંમતો વધારવાનું કામ પણ અમારી સરકારે કર્યું. 

કોંગ્રેસ આ બધા કામની કલ્પનાં પણ કરી શકે નહી. અમે વળતર વધારીને બમણું કર્યું. જ્યારે પાક નિષ્ફળ જાય તો મળનારા વળતરની કિંમત 33 ટકા કરી દીધી. વડાપ્રધાન મોદીની ભાજપ સરકારે ખેડૂતોની ચિંતા કરી અને તેને લાભ  દેવા માટેનું કામ પણ કર્યું. ગરીબોનું ઉત્થાન કર્યું. અમારી સરકારે 13 કરોડ યુવાનોને નોકરી આપી પરંતુ કોંગ્રેસ લોકોને જાતીમાં વહેંચવાનું કામ કરતી રહી.તેમણે ભાષણનાં અંતે રાજસ્થાનમાં ફરી ભાજપનો ઝંડો લહેરાવવા માટેનો સંકલ્પ કર્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news