શેરબજાર કકડભૂસઃ સેન્સેક્સમાં 806 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 10,600ની નીચે બંધ

ડોલરની સામે રૂપિયો નબળો પડતાં કારોબારીઓને મોટું નુકસાન, આઈટી, ઓટો, ફાર્મા અને રિઅલ્ટીના શેરોમાં સૌથી વધુ નુકસાન 

શેરબજાર કકડભૂસઃ સેન્સેક્સમાં 806 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 10,600ની નીચે બંધ

મુંબઈઃ ગુરૂવારે શેરબજારમાં બારે અફરાતરફીનો માહોલ રહ્યો. દિવસ દરમિયાન 600 પોઈન્ટની વધઘટ બાદ સાંજે સેન્સેક્સ 806.47 પોઈન્ટ ઘટીને 35,169 પર બંધ રહ્યો અને નિફ્ટી 259 પોઈન્ટ તુટીને 10,599.25 પર બંધ રહ્યો. બજારમાં અફરાતફરીનો અંદાજ એ બાબતથી લગાવી શકાય કે સેન્સેક્સમાં 31 કંપનીના શેરમાંથી માત્ર 6 શેર જ લીલા રંગના નિશાન પર બંધ રહ્યા, બાકીના તમામ લાલ નિશાન પર બંધ રહ્યા. નિફ્ટીમાં પણ 39 શેરમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે માત્ર 11 શેર જ તેજીમાં બંધ થયા. 

પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ઘટાડતાં ઓઈલ કંપનીઓ તુટી 
નાણા મંત્રી અરૂણ જેટલી દ્વારા પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લીટર રૂ.2.50નો ઘટાડો કરવાની જાહેરાતની સાથે જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓના રોકાણકારોમાં હાહાકાર મચી ગયો. નિફ્ટીમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ (22.44%), બીપીસીએલ (18.88%), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એટલે કે આઈઓસી (18.24%), ઓએનજીસી (9.98%), રિલાયન્સ (8.02%)નો ઘટાડો જોવા મળ્યો. 

સૌથી વધુ તુટનારી કંપનીઓ
ગુરૂવારે સેન્સેક્સમાં સૌથી વધુ તુટનારા શેરમાં રિલાયન્સ (7.03%), આઈશર મોટર્સ (7.47%), ગેલ (6.52%), હીરો મોટોકોર્પ (5.45%), ટીસીએસ (4.54%), અદાણી પોર્ટ્સ (4.17%), સન ફાર્મા (3.70%), એચડીએફસી બેન્ક (3.46%), બજાજ ઓટો (3.04%) અને ઈન્ડસઈંડ બેન્ક (3.03%)નો સમાવેશ થાય છે. 

કારોબાર શરૂ થતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં અફરાતફરી
કારોબારની શરૂઆત થવાના કેટલાક મિનિટના અંદર જ સેન્સેક્સ 600 પોઈન્ટ નીચે જતો રહ્યો તો નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 35,521.73 અને નિફ્ટી 10,754 પર ખુલ્યો હતો. બપોરે 12 વાગે તો સેન્સેક્સ 800 કરતાં પણ વધુ પોઈન્ટ તુટી ગયો હતો. સેન્સેક્સ બુધવારે 550 પોઈન્ટ તુટીને બંધ થયો હતો. 

શેરબજાર તુટવાનું કારણ
રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલે સ્તરે જતા રહેવું, ક્રૂડ ઓઈલના ભાવોમાં વધારો અને વિદેશી રોકાણકારો દ્વારે વેચવાલીના કારણે ગુરૂવારે બજારમાં અફરાતફરી જોવા મળી. આરબીઆઈ દ્વારા નાણા નીતિની સમીક્ષા દરમિયાન વ્યાજ દરોમાં ઘટાડો કરવાની આશંકા પણ સેન્સેક્સ તુટવાનું એક કારણ છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે રૂપિયો ડોલરની સરખામણીએ 73.70 પ્રતિ ડોલર થઈ ગયો હતો. જ્યારે બેન્ટ ક્રૂડનો ભાવ 85 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. 

રિલાયન્સના શેર વર્ષ 2018માં સૌથી નીચલી સપાટીએ પહોંચ્યા 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના શેરમાં ગુરૂવારે બીએસઈમાં 5.4% જેટલો ઘટાડો જોવા મળ્યો અને તેનો ભાવ ઈન્ટ્રા ડે દરમિયાન રૂ.1,140 રહ્યો. આ ભાવ 2018ના કેલેન્ડર વર્ષમાં સૌથી નીચો છે. આ અગાઉ 18 ડિસેમ્બર, 2017ના રોજ RILના ભાવમાં 6.3%નો ઘટાડો નોંધાયો હતો અને બીએસઈમાં ઈન્ટ્રાડે ભાવ રૂ.919 પર અટક્યો હતો. 

વૈશ્વિક બજારોમાં 2 ટકાનો ઘટાડો
વૈશ્વિક બજારો એશિયા, હોંગકોંગનું હેંગ સેન્ગ, જાપાન, સિંગાપોર અને તાઈવાનના શેરબજારોમાં ગુરૂવારે 2 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો. બુધવારે ડાઉ જોન્સ 0.20 ટકા ઊંચો બંધ રહ્યો હતો.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news