2019 ચૂંટણીના પડઘમઃ ભાજપે કરી અત્યારથી જ બુથ લેવલની તૈયારીઓ

પક્ષના કાર્યકર્તાઓને સુચના આપવામાં આવી છે કે તેઓ સરકારી યોજનાઓનો લાભ લેનારા લોકોની યાદી તૈયાર કરે, સાથે જ જનસંપર્ક અભિયાનમાં તેજી લાવે 

2019 ચૂંટણીના પડઘમઃ ભાજપે કરી અત્યારથી જ બુથ લેવલની તૈયારીઓ

રાજીવ શ્રીવાસ્તવ, લખનઉઃ ભારતીય જનતા પાર્ટી આ વખતે લોકસભા ચૂંટણીમાં ફરીથી વિજય હાંસલ કરવા માટે બુથ સ્તરે જ અન્ય પક્ષનાં કાર્યકર્તાઓને રીઝવવાની યોજના બનાવી છે. ભાજપની થિન્ક ટેન્ક દ્વારા બુથ સ્તરની જે યોજના બનાવાઈ છે તેમાં તેમનાં તમામ બુથ કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે, તેઓ બીજી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંપર્ક સ્થાપિત કરે. 

ભાજપની બુથ સ્તરની યોજનાને 'બુથ કાર્ય યોજના' નામ અપાયું છે. જેના અનુસાર દરેક બુથ કાર્યકર્તાએ અન્ય પક્ષના કાર્યકર્તાનો સંપર્ક કરવાનો છે અને તેને ભાજપનો સભ્ય બનાવવા માટે પ્રેરિત કરવાનું કામ કરવાનું છે. 

આ અગાઉ 2014 અને 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા અન્ય પક્ષના ચૂંટણી જીતી શકે એવા ઉમેદવારોને ટાર્ગેટ કરાયા હતા અને ચૂંટણીના થોડા મહિના પહેલાં તેમને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. 

આ સ્ટ્રેટજી અંતર્ગત બીએસપીના દિગ્ગજ નેતા જેવા કે સ્વામી પ્રસાય મૌર્ય અને બૃજેશ પાઠકને પણ પક્ષના સભ્ય બનાવાયા બાદ ટિકિટ આપવામાં આવી હતી. એ જ રીતે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલી રીતા બહુગુણા જોશીને પણ ભાજપમાં સામેલ કરવામાં આવી હતી અને મેદાનમાં ઉતારાઈ હતી. વર્મતાનમાં આ ત્રણેય વ્યક્તિ યોગી સરકારમાં કેબિનેટ સ્તરના મંત્રી છે. 

આવા નામોની યાદી ઘણી લાંબી છે. એ જ રીતે અન્ય પક્ષોનાં મોટા નેતાઓને પણ ભાજપે લોકસભા ચૂંટણી પહેલા પોતાની પાર્ટીમાં ખેંચી લાવીને તેમને ટિકિટ આપી બેઠક કબ્જે કરી હતી. 

એ સમયે મોદી લહેરમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં 80માંથી 71 સીટ જીતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે એટલે પાર્ટી દ્વારા જમીન સ્તરે કાર્યકર્તાઓને મજબૂત કરવાની રણનીતિ બનાવી છે. 

બુથલેવલનાં કાર્યકર્તાઓને સુચના અપાઈ છે કે તેઓ પ્રજાની વચ્ચે જાય અને તેમની સાથે સંપર્ક કરે. અન્ય પક્ષના કાર્યકર્તાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવાનો પ્રયાસ કરે. આ ઉપરાંત મંદિર, મઠ અને આશ્રમમાં જઈને પણ સંપર્ક સ્થાપિત કરે. સાથે જ સરકારી યોજનાઓનાં લાભાર્થીઓની એક યાદી તૈયાર કરવાના પણ કાર્યકર્તાઓને આદેશ અપાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news