ટીપુ સુલતાન જયંતી વિવાદઃ મુખ્યમંત્રી કુમારસ્વામી કાર્યક્રમમાં ભાગ નહીં લે
કર્ણાટક સરકારે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ 10 નવેમ્બરના રોજ ઉજવવામાં આવનારા 'ટીપુ જયંતી સમારોહ'ના મુદ્દે કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરી રહી છે. આથી રાજ્ય સરકારે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ધારા 144 લાગુ કરી છે
Trending Photos
બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર મોટા સ્તરે ટીપુ સુલતાન જયંતી ઉજવવા જઈ રહી છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે. ત્યારે હવે જાણવા મળ્યું છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી આ કાર્યક્રમમાં ભાગ નહીં લે.
ટીપુ સુલતાન જયંતીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચાલી રહી છે. કર્ણાટક સરકારે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપ 10 નવેમ્બરના રોજ ઉજવવામાં આવનારા 'ટીપુ જયંતી સમારોહ'ના મુદ્દે કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરી રહી છે.
વિવાદને કારણે રાજ્ય સરકારે એ દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ધારા 144 લાગુ કરી દેવાઈ છે.
કુમારસ્વામી દ્વારા ઉજવણીના કાર્યક્રમમાં ભાગ ન લેવાની જાહેરાત થઈ છે. તેનું કારણ તેમની તબિયત ખરાબ હોવાનું જણાવાયું છે. ડોક્ટરોએ તેમને 11 નવેમ્બર સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આથી તેઓ 10 નવેમ્બરના રોજ આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં.
મૈસુર રાજઘરાણાના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની જયંતી સમારોહને વર્ષ 2016થી રાજ્યમાં મનાવવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વરે જણાવ્યું કે, "ભાજપ ટીપુ જયંતી મુદ્દે સાંપ્રદાયિક સોહાર્દ બગાડવાનો પ્રયાસ કરી રહી છે. અમે આમ થવા નહીં દઈએ. કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરનારા સામે કડક હાથે પગલા લેવામાં આવશે. કાર્યક્રમ કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ વગર આયોજિત કરવામાં આવશે."
ભાજપ અને આરએસએસ દ્વારા 10 નવેમ્બરના રોજ આયોજિત થનારા ટીપુ જયંતી સમારોહને 'લઘુમતિ તૃષ્ટિકરણ' જણાવાયું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ રાજ્ય સરકારને આ કાર્યક્રમના નિમંત્રણ પત્રમાં તેમનું નામ ન લખવાનો આગ્રહ કર્યો છે. જોકે, પરમેશ્વરે જણાવ્યું કે, હેગડેનું નામ પહેલાથી જ લખી દેવાયું છે અને કાર્ડ છપાઈ ગયા છે. હવે તેઓ કાર્યક્રમમાં ભાગ લે કે ન લે એ તેમની સ્વેચ્છાની બાબત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે